“ટચ”


પણ બેટા એ તો કહે કે , તારે અંગ્રેજી શીખવા કેમ જવું  ?

મા ! તું ગમે તે કહે , હું ત્યાં નથી જ જવાની ..!

 કઈક તો કારણો તો  હશે ને ?

જવાબમાં આખો દરિયો એક કોગળામાં બહાર .

કારણ એક જ .

એ મને અડે છે , જ્યાંથી ભવિષ્યમાં કોઈ જન્મ લેશે !

એ મને અડે છે એ જગ્યાએ જ્યાંથી કોઈનું પેટ ભરાશે ..!

મારી અંદરની ‘સ્ત્રી’ ને ટુકડે ટુકડે જગાવી રહ્યા છે ને હું આ ‘સ્ત્રી’ ને કંટ્રોલમાં…!

પણ મા ! ક્યારેક જો મારા કપડાંનું આવરણ હટશે તો ?

 

બોલ જાઉં ત્યાં ?

અરે ?  તે આ વાત પહેલાં કેમ ન કરી ?

મન તો થાય છે કે, 

એ નાલાયક મનીષને ને હું મારી મારીને અધમૂવો  કરી નાખું . 52 વર્ષનો થયો છે તો પણ ..!

 

મા ! એનું નામ મનીષ નહીં સતિશ છે . ને એ ચોત્રીસ વર્ષનાં છે .

હે ???

હા એ જ .

HEMAL  MAULESH  DAVE

Advertisements

“તપાસ”


‘તું હવે મારાથી દૂર હટીશ ?’ થોડું કામ કરી લેવા દે , હમણાં તારા ડેડી આવશે તો પછી તને ખબર છે ને શું હાલત થશે ?

વાહ મમ્મા , ડેડીના નામની ધમકી તું મને તો ન જ આપ .હા ! તારે લેવી હો તો લે બાકી તું પણ ખોટી ડરે છે . તને ક્યાં કોઈ દિવસ ડેડીએ કઇં જ કહયુ છે ?

ઊંડા નિશ્વાસ સાથે સ્વગત બબડી , ‘ એ જ વાંધો છે ને !’

શું ?

કઈં નહીં .

ભૂતકાળના પટારાને એક ધક્કા સાથે ખોલીને મોનું બહાર રમવા દોડી ગયો પણ હું દોડીને ક્યાં જઈશ ?

ને જાઉં પણ શું કામ પડે ?

સામનો કરીશ ને !

“ઝૂંપડાં જેવા ઘરમાંથી મહેલ સુધીની સફર આસાન થોડી હોય ? ”

કેટકેટલા પડાવ પાર કરવા પડે અને કેટલી મથામણ , અવહેલના , રસ્તાના કાંટા ,કંકર સહન કર્યા પછી આ મુકામે પહોંચી તો ગઈ પરંતુ અહિયાં આવીને જ ખબર પડી કે રસ્તામાં જેટલા પડાવ સહન કર્યા એનાથી પણ વધારે કાંટા કે પથ્થર અહિયાં રોજ મળે છે . એ કાંટા કે પથ્થર તો ઉપાડીને કે ઠેકીને દૂર પણ કરી શકાતા જ્યારે અહીંયા તો રોજ એના પર જ પગ મૂકીને ચાલતું રહેવું પડે છે .

મા હમેંશા પપ્પાને કહેતી કે, “આ લોકો એ મયુરીને જ પસંદ કેમ કરી ? કૈંક તો તપાસ કરાવો”

પણ ના ! પૈસાનું જોર પપ્પાના બધા જ સંદેહોને તાણી ગયું ને મને એ વહેણમાં પૂછ્યા વગર જ ધકેલી દીધી …તે આજ સુધી એ વહેણમાં આમ તેમ ફંગોળાયા કરું છું . ક્યારેક આ કિનારે કે તો ક્યારેક સામેના કિનારે . હા ! ઉનાળામાં આ વહેણ સુકાઈ જાય છે ને પરદેશના પ્રવાસે ઉપડી જાય છે . એ ત્રણ મહિનામાં મારે બારે માસનું જીવવાનું હોય છે .

એ બારે માસનું જીવવા માટે પાછું મારે, મારા શહેરની બહાર જવાનું હોય છે . જ્યાં કોઈ એવું છે જે મારી અનંતકાળથી રાહ જોઈ રહ્યું છે .

“અનુભૂતિ”


અનુભૂતિની દુનિયામાં જેટલા પગલાં મંડાય અને એ પગલે પગલાંનું પગેરું મનની મીરાંત પર છાપી શકાય તો ગમે ત્યારે ગમે ત્યાંથી સમજણની સરવાણી ફૂટી શકે છે ખરી …

હજુ હમણાંની જ વાત . અમારા કામવાળા બહેન એકદમ ટાઇમસર આવે અને ટાઇમસર કામ પૂરું કરીને જાય . ન ખોટી હાયવોય કે ન ઉતાવળ . ત્રણેક દિવસ પહેલા જ એ એના ટાઈમ કરતાં મોડા પડ્યા . અમસ્તું જ મારાથી બોલાય ગયું ..આજે તો તમે મોડા ? હું કઈ કરાવું તો તમારે જલ્દી કામ પતે ? ને સરળ ભાષામાં જવાબ મળ્યો .

ના રે દીદી ! રોજનું થયું .રોજ ઊઠીને જલ્દી જલ્દી ઘરનું કામ પતાવી , છોકરાઓને સ્કૂલે મોકલીને આવું છું ……ઘેર તો જાણે હડિયાપાટી થાય છે .. આજે કઈક જુદો દિવસ ઊગ્યો છે . થોડું મોડુ થયું છે , જે ઘેર કામ કરવા જઈશ એનું થોડું ઘણું સાંભળીશ .ને હસીને જવાબ પણ દઈ દઇશ કે , અમેય તમારા જેવા માણસ જ છીએ. રોજ કામ પર ટાઇમસર આવું છું ત્યારે કઈ નથી બોલતા કે હા , જો તું ટાઈમસર આવી જાશ તો પછી આજે હું મોડી પડી છું તો મને પણ ખબર પડશે કે , મારે કોના ઘેર મારૂ ઘર માનીને કામ કરવું કે , મને જેટલો પગાર મળે તેટલું જ કામ કરવું ….ને બીજું દીદી આ એક દિવસ રોજની દોડધામમાંથી  હાશકારો મળ્યો છે મને તો જાણે સોનાનાં સુરજ જેવુ લાગે છે .

કેટલી સીધી સાદીને સમજણપૂર્વકની વાત . રોજની ઘટમાળમાં ક્યાંક નાનકડો ગેપ પડે છે એ ગેપની સુંદર મજાની ખેપ લેવાની વાત . હમેંશા જોવા મળે છે કે , રોજના નિયત સમયમાં થતું કામ થોડું ઘણું પણ આડું અવળું થાય તો માણસોનો આખો દિવસ જાણે બગડતો હોય છે . સ્પીડ ક્યાંક ધીમી થઈ કે તેની અસર દિવસ આખામાં પ્રસરે છે અને જે કઈ પણ કામ થાય છે એ સંતાપ સાથે થાય છે . એટ્લે કે , ,કામનો પૂરો આનંદ મળતો નથી ને ઊલટું એ કામ કરવાથી થાક વર્તાય છે . કારણ કે રોજની ઘરેડ પ્રમાણે જીવતી જિંદગી તેના કમફર્ટ ઝોનમાંથી બહાર આવવા નથી માગતી .

આ પ્રશ્ન મોટે ભાગે ગૃહિણીઓને જ નડે છે એવું નથી . એકધારી લયબધ્ધ જિંદગી જીવતા બધા લોકોને આ પ્રશ્ન નડે છે . ને આમ જુઓ તો ઉકેલ સાવ હાથ વગો ..મોડુ તો થયું જ છે પરંતુ જો મનમાં સતત એ જ ભાવ સાથે ચાલીયે તો સંઘ દ્વારકાએ પહોંચતા પહોંચતા થાકી જશે . માણસ કામ કરતાં કરતાં નથી થાકતો એટલો એ ચિંતા અને ક્રોધથી થાકે છે . આવી નાની વાતોનો સરવાળો મંડાતો જાય ત્યારે ખબર પડે છે કે આનંદનું પલડું ઉપરને ઉપર ચડતું જાય છે અને ચિંતા કે દુખનું પલડું નમતું જાય છે …..ને ‘નમે એ સૌને  ગમે ‘ એ કહેવતને અહિયાં ખોટી સાબિત કરે છે .

જીવન સરળ છે અને સરળ બનીને રહે એની માટે બહુ સરળ પ્રયત્નો જ કરવાના હોય છે . દિવસભરની નાની નાની ખુશીઓનો ભેગી કરતાં જવાની છે બસ . રાત્રે સૂતા પહેલા આ બધી જ ઘટનાઓને યાદ કરીને સાચા ખોટાના મનોમન ભાગલા પાડીને , સારી ક્ષણોને તારવીને મનના સિંહાસન પર બેસાડી દેવાની હોય છે . જે રાતભર સુખની નીંદર આપીને પોતે બીજા દિવસના આવા જ સુખની તૈયારીઓ આ કુદરત પાસે કરાવવા માટે મહેનત કરશે .

“ખુશી “


                               અનુભૂતિની દુનિયામાં જેટલા પગલાં મંડાય અને એ પગલે પગલાંનું પગેરું મનની મીરાંત પર છાપી શકાય તો ગમે ત્યારે ગમે ત્યાંથી સમજણની સરવાણી ફૂટી શકે છે ખરી …હજુ હમણાંની જ વાત . અમારા કામવાળા બહેન એકદમ ટાઇમસર આવે અને ટાઇમસર કામ પૂરું કરીને જાય . ન ખોટી હાયવોય કે ન ઉતાવળ .

                         ત્રણેક દિવસ પહેલા જ એ એના ટાઈમ કરતાં મોડા પડ્યા . અમસ્તું જ મારાથી બોલાય ગયું ..આજે તો તમે મોડા ? હું કઈ કરાવું તો તમારે જલ્દી કામ પતે ? ને સરળ ભાષામાં જવાબ મળ્યો . ના રે દીદી ! રોજનું થયું .રોજ ઊઠીને જલ્દી જલ્દી ઘરનું કામ પતાવી , છોકરાઓને સ્કૂલે મોકલીને આવું છું ……ઘેર તો જાણે હડિયાપાટી થાય છે .. આજે કઈક જુદો દિવસ ઊગ્યો છે . થોડું મોડુ થયું છે , જે ઘેર કામ કરવા જઈશ એનું થોડું ઘણું સાંભળીશ .ને હસીને જવાબ પણ દઈ દઇશ કે , અમેય તમારા જેવા માણસ જ છીએ. રોજ કામ પર ટાઇમસર આવું છું ત્યારે કઈ નથી બોલતા કે હા , જો તું ટાઈમસર આવી જાય છે , તો પછી આજે હું મોડી પડી છું તો મને પણ ખબર પડશે કે , મારે કોના ઘેર મારૂ ઘર માનીને કામ કરવું કે , મને જેટલો પગાર મળે તેટલું જ કામ કરવું ….ને બીજું દીદી આ એક દિવસ રોજની દોડધામમાંથી  હાશકારો મળ્યો છે મને તો જાણે સોનાનાં સુરજ જેવુ લાગે છે .

                                           કેટલી સીધી સાદીને સમજણપૂર્વકની વાત . રોજની ઘટમાળમાં ક્યાંક નાનકડો ગેપ પડે છે એ ગેપની સુંદર મજાની ખેપ લેવાની વાત . હમેંશા જોવા મળે છે કે , રોજના નિયત સમયમાં થતું કામ થોડું ઘણું પણ આડું અવળું થાય તો માણસોનો આખો દિવસ જાણે બગડતો હોય છે . સ્પીડ ક્યાંક ધીમી થઈ કે તેની અસર દિવસ આખામાં પ્રસરે છે અને જે કઈ પણ કામ થાય છે એ સંતાપ સાથે થાય છે . એટ્લે કે , ,કામનો પૂરો આનંદ મળતો નથી ને ઊલટું એ કામ કરવાથી થાક વર્તાય છે . કારણ કે રોજની ઘરેડ પ્રમાણે જીવતી જિંદગી તેના કમફર્ટ ઝોનમાંથી બહાર આવવા નથી માગતી . 

                                       આ પ્રશ્ન મોટે ભાગે ગૃહિણીઓને જ નડે છે એવું નથી . એકધારી લયબધ્ધ જિંદગી જીવતા બધા લોકોને આ પ્રશ્ન નડે છે . ને આમ જુઓ તો ઉકેલ સાવ હાથ વગો ..મોડુ તો થયું જ છે પરંતુ જો મનમાં સતત એ જ ભાવ સાથે ચાલીયે તો સંઘ દ્વારકાએ પહોંચતા પહોંચતા થાકી જશે . માણસ કામ કરતાં કરતાં નથી થાકતો એટલો એ ચિંતા અને ક્રોધથી થાકે છે . આવી નાની વાતોનો સરવાળો મંડાતો જાય ત્યારે ખબર પડે છે કે આનંદનું પલડું ઉપરને ઉપર ચડતું જાય છે અને ચિંતા કે દુખનું પલડું નમતું જાય છે …..ને ‘નમે એ સૌને  ગમે ‘ એ કહેવતને અહિયાં ખોટી સાબિત કરે છે .

                             જીવન સરળ છે અને સરળ બનીને રહે એની માટે બહુ સરળ પ્રયત્નો જ કરવાના હોય છે . દિવસભરની નાની નાની ખુશીઓનો ભેગી કરતાં જવાની છે બસ . રાત્રે સૂતા પહેલા આ બધી જ ઘટનાઓને યાદ કરીને સાચા ખોટાના મનોમન ભાગલા પાડીને , સારી ક્ષણોને તારવીને મનના સિંહાસન પર બેસાડી દેવાની હોય છે . જે રાતભર સુખની નીંદર આપીને પોતે બીજા દિવસના આવા જ સુખની તૈયારીઓ આ કુદરત પાસે કરાવવા માટે મહેનત કરશે .

 

“તલ”


મૃત્યુ એક સનાતન સત્ય .રોજે રોજ આપણી સાથે જીવતું સત્ય ને તે છતાં એને જાકારો આપી ન શકાય , એને મન પડે ત્યારે ગમે તે રૂપ ધારણ કરીને આવે ને મન ફાવે ત્યારે લઈ જાય . ન કોઈ આગાહી કરે ન કોઇની પણ તાબેદારી કરે બસ આવે અને જાય .

ને આ આવજાવ વચ્ચે જીવન ચાલતું રહે , ક્યારેક ઊછળતું રહે ક્યારેક કૂદતું રહે ને ક્યારેક હાંફીને ઊભું રહી જાય પણ થંભે નહીં બસ દોડતું જ રહે અને એની દોડ મૃત્યુ સુધીની છે એ જાણવા છતાં પણ એની ચાહ એને જીવન તરફ જ  લઈ જાય .

કોણ જાણે ક્યારે ટપકી પડશે અને ક્યારે આપણને હતા ન હોતા કરી નાખશે ..?? આવા જ કૈંક વિચારો સાથે શાલવી બાલ્કનીમાં રહેલા વાંસના હીંચકામાં બેસીને વિચારો કરી રહી હતી …આજે મૃત્યુની વાત કેમ યાદ આવે છે ? શું આજે કોઈ એવું પુસ્તકતો નથી વાંચી નાખ્યું ને ? આ ચાલીસી વટાવવાનું આ દુખ ! લાંબો ભૂતકાળ ભૂલાતો નથી અને કાલે જીવેલા ભૂતકાળ જાણે જીવ્યો જ નથી એમ યાદ નથી રહેતો !! મગજને કસવામાં તો માથું દુખી જાય છે ને ક્યારેક પાછું ફટાક દઈને મગજનું ફાટક ખૂલે છે અને તે યાદ રુમઝુમ કરતી બહાર આવે છે . પહેલા તો આ સ્થિતિ કોઠે નહોતી પડતી કારણ કે એની યાદશક્તિ પર તો એ મુસ્તાક હતી ..કોઈ ભૂલી ગયા આવું કહે તો એને નવાઈ લાગતી કે ‘ આમ ભુલાય કેમ જાય ? ‘ જાણે એના જ શબ્દોને સાચા પાડવા કુદરત અત્યારે પ્રયાસ કરી રહી હતી …હા પુસ્તકનું ટાઇટલ ભૂલાયું હતું ..ને સાથે રહેલી વિગતો પણ . હશે ત્યારે જે હોય તે , વિચારો પર ક્યાં આપણો ઇજારો ચાલે છે એ તો મન પડે ત્યારે આવે ને જાય ..!

બાલ્કની હવે અંધારી થઈ .સાંજનો ઉજાસ પથરાયો થોડો રતુંબડો સુરજ બિલ્ડીંગની પાછળ છુપાયો ને હવે જ શરૂ થઈ પ્રતિક્ષાની ઘડીઓ. છેલ્લા પાંચ વર્ષથી અનુભવાતો એક જ સમય જેમાં ક્યારેય કોઈ ફેરફાર નથી થયા . હા રવિવારની વાત જુદી છે ત્યારે ઝૂલતા ઝુલાએ સંભાળીને ઝૂલવું પડે છે . સામે જ એક આરામખુરશી ગોઠવાઈ હોય છે ને પછી આરામખુરશી અને ઝુલા વચ્ચે સંવાદો થયા કરે છે . ત્યારે આખી સાંજ બાલ્કનીમાં ઠલવાય છે અને રાતો સુરજ ડૂબતાં ડૂબતાં શાલવીના ગાલને ક્યારેક રાતા કરી શકે છે .

   વળી પાછો સુરજ સવારે આછા કિરણો સાથે શાલવીના બેડરૂમમાં મુકાયેલા બેડ સુધી પહોંચે છે ને શાલવીને જગાડે છે , જાગીને સીધી શાલવીની નજર  બાજુમાં સૂતેલા અધખુલ્લા  શરીર પર પડે છે ને એ ખુલ્લી પીઠ પર ઝગારા મારતા તલને જોઈને હાશકારો અનુભવે છે . એ ઝગારાને ચૂમી લેવા મન કરે છે પરંતુ થોડો સળવળાટ થશે તો એ ઝગારો જલ્દીથી ગાયબ થઈ જશે ને પાછી એને કરવી પડશે  અઠવાડીયાની પ્રતિક્ષા…! એ વિચારે બસ અનિમેષ એ જોયા જ કરે છે …ગૌર વર્ણની ઉપર શોભતો કાળો તલ જ યુવાન રહ્યો છે હજુ બાકી તો ……!!!

આ ચાલીસીની પકડ પણ હવે ઢીલી પડી છે ..હા ..! 20 વર્ષે થયેલા ઉભરા હવે ધીમે ધીમે ઓછા થતાં જાય છે પણ એની યાદ તો રોજ હુમલા કરે છે ને છલોછલ છલકાવીને જાય છે ક્યારેક આંસુઓ ને ક્યારેક મન.

  એ દિવસે કોલેજનું પગથિયું ચુકાયું ને સાથે જીવનનું પણ . ત્યારે  એ  કેવી મજબૂત બાજુઓમાં ઝીલાઈ હતી ને પછી એ બાહોંનું વ્યસન થઈ ગયું . ..વીસ વર્ષ અને પાંત્રીસ  વર્ષના ભેદ ભુલાયા હતા. ક્યારેક લાયબ્રેરી તો ક્યારેક પાર્કિંગમાં નજરની સાથે સ્મિતની આપ લે થતી હતી ને ક્યારે એ સ્મિત ખડખડાટ હાસ્યમાં પલટાયું એની ખબર ન રહી હતી .

એ દિવસ એને હજુ પણ યાદ છે . કોલેજની પીકનિક આબુમાં હતી ને કેટલી વાર એ આબુ જઇ આવી હતી એટ્લે એ અવઢવમાં હતી કે જાઉં કે ન જાઉં …..એ અવઢવ એક જ ધડાકે ખતમ થઈ ગઈ હતી જ્યારે તેને ખબર પડી કે …..!

બસ ઉપડી ત્યારે એ છેલ્લેથી બીજી સીટમાં બેઠેલી ને એની આગળ જ એ …ખુલ્લી બારીમાંથી આવતી હવા એના ચહેરા ને વાંકડિયા વાળને સ્પર્શીને મારા સુધી પહોંચતી હતી ને એ સુગંધનું જોર આબુમાં જુદી હોટેલમાં ઉતાર્યા તો પણ રહ્યું હતું. નખી લેકમાં કરેલા બોટિંગમાં રૂપાનો સાથ એને જરા પણ ગમ્યો ન હતો ..અને સનસેટ વખતે એ અણગમો ક્યારે ગમામાં પલટયો એ ખબર ત્યારે જ પડી જ્યારે એ ડૂબતાં સુરજની સાખે એ સુગંધને ભારોભાર ભરી હતી ને કદાચ એટ્લે જ તેને આજે પણ ડૂબતાં સુરજનું મહત્વ એટલું જ છે.

 એ દિવસની સાંજ અને એ પછીની સાંજ …આ બન્ને દિવસની સાંજમાં તેની આખી જિંદગી પલટાઈ જશે એની તો એને જરા પણ અંદેશો ન હતો .. એ સનસેટ જોઈને ઢોળાવ વાળા રસ્તે ઉતરતા આછા અંધારામાં પડી ન જવાય એના આગોતરા આયોજને એનો જમણો હાથ તેના ડાબા હાથમાં મુકાયો ને હોટેલ આવતા આવતા એ પકડ એટલી મજબૂત થઈ ગઈ કે લાગ્યું કે , “ આ હુંફ વગર નહીં જ જીવી શકાય ‘ .! નિર્ણય ભારે હતો એ તો ઠીક ભારે કરતાં પણ ભારેખમ હતો . એણે અનુભવેલી ડાબા હાથની હુંફ એના  જમણા હાથમાં ક્યારેય અનુભવી શકવાની નહોતી . એ જમણો હાથ આઠ વર્ષ પહેલા જ કોઈના હાથમાં અપાઈ ગયો હતો . છતાં પણ એ મુસ્તાક બની ..હોટેલ સુધી પકડાયેલા એ હાથે એને બીજા મહિને હોટેલના કમરા સુધી પહોંચાડી દીધી ને એ રાત્રિએ એક બીનઅનુભવી કન્યાને એક અનુભવી પુરુષે સ્ત્રી બનાવી હતી.

સમાજના અને ઘરના વિરોધની વચ્ચે એ એકદંડિયા મહેલની એકલી રાણી બનવા તૈયાર થઈ હતી  ને એ જ ડાબો હાથ અને અઠવાડીયાના બે દિવસોના સહારે ચાલીસીએ પહોંચી ગઈ હતી .    

હા ..ખુશ હતી એ . દુખી થવાના કોઈ કારણો ઉપલા સ્તરે કોઈ જ જણાતા નહોતા. થોડો સમય ઝંઝાવાત આવ્યો હતો .એ જ્યારે સેમિનારમાં ભાગ લેવા  ત્રણ મહિના માટે જાપાન જવાનો હતો ..એ રાત્રે જુદાઈની ક્ષણો પહેલાનો પ્રેમ આહલાદક રહ્યો હતો , એમ માનોને કે જવાબદારી વગરનો પ્રેમ રહ્યો હતો ને એ જવાબદારીનું ભાન તેને બીજા મહિને જ થઈ ગયું જ્યારે નિયમિત રહેતા માસિકની તારીખ ચુકાઈ ગઈ . થોડો અંદેશો આવ્યો ને સાથે યાદ આવી  તેની સહેલી રૂપા  જે હવે પ્રસિધ્ધ ગાયનેક હતી ..હ્રદયનો ધબકારો ચૂકી જવાય એવા સમાચાર તેણે આપ્યા હતા . “ you are pregnant “ .

ને પછી પ્રતિક્ષાનો દોર શરૂ થયો હતો ક્યારે ‘એ ‘ આવે અને ક્યારે એને શુભ સમાચાર આપું …..એ  સુખદ ઘડી બહુ જલ્દી આવી ને  દુ:ખદ યાદો સાથે હજુ સુધી અટવાઈને પડી છે . એ મા તો ન બની શકી પણ રૂપાની સાથે મળીને એ ક્યારેય મા ન બની શકે એનું પ્લાનિંગ પણ એમણે કરી દીધું હતું . એ ટીસ હવે ચૂભતી જ રહેવાની છે ક્યારેય એ ચૂભનને મિટાવવાની કોશિષ પણ નથી કરી ..છો ને રહી.. .!!

એ જ તો યાદ દેવડાવે છે કે , વીસ વર્ષની જિંદગી ત્રેવીસ કે ચોવીસ વર્ષ વાળા હાથમાં જ શોભે અથવા બહુમાં બહુ પચીસ કે છવીસ .પણ પાંત્રીસ વર્ષ ? ના ક્યારેય નહીં .

પણ જ્યારે જ્યારે એ ખુલ્લી પીઠમાં ઝગારા મારતા તલને જોવે છે ત્યારે ત્યારે એ ઉંમરના બધા જ પડાવને ભૂલી જઈને પાછી મોહમાં ભરાય છે ને પછી હતી એમ ની એમ .

  વિચારોમાંથી પીછેહઠ કરીને પછી એની નજર એ પીઠ પર જાય છે ..આજે આ પીઠ કયારની પડખું કેમ નથી ફરતી ?  આજે તો વિચારમાં ને વિચારમાં આ સુરજના આછા કિરણો તપવા માંડ્યા તો યે એ પીઠ એમની એમ જ કેમ ?

   ને પછી તેને યાદ આવ્યું કે રાત મોડી પડી હતી એની ચાલીસી અને એનો સાઇઠમો દાયકો હરીફાઈએ ચડ્યા હતા ને પછી હરીફાઈમાં માંડ માંડ મેળવેલી જીતે તેમની રાતને મોળીમાંથી મોડી બનાવી દીધી હતી . એમની હાંફ ક્યાંય સુધી શમી ન હતી પણ એ તો શનિવારે મળેલા ભરપૂર પ્રેમના લીધે સંતોષના ઓડકાર સાથે સૂતી હતી …પણ એ … હજુ સળવળાટ કેમ નથી કે નથી નસકોરાંના અવાજ ..???

    ને એ સફાળી જાગી બ્લેન્કેટને ફગાવી ઊભી થઈને પલંગના બીજા છેડે આવીને ઊભી …….

 બ્લેકેન્ટ વગરની એ ખુલ્લી પીઠ ને આવરણરહિત શરીરને  હવે જરૂર હતી  સફેદ ચાદરની. 

“સેલોટેપ”


                હમણાં જ એક સેમિનારમાં બેનર લગાડવા માટે ઘણા લોકો મથતા હતા કારણ કોઈને સેલોટેપનો છેડો મળતો ન હતો . લગભગ ત્રણ જણાએ ટ્રાય કરી પરંતુ અસફળ રહ્યા . ત્યાં ઓડિયન્સમાંથી એક બહેન ઊભા થયા કે લાવો ! હું જોઈ દઉં ? હા પાડવા સિવાય એ લોકો પાસે બીજો કોઈ જ ઉપાય નહોતો . ને અંતે એ બહેને ધ્યાનથી એ સેલોટેપને જોઈ , જે બાજુથી એ લોકો મહેનત કરતાં હતા એની બિલકુલ બીજી બાજુથી એ સેલોટેપનો છેડો શોધી આપ્યો . જે ત્રણ જણા મહેનત કરતાં હતા તેમાંથી બે નું મોઢું પડી ગયું અને એક જણ , આવું તો થાય એવા ભાવ સાથે પોતાના સ્થાને બેસી ગયા . વાત આટલી જ .

   તો  ઘણી વખત આપણને સેલોટેપનો છેડો મળતો નથી હોતો , ઘણી મહેનત કરવા છતાં એ ન મળે તો ન જ મળે ..ને બીજાની મદદ લેવા જઇયે તો એને કદાચ તરત જ મળી જાય ..તો શું આપણને એ છેડો કેમ ન મળ્યો એનું દુખ લગાડવું કે પછી છેડો મળી ગયો ને એ વિચારે ખુશ થઈને આપણાં કામે વળગવું .

        ઉપાય તો બીજો જ અજમાવવો જોઇએ ..આપણું કામ કરો ને ખુશ થાઓ . પરંતુ ક્યારેક આવો પ્રસંગ સામે આવે ત્યારે નિરીક્ષણ કરજો , મોટે ભાગે લોકો ફરિયાદ કરશે કે , ‘ હું આટલા વખતથી મહેનત કરતો હતો ને મને ન મળ્યો પણ તમને તો તરત જ મળી ગયો ! ‘ બસ પછી એ સહેજ નિરાશાની લાગણી એના દિલના એક ખૂણે ગોઠવાઈ જશે .. ને આવા કેટલાય પ્રસંગો એનામાં ફાળો નોંધાવતાં જશે . ધીમે ધીમે એ ખૂણો ભરાઈ જશે અને પછી આવી નકારાત્મક લાગણીઓ બહાર આવવાની કોશિશ કરશે . ધીમે રહીને તે વાણી તથા વર્તનમાં કબજો કરશે અને પછી સમગ્ર અસ્તિત્વ પર કબ્જો જમાવશે . ને પછી આપણે સારી બાબતો જોવા છતાં એની નેગેટિવ બાજુ જ જોયા કરીશું .

વાત સેલોટેપનાં છેડાની હતી ને એ હવે આપણાં જીવન સાથે ચેડાં કરવા લાગશે .

એટ્લે જો આપણો સ્વભાવ થોડો નકારાત્મક હોય કે ઇગો ભરી ભરીને પડ્યો હોય અથવા વધારે મહેનત કોણ કરે ? આવા વિચારોથી દિમાગ ભરેલું હોય તો , સેલોટેપનો છેડો ન મળે તો એના ઉપરના ભાગે કાતરથી થોડો કાપો મૂકીને બીજી બાજુ છેડો શોધવો પણ એવા કોઈને પૂછીને કે મદદ લઈને એ છેડાની શોધ ન કરવી કે આપણને આત્મગ્લાનિ થાય .  . આપણે બહુ નાની નાની વાતમાં લોકો પાસે દોડી જતાં હોય છે અથવા આપણાં દુખના રાગ ગાતાં હોઈએ છીએ અને આ ‘ રાગ ‘ જે સાંભળે છે એને એ સાંભળવાનો કોઈ રસ હોતો નથી બસ એક કાનથી સાંભળી ને બીજા કાને કાઢે છે . પરંતુ આ બીજો કાન પોતાનો નહીં પણ બીજાનો હોય છે . એટલે કે હમેંશા આવી વાતો બે કાનથી લઈને બે હજાર કાન સુધી પહોંચે છે .આપણાં જીવનને જો તમે ‘સેલોટેપ’ ધારી લો તો વાત અહીંયા સ્વાવલંબી બનવાની છે . આપણાં નાના પ્રોબ્લેમ ને લઈને બીજાની પાસે દોડી જતાં પહેલાં આપણું પોતાનું આત્મનિરીક્ષણ કરવાની છે . જાત મહેનત અને આપની સૂઝ અને સમજદારી કામે લગાડવાની છે . આપણાં જીવનના છેડાની સાથે કોઈ ચેડાં ન કરી જાય તે માટે કેવા પગલાં ભરી શકાય એની છે .લાઈફ લાઇન : ચાદર હોય એટલા પગ લાંબા કરાય પરંતુ પગ લાંબા થઈ શકે એવી જ ચાદર લેવાની હિંમત આપણી અંદર હોય જ છે . જરૂર છે તેને ઓળખવાની .

Hemal Maulesh Dave

‘માસિક ધર્મ કે માનસિક ધર્મ ?’


માસિક ધર્મ કે માનસિક ધર્મ ?

અરે રે ! આ મારી પુર્વી તો ચૌદ વર્ષની થઈ ગઈ છે પણ હજુ કેમ આમ ? દિનાબેન મને બહુ ચિંતા થાય છે .કોઈ ડોક્ટરને બતાવું કે શું કરું ? આ જુવોને તમારી નેહા અને મારી પુર્વીને દોઢ વર્ષનો જ ફેર છે છતાં પણ આમ કેમ ? અરે ! સુરભિ  ચિંતા શેની કરે છે ? આ જો નેહા હવે સ્કૂલ જાય ને તો મને  કેટલી ઉપાધિ થાય છે અને ક્યાંક આડોઅવળો પગ પડી ગયો તો ? કેટલું ધર્મ સંકટ ??

સુરભિ આજે સવારે થયેલા સંવાદોને વાગોળી રહી હતી . ક્યારેક ચીડ અને ગુસ્સો આવતો કે સાલ્લું આ બધુ સ્ત્રીઓના ભાગે જ કેમ ? ને પછી પોતે જ બબડતી કે .સૃષ્ટિની રચના કરવા માટે માસિક ધર્મ આવવો આવકાર્ય જ નહીં અનિવાર્ય પણ છે .

ને પાછી પોતાના જ વિચારોનો સંકેલો કરીને એ કામે વળગી ..પણ આ સવારનો વળગેલો વિચાર ક્યાંય કેડો મૂકતો નથી . હજુ એની દીકરી સ્ત્રીત્વની નિશાનીને પામી કેમ નથી શકી ?  કે પછી આજકાલની છોકરીઓને તો બધુ જ ખબર પડતી હોય છે ને હવે ક્યાં પહેલાની જેમ કપડાં સુકવવાની ઝંઝટ કે પછી ખૂણો પાડવાની ઝંઝટ છે . કદાચ મને ન પણ કીધું હોય ? ચાલો આજે સાંજે જ આ પ્રશ્નનો જવાબ મેળવીને રહીશ અને નહીંતર શનિવારે ડોક્ટરને બતાવવા જવું જ પડશે . આજકાલ તો દસ બાર વર્ષની છોકરીઓ પણ …..!

ઝટપટ કામ પતાવ્યું અને જરા જેટલી આંખ મીંચવા આડી પડી પણ એ વિચારોએ કેડો મુકયો જ નહીં …ને એ વિચારોએ જ પછી તો ભૂતકાળનો પટારો ખોલી દીધો . એ પટારામાંથી તો જે કઇં નીકળે એના પર તો ક્યાં કાબૂ જ રહ્યો ….કેવા દિવસો હતા એ ? બન્ને કાકા અને તેમનો પરિવાર સાથે દાદા દાદીની ઓથ  વેકેશનમાં આવતો ફઈબાનો પરિવાર , એ ધિંગા મસ્તી , જમવામાં થતાં ઝઘડા કે અગાશીએ સુવા જવાની હોડ ….! તેને યાદ છે સૌથી મોટી ફઈબાની મીના હતી જેને હવે અગાશીમાં બધાની સાથે સુવાની છૂટ ન હતી . ત્યારે બધા રાજી થયા હતા જે હાશ હવે સંકડાશ ઓછી થશે ને ત્યાર પછીના વેકેશનમાં વારો હતો કાકાની ક્રુતિનો ને હવે હું અને શીલું બે જ બચ્યા હતા ..એ ય ને પગ પ્રસારીને સૂતા ને આકાશી નજારાને માણતા. હા ! એ બન્નેના અગાશીએ સુવાના બંધનનું કારણ જાણવાની કોશિશ નહોતી કરી . શું જરૂર હતી ? અમને તો જગ્યા મળી હતી …બીજા જ વેકેશનમાં શીલુંનું સુવાનું બંધ થઈ ગયું ને પછી બચી હું એકલી …ને એકલી છોકરીને તો સગા ભાઈની સાથે જવાની પણ ક્યાં છૂટ હતી ત્યાં આ તો રાતે એકલા સુવાની વાત હતી . મારૂ સુવાનું બંધ થયું ત્યારે મને સમજાયું કે મારી બહેનોનું સુવાનું કેમ બંધ થયું હતું !!!!

ને હવે એ મારી મા , દાદી અને કાકીઓ માટે પ્રાણ પ્રશ્ન બની ગયો હતો . ડોશીવેદ્યના કેટલાય પ્રયોગો મારી પર કરવામાં આવ્યા હતા . અજમાનો ઉકાળો , ગરમ ગરમ વસ્તુઓ , પપૈયાંની ચીરો ખાઈખાઇને તો હું ઉબકી ગઈ હતી .ને પછી આ વાત પહોંચી મોટેરાઓ આગળ . ને જો આ વાત બહાર પડી જાય તો તો ભારે થઈ જાય !!! એટ્લે પૂરી સાવધાની સાથે મને ‘બધુ’ જ સમજાવવામાં આવ્યું . કોઇની સાથે વાત કરવી નહીં ..સ્કૂલમા કોઈને કૈ જ પૂછવું નહીં કે કહેવું નહીં ..મહિનામા ત્રણ દિવસ મારે ખબર નહીં કેમ પણ એ નાનકડી ઓરડીમા મારા ભણવાના ચોપડાઓ લઈને ખાલી ખાલી બેસી રહેવું પડતું . જમવાનું પણ એક જુદી થાળીમા રહેતું . મારા ચોકખા ચણાક કપડાઓને અગાશી પર સૌનું ધ્યાન પડે એ રીતે મારે જ ધોઈને નાખવા જવા પડતાં …! ને મને આવી રીતે જુદી શું કામ રાખવામા આવે છે એનું કોઈ જ કારણ મને મળતું નહીં અને મને કોઈ જણાવતું પણ નહીં …! મને આનંદ એ જ વાતનો હતો કે આ વેકેશનમા ફઈબા અમારે ઘેર નહીં આવે પરંતુ અમારે એમના ઘેર જવાનું છે અને મારી બન્ને બહેનોને અહિજ રહેવાનુ છે પણ મને મા અને કાકી ભેગા ત્યાં જવાનો મોકો મળવાનો છે . શહેરમાં રહેતા ફઈબાના ઘેર જવા હું અંધારી ઓરડીમા રહેવા તૈયાર હતી .

એ દિવસ આવી પહોંચ્યો . મને તો શેરીમાંથી જ ખબર પડી કે ફઈબાની તબિયત ખરાબ છે અને અમે તેમને મદદ કરવા માટે ત્યાં જઇ રહ્યા છીએ. બાકી ઘરમાં તો આવી વાત ક્યારેય થઈ નહોતી . !!!

એ જ દિવસે અમે જવા નીકળી ગયા ને ત્યાં બે ત્રણ દિવસમા મારી સાથે જે કૈ પણ થયું એમાં મને મારી બહેનોનું અગાશી સુવાનું બંધ કેમ થયું ,, મને અમસ્તી જ એ ઓરડીમા કેમ સુવા દેવામાં આવતી હતી ? ઘરના શું ચિંતા કરતા હતા ? એ બધા જ અઘરા સવાલોનો તાળો મળી ગયો હતો .

ને ચાર દિવસ પછી મા અને કાકી ગયા ને  હવે મારે ફઇબાને ઘેર રહીને જ ભણવાનું હતું . હા એક વાત મને ગમતી હતી ડોક્ટર મેડમ ખૂબ સારા હતા . તેમણે આપેલ બધી દવાઓ સમયસર લેવાનું ચૂક્તી નહીં . થોડા દિવસ તો મજા આવી પણ પછી ઘર ખૂબ યાદ આવતું હતું . મીના હતી તો સારું હતું ને હવે તો મને પણ બધુ જ સમજાતું હતું .. એ રાત તો કેમ ભૂલાય ? એ સવારથી કઈક બેચેની જેવુ લાગતું હતું ને સાથે થોડો થાક લાગતો હતો . ક્યારેક પેટમાં કોઈક વલોણું ફેરવતું હોય એવો દુખાવો થતો હતો . મીના આજે સવારથી બહાર હતી ને ફઈબા એના કામમાં . ઘેર હું એકલી રહેવાની હતી . થોડી વાર તો થયું ફઈબાને વાત કરું ? પણ ના ના ..એ હમણાં એમની સંસ્થાની મિટિંગમા જવાના હતા . ચૂપચાપ મોઢું ઓશિકામા દબાવીને સૂતી રહી ..સહન ન થયું તો માથાનું ઓશીકું પેટ નીચે દબાવ્યું . ને એ ક્યારેય સહન ન કરેલી પીડાને પચાવવાની કોશિષ કરતી રહી ..કેટલો સમય ગયો ખબર ન પડી ? પીડા જાણે પોતીકી બની હોય એમ સાથે ને સાથે રહી .. ક્યારની લાગેલી તરસ છુપાવવા જ્યાં ઊંઠી ને આખી પથારી  લાલ ….જમીન લાલ ને પહેરલા કપડાં લાલ . ..ને આ લાલ લાલ જોયા પછી ફઈબાની ખુશી પણ લાલ લાલ . ને પછીના વર્ષે જ પાછી એ પોતાના ઘરમા રહેવા આવી ગયેલી ……! તો શું મારે પણ પૂર્વીને એના ફઇબાને ઘેર મોકલવી પડશે કે પછી .?? જમાનો બદલાયો છે . ?

 

કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ છોકરીઓને ‘માસિક ધર્મ’ ની શરૂઆત થાય છે . પહેલીવાર કિશોરીઓએ માસિક ધર્મનો સામનો કરવો પડે છે ત્યારે તેમની શારીરિક સ્થિતિની સાથેસાથે માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. શરીરમાં અચાનક થઇ ગયેલા ફેરફારને લઇને તે ચિંતા અનુભવવા લાગે ને બીજી તરફ તેને શરમ પણ આવે છે.

દરેક છોકરીના જીવનમાં આ દિવસ આવે જ છે શરૂઆતમા તે સંકોચ, ચિંતા, શરમની લાગણીથી ઘેરાયેલી રહે છે. મોટાભાગની છોકરીઓને 10થી 13 વર્ષની ઉંમરની અંદર માસિક ધર્મ શરૂ થઇ જાય છે.
મોટાભાગની છોકરીઓને મહિનામાં એકવાર માસિક ધર્મ આવે છે. બે માસિક ધર્મની વચ્ચેનો સમય સરેરાશ 25થી 32 દિવસનો હોય છે. પણ કેટલીક છોકરીઓમાં આ સમયગાળો વધુ તો કેટલીકમાં ઓછો હોઇ શકે છે. માસિક ધર્મ સામાન્ય રીતે ત્રણથી પાંચ દિવસના હોય છે. જો તમે ગર્ભ ધારણ નથી કરતા તો આ ચક્ર તમારા મેનોપોઝ(રજોનિવૃત્તિ) સુધી દર મહિને ચાલતું રહેશે પણ જો અચાનક તેના ચક્રમાં અનિયમિતતા આવે તો તપાસ કરાવવી જરૂરી છે.
 માસિક ધર્મ દરમિયાન દરેક સ્ત્રીના મૂડમાં ફેરફાર થતા રહે છે. ક્યારેક મૂડ સારો તો ક્યારેક ખરાબ રહે છે. આ દરમિયાન બેચેની, આળસ, ભૂખ ઓછી લાગવી, ચીડિયા બની જવું વગેરે સ્વાભાવિક છે. ખાસ કરીને શાળાએ જતી છોકરીઓમાં આવું થાય છે. આવામાં માતાએ તેને માનસિકરૂપે તૈયાર કરવી જરૂરી છે. તેણે પોતાની કિશોરી પુત્રીને સમજાવવી જોઇએ કે સ્ત્રીના શરીરની આ પ્રક્રિયા બહુ સામાન્ય છે.