થોડા વખત પહેલા મેસેંજરમાં એક મેસેજ આવીને પડ્યો હતો. મોબાઈલમાં યુઝ ન કરું એટ્લે જ્યારે લેપટોપ ખોલ્યું ત્યારે ધ્યાન ગયું અને પહેલી વાર એમ થયું કે મેસેંજર ડાઉનલોડ કર્યું હોત તો સારું હતું . મેસેજ હતો કે , મેડમ તમારે પણ બે દીકરીઓ છે . એ આવી ત્યારે તમે શું વિચારતા હતા ? ઘરના તરફથી શું રિસ્પોન્સ હતો ? અને બીજી ઘણી હ્રદયદ્રાવક વાતો ..એક એવી મા નો મેસેજ હતો તે દીકરીને જન્મ આપીને અળખામણી થઈ ગઈ હતી ને બીજી કેટલીયે વાતો …મારો જવાબ તો મને જાણતા બધા જ જાણે છે કે , મે આ કુદરત પાસે જો કોઈ માંગી ને લીધું હોય તો એ છે , મારી દીકરીઓનું અમારી સાથે હોવું .
વાત એમ હતી કે એક બહેન જેને લગ્નજીવનના ઘણા વર્ષો બાદ દીકરીનો જન્મ થયો હતો પણ અહિયાં આટલા વર્ષે આંગણે બાળક આવ્યું એની ખુશી મનાવવાને બદલે આટલા વર્ષ રાહ જોયા પછી દીકરી કેમ આવી ? એનું દુખ હતું . આજના સમયમાં આવી માનસિકતા ? ગજબ કહેવાય . આઘાતજનક લાગે પરંતુ સત્ય હકીકત છે .
પછી તો મેં સીધો ફોન નંબર માગીને ઘણી બધી વાત કરી . એ મા અને એ બાળકીનો પિતા ખૂબ ખુશ છે . પરંતુ એ દીકરીને તેના સાસરામાં સ્વીકારાય નથી ત્યાં સુધી કે તેને કોઈ રમાડતું પણ નથી . મેં કહ્યું થોડી મોટી થશે પછી એ જ વ્હાલી દીકરીને જોઈને તેઓ પીગળી જશે પણ એ લોકોના વિચારે તમે તમારી દીકરીને કાઇજ ઓછું ન આવવા દેશો . પ્રફુલ્લિત રહેશો અને દીકરીને ફિંડિંગ કરાવતી વખતે તો બિલકુલ આવા વિચારો ન કરશો . ને બીજી ઘણી બધી વાતો . ત્યાં એમના સાસુમાં આવી જતાં વાત ટૂંકાવી પડી .
હજુ બે દિવસ પહેલા પાછો ફોન આવ્યો કે , મેડમ જ્યારથી મારી દીકરી આવી છે ત્યારથી અમારા ઘરમાં કૈંક ને કઈક નુકસાની થયા કરે છે . ને પછી એ બે ત્રણ નુકસાનીવાળા બનાવ કહ્યા . દીકરીના જન્માક્ષર જોવડાવ્યા તો એને શનિની પનોતી છે . ( દીકરી હજુ બે મહિનાની છે ) ને એ જ્યોતિષીએ અમને શનિની વિધિ કરવાનું કહ્યું છે . અમારા ઘરમાં બધા પાછળ પડ્યા છે કે આ વિધિ કરવી જોઇયે જ . તો શું તમે માનો છો ? ફરી મારો જવાબ કે હું કર્મમાં માનું છું . જે દીકરી હજુ આ સમાજને ઓળખતા પણ નથી શીખી , હજુ તો દુનિયામાં આવી જ છે એ કોઈને માટે પનોતી લઈને કેવી રીતે આવી શકે ? મે કીધું મને એ જ્યોતિષીના નંબર આપો . સ્વાભાવિક મને એ ન જ આપે .
એની લાંબી કરમ કથની સાંભળ્યા પછી મને લાગ્યું કે , એ બહેને એના સાસરિયાં કહે તેમ વિધિ કરી લેવાની . આમ પણ એની ના હા ની રાહ એ લોકો જોવાના જ નહોતા . જો આવી વિધિથી તેમના સાસરિયાં વાળા તેમની નાનકડી ઢીંગલીને સ્વીકારી શકતા હોય તો એ કરવી લેવામાં જ ડહાપણ છે . કારણ કે ત્યાં સુધી આ દીકરીને કોઈ હાથમાં લેતા નથી . રમાડવાની વાત તો દૂર રહી .
આપણે 21 મી સદી તરફ દોટ મૂકી રહ્યા છીએ પરંતુ સમાજની આવી વિચારસરણી હજુ 18મી સદીમાં છે એવું લાગે છે . વિચારો ગુજરાતના ગામડાઓમાં આવી હાલત છે તો બીજા સ્ટેટના ગામડાઓમાં કેવી હાલત હશે ? જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને દોરાધાગનું પ્રમાણ વધુ ?
આ પ્રશ્ન કેટલાય વર્ષો સુધી ખાલી પ્રશ્ન જ રહેવાનો છે .
આમાં કોને બ્લેમ આપવો ? ઘણી વાર સ્ત્રીની સ્થિતી એટલી નાજુક હોય છે કે , તે ખોટું થાય છે એ જાણતી હોવા છતાં કોઈ જ પગલાં લઈ શકતી નથી .