પોતાની પીડાનાં પોટલાં જાતે જ ઉપાડવા પડે છે.
‘એક વ્યક્તિને ખૂબ જ તરસ લાગી હતી, એટલી તરસ કે જો પાણી ન મળે તો પ્રાણ જતાં રહેશે તેવી અનુભૂતિ થતી હતી. ખૂબ જ આકુળ વ્યાકુળ થઈને ચારે દિશામાં તે ભટકી રહ્યો હતો. ક્યાંય દૂર સુધી પાણીનું નામોનિશાન નહીં. ખૂબ રાડો પાડી પણ કોઈ દેખાયું નહીં. તરસે હવે તો જીવ જવાની અણી ઉપર હતો. તેને લાગ્યું બસ હવે મારા પ્રાણ જશે…અંતે તે બેભાન થઈને જમીન પર ધબ્બ થઈને પડે છે.’તે સફાળો બેઠો થઈ જાય છે. હા, એ એનું ભયાનક સ્વપ્નું હતું.એ સ્વપ્નમાંથી-તેની અસરમાંથી બહાર આવે છે. એ બધી વ્યાકુળતા,પાણી માટેનાં તલસાટમાંથી બહાર આવે છે. તેને અનુભૂતિ થાય છે કે હવે તેને તરસ નથી તો પાણીની જરૂર પણ નથી.
જીવન પ્રત્યેની આપણી દ્રષ્ટિ આવી જ કઇંક છે. કોઈ એક વિચારનાં જન્મથી માંડીને તેને પામવા સુધીનાં આપણાં વલખાઓ,આપણો તલસાટ આપણને તે મેળવવાનાં અંતિમ બિંદુ પર લઈ જાય છે. છતાં એ વિચાર પ્રાપ્ત થતો જ નથી.આપણે બેહોશ થઈ જઇએ ત્યાં સુધી એ વિચારને પામવા દોટ મૂક્યા જ કરીએ છીએ ને પછી જ્યારે એક જ ક્ષણમાં જો ખબર પડે કે આ ફકત સ્વપ્ન જ છે ત્યારે એ વિચાર પાછળ કરેલા પ્રયત્નોથી આપણે જ મનોમન હસી લઈએ છીએ.
જીવનની ક્ષણભંગુરતા આટલી જ છે. આપણી દોટને આપણે જ દોડાવીએ છીએ. એ હાંફી જાય એટલું કામ લઈએ છીએ. એના સારાનરસા પાસાઓનો વિચાર કર્યા વગર બસ આગળને આગળ ધપ્યે જઈએ છીએ. જ્યાં સુધી ઠોકર ન લાગે ત્યાં સુધી બસ એક દિશા પકડીએ છીએ. એ દિશાનાં રસ્તે આવતા કંકર,કાંટા, અવરોધોને ઉપાડીને બાજુમાં મૂકવાને બદલે ઠેકી ઠેકીને પાર કરતાં જઈએ. બસ આપણો રસ્તો કપાવો જોઇએ, એવા સ્વમાત્રનાં જ વિચારે મંજિલ સુધીની દોડને પૂરી કરવા મથીએ. પરંતુ જીવનનાં સાક્ષાત્કારનો અનુભવ એ રસ્તે બનતી એક એક ઘટનામાં સમાયેલો છે. તે અર્થને સમજવામાં નાકામયાબ થઈએ છીએ. એ કંકર પણ તમને કઇંક કહેવા માગે છે, રસ્તાનાં અવરોધો તમને કઇંક સમજાવવા માગે છે. ટાઢ,તડકો,વરસાદ બધાને પોતીકું રૂપ છે, લક્ષણો છે. એને અનુભવ્યા વગરની દોટ એ સ્વપ્નમાં ઉદ્દભવેલી તરસ જેવુ કામ કરે છે. જે તરસનું કોઈ નામોનિશાન જ નથી. માત્ર કાલ્પનિક વાત છે,એવી જ કલ્પનાભરેલી સૃષ્ટિ સીધી દોટ મૂકવામાં અનુભવાય છે. મજાની વાત એ છે કે માણસ જાતને આવી બધી જ સૃષ્ટિઓની ત્રુટિ, તૃષાની ખબર હોય છે. છતાં આંખ આડા કાન કરીને આગળ નીકળે છે. ને રસ્તાના છેડા પર પહોંચ્યા પછી યાદ આવે છે કે ઘણું ઘણું છૂટી ગયું છે. જે સાથે લાવવાની જરૂર હતી. હવે નથી એના વગર આગળ જવાતું કે નથી એ લેવા માટે પાછા ફરાતું. બસ હવે એ જ જગ્યાએ જીવવાનું છે. એ જ દશામાં જીવવાનું છે. આવા બનાવો રોકવા માટે આપણે જ આપણી જાતને તૈયાર કરવી પડે છે. ઠોકર લાગે ત્યારે એ ઠોકરના દર્દને મહેસુસ કરવું પડે, આનંદના સહભાગી શોધવા પડે, બીજાના દુખનો વિચાર કરવો પડે, કોઈના દિલમાં દીવો કર્યો હોય, તો આપણાં જીવનમાં અજવાસ પથરાવાની શક્યતા વધી જાય. કોઈના બે આંસુ લૂછયા હોય તો આપણાં આંસુ કુદરત જલ્દી સૂકવી દે. આપણે કોઇની તરસ છિપાવી હશે તો આપણી તરસને ઓળખતા વાર નહીં લાગે.
આજનો માણસ જેટલું જલ્દી મેળવે છે એટલું જ જલ્દી ગુમાવી બેસે છે. પછી એ પ્રેમ હોય કે પૈસો. આનંદ હોય કે શોહરત. સાચવણમાં ફેર પડી ગયો છે કે માણસની સમજમાં એ જાતે નક્કી કરવાનું છે. પરંતુ એક વાત નક્કી જાતે ઊભી કરેલી પીડાનાં પોટલાં જાતે જ ઉપાડવા પડે છે. એટલે જ કર્મની કેડી કંડારતી વખતે ધ્યાન રાખવું જરૂરી કે આજ ‘કેડી’ પાછળથી આપણને ‘કેદી’ ન બનાવી દે. સારા બનવું એ સૌ કોઈનો ઇજારો છે. પણ એના ઓજારો કોઈ કોઈને જ મળે છે અને ફળે છે.
લાઈફ લાઇન : -સ્પીડ હમેંશા આપણાં કંટ્રોલમાં રાખવી પછી એ ગાડીની હોય કે ખુદના જીવનની.