“ટચ”


પણ બેટા એ તો કહે કે , તારે અંગ્રેજી શીખવા કેમ જવું  ?

મા ! તું ગમે તે કહે , હું ત્યાં નથી જ જવાની ..!

 કઈક તો કારણો તો  હશે ને ?

જવાબમાં આખો દરિયો એક કોગળામાં બહાર .

કારણ એક જ .

એ મને અડે છે , જ્યાંથી ભવિષ્યમાં કોઈ જન્મ લેશે !

એ મને અડે છે એ જગ્યાએ જ્યાંથી કોઈનું પેટ ભરાશે ..!

મારી અંદરની ‘સ્ત્રી’ ને ટુકડે ટુકડે જગાવી રહ્યા છે ને હું આ ‘સ્ત્રી’ ને કંટ્રોલમાં…!

પણ મા ! ક્યારેક જો મારા કપડાંનું આવરણ હટશે તો ?

 

બોલ જાઉં ત્યાં ?

અરે ?  તે આ વાત પહેલાં કેમ ન કરી ?

મન તો થાય છે કે, 

એ નાલાયક મનીષને ને હું મારી મારીને અધમૂવો  કરી નાખું . 52 વર્ષનો થયો છે તો પણ ..!

 

મા ! એનું નામ મનીષ નહીં સતિશ છે . ને એ ચોત્રીસ વર્ષનાં છે .

હે ???

હા એ જ .

HEMAL  MAULESH  DAVE

“તપાસ”


‘તું હવે મારાથી દૂર હટીશ ?’ થોડું કામ કરી લેવા દે , હમણાં તારા ડેડી આવશે તો પછી તને ખબર છે ને શું હાલત થશે ?

વાહ મમ્મા , ડેડીના નામની ધમકી તું મને તો ન જ આપ .હા ! તારે લેવી હો તો લે બાકી તું પણ ખોટી ડરે છે . તને ક્યાં કોઈ દિવસ ડેડીએ કઇં જ કહયુ છે ?

ઊંડા નિશ્વાસ સાથે સ્વગત બબડી , ‘ એ જ વાંધો છે ને !’

શું ?

કઈં નહીં .

ભૂતકાળના પટારાને એક ધક્કા સાથે ખોલીને મોનું બહાર રમવા દોડી ગયો પણ હું દોડીને ક્યાં જઈશ ?

ને જાઉં પણ શું કામ પડે ?

સામનો કરીશ ને !

“ઝૂંપડાં જેવા ઘરમાંથી મહેલ સુધીની સફર આસાન થોડી હોય ? ”

કેટકેટલા પડાવ પાર કરવા પડે અને કેટલી મથામણ , અવહેલના , રસ્તાના કાંટા ,કંકર સહન કર્યા પછી આ મુકામે પહોંચી તો ગઈ પરંતુ અહિયાં આવીને જ ખબર પડી કે રસ્તામાં જેટલા પડાવ સહન કર્યા એનાથી પણ વધારે કાંટા કે પથ્થર અહિયાં રોજ મળે છે . એ કાંટા કે પથ્થર તો ઉપાડીને કે ઠેકીને દૂર પણ કરી શકાતા જ્યારે અહીંયા તો રોજ એના પર જ પગ મૂકીને ચાલતું રહેવું પડે છે .

મા હમેંશા પપ્પાને કહેતી કે, “આ લોકો એ મયુરીને જ પસંદ કેમ કરી ? કૈંક તો તપાસ કરાવો”

પણ ના ! પૈસાનું જોર પપ્પાના બધા જ સંદેહોને તાણી ગયું ને મને એ વહેણમાં પૂછ્યા વગર જ ધકેલી દીધી …તે આજ સુધી એ વહેણમાં આમ તેમ ફંગોળાયા કરું છું . ક્યારેક આ કિનારે કે તો ક્યારેક સામેના કિનારે . હા ! ઉનાળામાં આ વહેણ સુકાઈ જાય છે ને પરદેશના પ્રવાસે ઉપડી જાય છે . એ ત્રણ મહિનામાં મારે બારે માસનું જીવવાનું હોય છે .

એ બારે માસનું જીવવા માટે પાછું મારે, મારા શહેરની બહાર જવાનું હોય છે . જ્યાં કોઈ એવું છે જે મારી અનંતકાળથી રાહ જોઈ રહ્યું છે .