“તલ”


મૃત્યુ એક સનાતન સત્ય .રોજે રોજ આપણી સાથે જીવતું સત્ય ને તે છતાં એને જાકારો આપી ન શકાય , એને મન પડે ત્યારે ગમે તે રૂપ ધારણ કરીને આવે ને મન ફાવે ત્યારે લઈ જાય . ન કોઈ આગાહી કરે ન કોઇની પણ તાબેદારી કરે બસ આવે અને જાય .

ને આ આવજાવ વચ્ચે જીવન ચાલતું રહે , ક્યારેક ઊછળતું રહે ક્યારેક કૂદતું રહે ને ક્યારેક હાંફીને ઊભું રહી જાય પણ થંભે નહીં બસ દોડતું જ રહે અને એની દોડ મૃત્યુ સુધીની છે એ જાણવા છતાં પણ એની ચાહ એને જીવન તરફ જ  લઈ જાય .

કોણ જાણે ક્યારે ટપકી પડશે અને ક્યારે આપણને હતા ન હોતા કરી નાખશે ..?? આવા જ કૈંક વિચારો સાથે શાલવી બાલ્કનીમાં રહેલા વાંસના હીંચકામાં બેસીને વિચારો કરી રહી હતી …આજે મૃત્યુની વાત કેમ યાદ આવે છે ? શું આજે કોઈ એવું પુસ્તકતો નથી વાંચી નાખ્યું ને ? આ ચાલીસી વટાવવાનું આ દુખ ! લાંબો ભૂતકાળ ભૂલાતો નથી અને કાલે જીવેલા ભૂતકાળ જાણે જીવ્યો જ નથી એમ યાદ નથી રહેતો !! મગજને કસવામાં તો માથું દુખી જાય છે ને ક્યારેક પાછું ફટાક દઈને મગજનું ફાટક ખૂલે છે અને તે યાદ રુમઝુમ કરતી બહાર આવે છે . પહેલા તો આ સ્થિતિ કોઠે નહોતી પડતી કારણ કે એની યાદશક્તિ પર તો એ મુસ્તાક હતી ..કોઈ ભૂલી ગયા આવું કહે તો એને નવાઈ લાગતી કે ‘ આમ ભુલાય કેમ જાય ? ‘ જાણે એના જ શબ્દોને સાચા પાડવા કુદરત અત્યારે પ્રયાસ કરી રહી હતી …હા પુસ્તકનું ટાઇટલ ભૂલાયું હતું ..ને સાથે રહેલી વિગતો પણ . હશે ત્યારે જે હોય તે , વિચારો પર ક્યાં આપણો ઇજારો ચાલે છે એ તો મન પડે ત્યારે આવે ને જાય ..!

બાલ્કની હવે અંધારી થઈ .સાંજનો ઉજાસ પથરાયો થોડો રતુંબડો સુરજ બિલ્ડીંગની પાછળ છુપાયો ને હવે જ શરૂ થઈ પ્રતિક્ષાની ઘડીઓ. છેલ્લા પાંચ વર્ષથી અનુભવાતો એક જ સમય જેમાં ક્યારેય કોઈ ફેરફાર નથી થયા . હા રવિવારની વાત જુદી છે ત્યારે ઝૂલતા ઝુલાએ સંભાળીને ઝૂલવું પડે છે . સામે જ એક આરામખુરશી ગોઠવાઈ હોય છે ને પછી આરામખુરશી અને ઝુલા વચ્ચે સંવાદો થયા કરે છે . ત્યારે આખી સાંજ બાલ્કનીમાં ઠલવાય છે અને રાતો સુરજ ડૂબતાં ડૂબતાં શાલવીના ગાલને ક્યારેક રાતા કરી શકે છે .

   વળી પાછો સુરજ સવારે આછા કિરણો સાથે શાલવીના બેડરૂમમાં મુકાયેલા બેડ સુધી પહોંચે છે ને શાલવીને જગાડે છે , જાગીને સીધી શાલવીની નજર  બાજુમાં સૂતેલા અધખુલ્લા  શરીર પર પડે છે ને એ ખુલ્લી પીઠ પર ઝગારા મારતા તલને જોઈને હાશકારો અનુભવે છે . એ ઝગારાને ચૂમી લેવા મન કરે છે પરંતુ થોડો સળવળાટ થશે તો એ ઝગારો જલ્દીથી ગાયબ થઈ જશે ને પાછી એને કરવી પડશે  અઠવાડીયાની પ્રતિક્ષા…! એ વિચારે બસ અનિમેષ એ જોયા જ કરે છે …ગૌર વર્ણની ઉપર શોભતો કાળો તલ જ યુવાન રહ્યો છે હજુ બાકી તો ……!!!

આ ચાલીસીની પકડ પણ હવે ઢીલી પડી છે ..હા ..! 20 વર્ષે થયેલા ઉભરા હવે ધીમે ધીમે ઓછા થતાં જાય છે પણ એની યાદ તો રોજ હુમલા કરે છે ને છલોછલ છલકાવીને જાય છે ક્યારેક આંસુઓ ને ક્યારેક મન.

  એ દિવસે કોલેજનું પગથિયું ચુકાયું ને સાથે જીવનનું પણ . ત્યારે  એ  કેવી મજબૂત બાજુઓમાં ઝીલાઈ હતી ને પછી એ બાહોંનું વ્યસન થઈ ગયું . ..વીસ વર્ષ અને પાંત્રીસ  વર્ષના ભેદ ભુલાયા હતા. ક્યારેક લાયબ્રેરી તો ક્યારેક પાર્કિંગમાં નજરની સાથે સ્મિતની આપ લે થતી હતી ને ક્યારે એ સ્મિત ખડખડાટ હાસ્યમાં પલટાયું એની ખબર ન રહી હતી .

એ દિવસ એને હજુ પણ યાદ છે . કોલેજની પીકનિક આબુમાં હતી ને કેટલી વાર એ આબુ જઇ આવી હતી એટ્લે એ અવઢવમાં હતી કે જાઉં કે ન જાઉં …..એ અવઢવ એક જ ધડાકે ખતમ થઈ ગઈ હતી જ્યારે તેને ખબર પડી કે …..!

બસ ઉપડી ત્યારે એ છેલ્લેથી બીજી સીટમાં બેઠેલી ને એની આગળ જ એ …ખુલ્લી બારીમાંથી આવતી હવા એના ચહેરા ને વાંકડિયા વાળને સ્પર્શીને મારા સુધી પહોંચતી હતી ને એ સુગંધનું જોર આબુમાં જુદી હોટેલમાં ઉતાર્યા તો પણ રહ્યું હતું. નખી લેકમાં કરેલા બોટિંગમાં રૂપાનો સાથ એને જરા પણ ગમ્યો ન હતો ..અને સનસેટ વખતે એ અણગમો ક્યારે ગમામાં પલટયો એ ખબર ત્યારે જ પડી જ્યારે એ ડૂબતાં સુરજની સાખે એ સુગંધને ભારોભાર ભરી હતી ને કદાચ એટ્લે જ તેને આજે પણ ડૂબતાં સુરજનું મહત્વ એટલું જ છે.

 એ દિવસની સાંજ અને એ પછીની સાંજ …આ બન્ને દિવસની સાંજમાં તેની આખી જિંદગી પલટાઈ જશે એની તો એને જરા પણ અંદેશો ન હતો .. એ સનસેટ જોઈને ઢોળાવ વાળા રસ્તે ઉતરતા આછા અંધારામાં પડી ન જવાય એના આગોતરા આયોજને એનો જમણો હાથ તેના ડાબા હાથમાં મુકાયો ને હોટેલ આવતા આવતા એ પકડ એટલી મજબૂત થઈ ગઈ કે લાગ્યું કે , “ આ હુંફ વગર નહીં જ જીવી શકાય ‘ .! નિર્ણય ભારે હતો એ તો ઠીક ભારે કરતાં પણ ભારેખમ હતો . એણે અનુભવેલી ડાબા હાથની હુંફ એના  જમણા હાથમાં ક્યારેય અનુભવી શકવાની નહોતી . એ જમણો હાથ આઠ વર્ષ પહેલા જ કોઈના હાથમાં અપાઈ ગયો હતો . છતાં પણ એ મુસ્તાક બની ..હોટેલ સુધી પકડાયેલા એ હાથે એને બીજા મહિને હોટેલના કમરા સુધી પહોંચાડી દીધી ને એ રાત્રિએ એક બીનઅનુભવી કન્યાને એક અનુભવી પુરુષે સ્ત્રી બનાવી હતી.

સમાજના અને ઘરના વિરોધની વચ્ચે એ એકદંડિયા મહેલની એકલી રાણી બનવા તૈયાર થઈ હતી  ને એ જ ડાબો હાથ અને અઠવાડીયાના બે દિવસોના સહારે ચાલીસીએ પહોંચી ગઈ હતી .    

હા ..ખુશ હતી એ . દુખી થવાના કોઈ કારણો ઉપલા સ્તરે કોઈ જ જણાતા નહોતા. થોડો સમય ઝંઝાવાત આવ્યો હતો .એ જ્યારે સેમિનારમાં ભાગ લેવા  ત્રણ મહિના માટે જાપાન જવાનો હતો ..એ રાત્રે જુદાઈની ક્ષણો પહેલાનો પ્રેમ આહલાદક રહ્યો હતો , એમ માનોને કે જવાબદારી વગરનો પ્રેમ રહ્યો હતો ને એ જવાબદારીનું ભાન તેને બીજા મહિને જ થઈ ગયું જ્યારે નિયમિત રહેતા માસિકની તારીખ ચુકાઈ ગઈ . થોડો અંદેશો આવ્યો ને સાથે યાદ આવી  તેની સહેલી રૂપા  જે હવે પ્રસિધ્ધ ગાયનેક હતી ..હ્રદયનો ધબકારો ચૂકી જવાય એવા સમાચાર તેણે આપ્યા હતા . “ you are pregnant “ .

ને પછી પ્રતિક્ષાનો દોર શરૂ થયો હતો ક્યારે ‘એ ‘ આવે અને ક્યારે એને શુભ સમાચાર આપું …..એ  સુખદ ઘડી બહુ જલ્દી આવી ને  દુ:ખદ યાદો સાથે હજુ સુધી અટવાઈને પડી છે . એ મા તો ન બની શકી પણ રૂપાની સાથે મળીને એ ક્યારેય મા ન બની શકે એનું પ્લાનિંગ પણ એમણે કરી દીધું હતું . એ ટીસ હવે ચૂભતી જ રહેવાની છે ક્યારેય એ ચૂભનને મિટાવવાની કોશિષ પણ નથી કરી ..છો ને રહી.. .!!

એ જ તો યાદ દેવડાવે છે કે , વીસ વર્ષની જિંદગી ત્રેવીસ કે ચોવીસ વર્ષ વાળા હાથમાં જ શોભે અથવા બહુમાં બહુ પચીસ કે છવીસ .પણ પાંત્રીસ વર્ષ ? ના ક્યારેય નહીં .

પણ જ્યારે જ્યારે એ ખુલ્લી પીઠમાં ઝગારા મારતા તલને જોવે છે ત્યારે ત્યારે એ ઉંમરના બધા જ પડાવને ભૂલી જઈને પાછી મોહમાં ભરાય છે ને પછી હતી એમ ની એમ .

  વિચારોમાંથી પીછેહઠ કરીને પછી એની નજર એ પીઠ પર જાય છે ..આજે આ પીઠ કયારની પડખું કેમ નથી ફરતી ?  આજે તો વિચારમાં ને વિચારમાં આ સુરજના આછા કિરણો તપવા માંડ્યા તો યે એ પીઠ એમની એમ જ કેમ ?

   ને પછી તેને યાદ આવ્યું કે રાત મોડી પડી હતી એની ચાલીસી અને એનો સાઇઠમો દાયકો હરીફાઈએ ચડ્યા હતા ને પછી હરીફાઈમાં માંડ માંડ મેળવેલી જીતે તેમની રાતને મોળીમાંથી મોડી બનાવી દીધી હતી . એમની હાંફ ક્યાંય સુધી શમી ન હતી પણ એ તો શનિવારે મળેલા ભરપૂર પ્રેમના લીધે સંતોષના ઓડકાર સાથે સૂતી હતી …પણ એ … હજુ સળવળાટ કેમ નથી કે નથી નસકોરાંના અવાજ ..???

    ને એ સફાળી જાગી બ્લેન્કેટને ફગાવી ઊભી થઈને પલંગના બીજા છેડે આવીને ઊભી …….

 બ્લેકેન્ટ વગરની એ ખુલ્લી પીઠ ને આવરણરહિત શરીરને  હવે જરૂર હતી  સફેદ ચાદરની. 

‘lakhu’-‘લાખું’


આજે ફરી એ આવી લંગડાતા પગે ..માંડ માંડ ચાલી શકતી હતી ને છતાં કામ પર આવવું  એટલું જ જરૂરી ..નામ ભલે જીવી હતું પણ આ જીવીનાં જીવડાને  જીવવામાં કેટલી તકલીફ પડતી હતી એ  આડોશપાડોશમાં કોઈનાંથી અજાણ નહોતું હા ..નહોતી જાણતી તેની શેઠાણી ..!!  

                                    બસ હુકમ  આપવા સિવાયની એક પણ વાત આ  નવી શેઠાણીના પલ્લે પડતી જ નહોતી.  અલી એ  ય ક્યાં મરી ગઈ ..? જો બે ત્રણ દિવસ આ બધુ શીખી લે પછી બાબાસાહેબનું બધુ જ કામ તારે જ કરવાનું છે અને હા એમાં કોઈ જ જાતની ફરિયાદ હું નહીં ચલાવી લઉં .. અને હા હાથ ધોયા વગર મારા દીકરાને ક્યારેય અડતી નહીં હો ..!!! જા હવે આ બાબાસાહેબનું દૂધ લાવ જલ્દી ..!!!  નહાવાનું પાણી તૈયાર કર ….જો બાબાની પથારી ભીની થઈ લાગે છે જલ્દી બદલી નાખ અને પાછું બધુ ધોઈને તડકે સુકવજે ….! ઉભા થતા  કમરમાં  સટાકો તો  બોલ્યો ને માથામાં  સણકો પણ  બોલ્યો ..!! આ તે કેવી માયાજાળ મારા રામ ?? મનમાં ને મનમાં જ માંડી ફરિયાદ ..મોઢે તો ક્યાં બોલવાપણું હતું .?? શું આમ જ જીંદગી જશે ?? આગળ કઇં જ   નહિ …?? ઘરકામ કરવાની વાતે અહીં કામ કરવા રહી હતી પણ લાગે છે કે હવે તો  આ બાબાસાહેબની સેવા કરવામાં જ જન્મારો જશે ..!!!   બાબાસાહેબની સંભાળ માટે રખાયેલી કામવાળી તો શેઠાણીનાં ત્રાસે ભાગી ગઈ પણ એ ક્યાંય ભાગી શકે તેમ છે જ નહીં એને તો આખો દિવસ બસ આ શેઠાણીનો રૂવાબ જ સાંભળવાનો જ રહ્યો

                                     બસ આ ફરિયાદને દાદ મળવાની જ નથી તે યાદ આવતા જ  આ મનમાં માંડેલી ફરિયાદ પણ બંધ થઇ . મગજના દરવાજાને ફટાફટ તાળું મારી , દુખતા પગની પીડા , કમરની પીડાને રામ રામ કરીને શેઠાણીનાં આડાઊભા ફેલાયેલા શરીરની જેમ જ ફેલાયેલા એના  રાજનાં કામકાજમાં  મદદ કરવા લાગી ગઈ. એમ ને એમ જ રોજની જેમ જ  સાંજ પડી ગઈ.

     આથમતા સુરજનાં  સથવારે ઘર ભણી ચાલવાનું શરુ કર્યું રોજનાં રસ્તાએ ઓળખાણ રાખી છે ને એના પગ સાથે દોસ્તી પણ ,એટલે પગને પગનું કામ કરવા દઈને એ ઉપડી એની રોજની સફરમાં ….. એને યાદ આવી તેને ગામડે ઉગતા સુરજની !!!   એ સ્મરણના જોરે  રોજની માફક રસ્તો જલ્દી કપાવવા લાગ્યો ભૂતકાળમાં ઉગેલા  સુરજના  લીધેલા ઓવારણા યાદ આવ્યા ને  સાથે યાદ આવી વહેતી નદી ..તૂટેલો ઘાટ કપડા સાથે ઘસાઈને લીસા થયેલા છીપરા ….ધોકાનો ધબ ધબ અવાજ ..વીરડા ઉલેચતી પનીહારીઓ ને છબછબીયા બોલાવતા નાનકાઓ નદીનાં કિનારે આથમતી સાંજ ..મંદિરની ઝાલર પછી ફરી વળતાં અંધારાની સાથે જ  તેની સાથમાં રહેતું અજવાળું ….એ અજવાસનાં જોરે કપાતા સાવકી મા નાં ત્રાસ ને જીવવાનું મળતું બહાનું ….!

                                     ઓહો શું દિવસો હતા !!!  એ દિવસોની યાદ જાણે આખા શરીરમાં ફરી વળી .. ને ચાલ ઉતાવળી થઇ ગઈ , ઘર ઝડપથી આવી ગયું.  ઘર  તો એ જેમ  મૂકીને ગઈ હતી એવું ને એવું જ ઊભું રાહ જોઈ રહ્યું હતું . શંકર હજુ આવ્યો નથી લાગતો ??? સ્વગત બબડી પણ અંદરખાને  એક જાણીતો ભય ઘેરી વળ્યો ..પણ શું થાય હવે આ ફરિયાદ તો ઈશ્વર સાંભળવાનું જ ભૂલી ગયો છે ને એ થાકીને હવે ઈશ્વરને કહેવાનું પણ ભૂલી ગઈ છે  ….આગળ પાછળ પણ કોઈ ક્યાં આપ્યું છે !!!! 

                              દર વર્ષે આજુ બાજુની પાકી ઝુંપડીઓમાંથી આવતો ઉંવા ઉંવાનો અવાજ હવે એને કોઠે પડી ગયો છે. હવે ઉદરમાં કઈ ફરફરતું નથી એ વિચારે લાય નથી લાગતી , દર મહિને ધોવાતા લોહીને જોઈને એને અરેરાટી નથી થતી ….ઊલ્ટાની ટાઢક વળે છે કે, શંકરના ઘરમાં એક જ જીવને દુઃખી થવાનો અધિકાર છે અને તેનું નામ જીવી છે. કોણ જાણે શું જોઈને નામ રાખ્યું હશે મારા બાપાએ ..!!! જીવી જેના ખુદનાં જીવવાનાં ઢંગધડા નથી . વળી શંકર યાદ આવ્યો ..કોણ જાણે ક્યાં ગયો હશે આજે ..??? કોણ  એને ઘર સુધી પહોંચાડશે આજે ..?? સાવ ભાનમાં  જ ન હોય તો સારું ..અડધોપડધો ભાનમાં  હશે તો વળી કાલની જેમ મૂવો પેલા ધરાઇને રોટલા ખાશે પછી પાછો પૈસા માગશે ને નહીં આપું તો  મારશે ….મારી મારીને થાકશે ત્યારે  પગની પાનીથી લઇને સુકા હોઠ અને સુજી ગયેલી આંખ સુધી  ગંધાતા વાસ મારતા મોઢેથી  ચાટશે . તે હે ભગવાન !! એને  મારા ખારા આંસુ  કેમ ભાવતા હશે  ?? અને હું યે મૂઈ પાછી , એને જે ભાવે એ ખાવા દઉં છું ને પાછી પીવા પણ દઉં છું .

                                                 હા બે દિવસ પહેલા વિચારતી હતી ને કે રાતે જો તેને રોટલો અને મારો ખાટલો ન આપું તો થઇ થઇને શું થશે ?? એ વિચાર મારો રોયો પામી ગયો લાગે છે . કાલે રાતે તો સોથ બોલાવી દીધી  હતી પંડની એ ભોગવેલી પીડાના સણકાએ  પાછા એના રૂંવાડા ઊભા કરી દીધા …..વિચારતો મારા મનમાં ભૂલે ચુકે પણ ન આવવો જોઈએ હો ….બબડીને પાછુ મનના બારણાંને ખાલીઆગળીયો મારી દીધો ..ખાલી એટલા માટે કે વળી મધરાતે એ ખોલવો પડશે ને !!!! નહીં  તો રાત કેમ જશે ..?? ત્યાં જ  ચૂલાનાં ધુમાડાની અસર આંખ પર થઈ ને પાછી વિચારોના વમળમાંથી બહાર આવી .

                                  અરે રે !! આ ચુલાને શું થયું છે કાં સળગે નહિ ? કેરોસીનમાં બોળેલો ગાભો નાખ્યો ને એકાદ લાકડું ઠૂસ્યું ત્યારે માંડ માંડ ચૂલો સળગ્યો , હવે સાથે મારી અંદરની બુજાયેલી આગ પણ સાથે સળગશે.  ઝટ ઝટ બાજરીનો લોટ કાઢ્યો ને  ફરી પાછું યાદ આવ્યું ………રોજની જેમ રોટલાના ટપાકા પાછી મને એ લીલોતરા ખેતરમાં મોકલશે ..પાછું  એ ખેતરમાં  પાણી વાળતા વાળતા  મનુડાએ વાળેલું મારું રૂદિયું યાદ આવશે ત્રાસી આંખ કરીને ભેગી થયેલી નજર ક્યારે આંખોમાં આંખો નાખીને સીધું જ જોતી થઈ ગઈ એનું ભાન તો ક્યાં રહ્યું હતું ? વડલાની છાયામાં પકડેલો હાથ પછી ગાલે પહોંચ્યો ને પાછી ગળે ,ખેતરની કોરી માટીને  બે શરીરોનાં પરસેવાથી ભીંજવેલ ..એ સુગંધીદાર ગંધ યાદ આવશે ..આખા શરીરમાં ફરી વળેલી એ સુગંધને નવ મહિના સુધી સાચવીને મા કોણ જાણે મામાને ગામથી ક્યાં મૂકી આવી હશે ..??? બસ એક અણસાર યાદ રહ્યો છે ડાબી કમર પર રહેલું લાખું બસ એ જ ….!

                           ફરી ભૂતકાળની ભૂતાવળ નાચવા લાગી એક વાર પરસેવાથી ભીંજાયેલી માટી વારેઘડીએ ભીંજાવાનું વેન કરવા લાગી એ ભીંજાયેલી માટીમાં કોટા ફૂટયા અને એ મનુડાએ ધારિયું લઈને ત્યાં જ વાઢી નાખવાનું નક્કી કર્યું પણ એ આડી ઉતરી એ કૂંપળને વઢાવા ન દીધી .મનુડો તો ધારિયું અને કૂંપળને ત્યાં જ મૂકીને ભાગ્યો ક્યાં ગયો એ કોઈને ખબર ન રહી ….!

                           અરે રે ! જો આજે  ફરી એક વાર મનના દરવાજા એવા ખુલ્યા કે બંધ થવાનું નામ નથી લેતા                   આજે શંકર આવ્યો ને પડ્યા ભેગો પડ્યો જ રહ્યો ને જો   રાત મનુડા ની સાથે ગુજારવી પડશે તો …??  એના ઘા  તો પાછા શંકરીઆથી પણ આકરા ….. ક્યાં સુધી આ તાપને જીરવ્યા કરવાનો છે ? ક્યાં સુધી તનની તોડને મનની જોડ સાથેની  ઝીંક જીલવાની છે ….!!!  કોઈ રાતે  હાડચામનાં દેહને શંકરને સોંપવો તો કોઈ રાતે આ મનનાં દેહ ઉપર મનુડાંનો કબ્જો હોય છે …!!! આવા વિચારો સાથે આમ જ સવાર પડી .

         એ રાતે શંકર અડધોભાનમાં હતો ને સવારે એને ઉઠાડીને એની  સરભરા કરીને માંડ માંડ પહોંચી શેઠાણીને ઘેર .. દર બે ત્રણ મહિને છૂટતા કામને એ પોતાની નીતિથી બાંધી રાખવા શક્તિમાન ન હતી કારણ કે …..એ શંકરની પાર્વતીનહીં જીવી હતી જીવી …..અપમાન સહન કરીને પણ ભીખની જેમ કામ માંગવુ પડતું ને ભાઈસાબ બાપા કરવા પડતાં તો  ક્યાંક પગારમાં બાંધછોડ કરવી પડતી  ને ક્યારેક કેટલીયે લોલુપ નજરોનો સામનો કરવો પડતો શંકરે મારેલા મારનાં નિશાન છુપાવવા એને સાડીનો આખો પાલવ વીંટી રાખવાની ટેવ પડી ગઈ હતી ને આ  પાલવ વીંટવાની ટેવે ,  તેને કેટલીયે વખત  બચાવી હતી .

                             બસ આ એક જ બાબતે જીવી , શંકરનો આભાર માનતી હતી ………સઘળા વિચારોનો ઘા કરીને  ભાંગેલા પગે ઘરના દરવાજે જ્યાં પહોંચે છે ત્યાં જ સામે બે વર્ષના બાબાસાહેબ દેખાય છે . જેની સરભરા હવેથી એના ભાગે આવવાની છે . .. ..શેઠાણી બેઠા બેઠા  એના  ઉઘાડા ડીલને  માલીશ કરે છે જીવી જઈને તેની સેવામાં  ઊભી રહી જાય છે  …..શેઠાણી , જ્યાં બાબાસાહેબને ઉંધા ફેરવે છે ને ત્યાં જ  ડાબી કમર પર રહેલું એ લાખું દેખાય છે ને બસ , હવે જીવીમાં  જોમભેર જીવવાની તાકાત આવી જાય છે.

 

“ I can’t wait any more “


 

       ને આજે પણ એ વાવાઝોડાની જેમ દોડતી મારી પાસે આવી હતી ને પૂછતી હતી ..” જુઓ ને જરા હું આમાં જાડી તો  નથી લાગતી ને ? મને આ વનપીસ બરાબર તો લાગે છે ને કે નહીં ?  હું બહુ નીચી તો નથી લાગતી ને ? બ્લેક કલર હું પહેરી શકું ને ? આ કલર મારા સ્કીન કલર સાથે ભળી નહીં જાય ને ? પ્લીઝ ..જલ્દી બોલો ને …!!! 

“ I can’t wait  any more please “ !!!

             ને એના આ એક  વાક્યે મને ઝંઝોડીને રાખી દીધી ..શું હતું એ એક આવા સાદા વાક્યમાં કે જે વાક્યથી મારા જીવનના અર્થ બદલાઇ ગયા .. ? મારૂ જીવન બદલાઈ ગયું ..? મારા જીવનની દિશા ફંટાઈ ગઈ ને હું હતી નહોતી થઈ ગઈ .? મારા જીવવાના માયના બદલાઈ ગયા ??

              ને આ એક વાક્ય સાથે મારૂ ફ્લેશ બેક શરૂ થાય છે , મનના પટારાનાં એક ખૂણામાં સાચવીને રાખેલા ભૂતકાળના સંભારણા આળસ મરડીને બેઠા થાય છે ને એ સંભારણાની આગેવાની કરે છે કોલેજના દિવસો.

               કોલેજની કેન્ટીનનાં જુદા જુદા  ટેબલ પર બેસીને પહેલી વાર જોયા પછી ક્યારે એ સામસામે બેસતા થઈ ગયા તે ક્યાં ખબર રહી ..! હા ..એના ભાગે ભલે પહેલાં એ દોસ્તી જ રહી પણ મારા ભાગે તો એ હતો “my first love.”  એનું પહોળું કપાળ , વાંકડિયા વાળ અને મજબૂત બાંધો , થોડો ઘઉંવર્ણો રંગ ..તેની કપડાં પહેરવાની સ્ટાઈલ ..મળતાવડો સ્વભાવ , બોલવાની આવડત અને ઊંચું કદ ..તેને ભીડમાંથી તારવી દેવા પૂરતા હતા. ને મારા ભાગે હતા મારા લાંબા વાળ. મારો લહેરાતો ચોટલો  કોઈને પાછળ ફરીને જોવા મજબૂર કરતાં હતા ..એ સિવાય શું હતું ? કોઈ ઓળખ ? ન  કોઈ નામ જાણતું હતું ના એવું કોઈ કામ કોલેજમાં હતું . બસ લાંબા વાળવાળી છોકરી …આટલી જ ઓળખ મને કોઈના દિલમાં ઘર કેમ બનાવવા દે ?  ન જ દે ને…??  છતાં ય હું આશુતોષની તોષા બની ગઈ હતી .. કોણ જાણે કેમ કોલેજની બધી જ છોકરીઓને પાછળ છોડીને હું તેની નજીક આવી ગઈ એના પહોળા કપાળની સાથે તેનું હ્રદય પણ પહોળું હતું ને એ હ્રદયમાં મારૂ પણ નામ હતું ..એ જ મારે માટે બસ હતું. મારી હયાતીના પુરાવા માટે એ જ પૂરતું હતું . આગળ પાછળ જોયા વગર જ ..બીજું કઇં જ વિચાર્યા વગર હું એની બની હતી.

                 ને  એટલે જ આંખના પલકારામાં કોલેજ પૂરી થઈ ગઈ હતી..એ પલકારામાં કોલેજની કેન્ટીન હતી .. ને હતો કોલેજની પાછળના ભાગે આવેલો બગીચો કે જે લવગાર્ડન તરીકે જ ઓળખાતો.. ..વરસાદી મોસમમાં મારા લાંબા વાળને ખુલ્લા કરીને  સાથે પલળવાની આશુની ખ્વાઈશ હતી તો બાઇક પર એકબીજાને હુંફને જીવંત કરતી  લોંગ ડ્રાઈવ હતી ..ક્યારેક મારા સાદા પંજાબી ડ્રેસ કે ચૂડીદારનો પહેરવેશ બદલીને વેસ્ટર્ન કપડાં ટ્રાય કરવાની  શીખ હતી … ક્યારેક કોલેજમાંથી બંક મારીને સિનેમા હૉલ પર  ફ્લોપ  ફિલ્મો જ જોવા જવાની આશુતોષની જીદ હતી ..પરંતુ હા …હાઇવેની હોટલ વાળા  આશુતોષનાં વિચારને મેં ક્યારેય મચક ન આપીને તેની નારાજગી વ્હોરી લીધી હતી આ એક જીદને મેં ક્યારેય  પૂરી કરી જ ન  હતી . આ સમયે તે ગુસ્સે ભરાતો પણ  મને એને મનાવતા આવડતું હોવાનું મને અભિમાન  હતું .  

                             પણ  હવે એ  જ ત્રણ વર્ષ લાંબા પલકારાનો સમય ખેંચાતો  જતો હતો. ન  ક્યાંય મળવાનું ..ન લાંબી વાત… ન કોઈ લોંગ ડ્રાઈવ કે ન કેન્ટીન .. ઘરમાં વાત કેમ કરવી મારે ? એની સમજ મને નહોતી પડતી .દિવસો લાંબા લાગતાં અને રાતો  તો એનીથી પણ લાંબી ..આશુતોષની ઉતાવળ વધતી જતી હતી અને હું નિરુપાય બનીને રહી ગઈ હતી .કડક સ્વભાવના પપ્પાને મનાવવાની કોઈ રીત મને દેખાતી  ન હતી આવા અસમંજસવાળા  દિવસોમાં  કોઈ સાથે સંદેશો મોકલાવીને આશુતોષે એમાં લખ્યું હતું કે   “ I can’t wait any more “  ગુડ બાય .

                  ને  એ ઊડી ગયો એના પહોળા હ્રદયમાં કોઈ બીજીને સમાવી ને ..!!  પછી મને સમજાયું કે હું લાંબા વાળવાળી છોકરી જ છું મને કોઈ પ્રેમ કરવાનો અધિકાર નથી કારણ કે લાંબા વાળ સાથે મારૂ  સુખદ નસીબ બહુ ટૂંકું છે મારા કદ જેટલું જ .

               ને હવે મેં મારા લાંબા વાળ કાપી નાખ્યા છે ..થોડી ઇમેજ ચેઈંજ કરી છે . હવે હું મારા ટૂંકા વાળ સાથે મેચ થાય એવા જ કપડાં પહેરું છું . જીન્સ જોડે ફાવી ગયું છે ને કુર્તાઓ માંગે એટલા મળે મારી પાસે ..હા હાઇ હિલ તો હું સ્લીપરમાં પણ વાપરતી થઈ ગઈ છું. મને કપડાં પહેરવાની સેન્સ આવી ગઈ છે . ક્યારેક હું બોલ્ડ ને બ્યુટીફૂલ બનવાની કોશિષમાં મારી જાત આગળ ફૂલ/fool દેખાવ છું પણ વાંધો નહીં.

બીજા આગળ સ્માર્ટ બનતા આવડી ગયું છે.

            ને હવે આજે આશિષ સાથે લોંગ ટર્મ રિલેશનશીપ ચાલી રહી છે બહુ જ જલ્દી એના પર લગ્નની મહોર લાગશે. હા આશિષ નું કપાળ ટૂંકું છે ને વાળ ક્રુ કટ છે..હ્રદય સાંકડું છે એ મને બીજાની સાથે વાત કરતાં પણ જોઈ નથી શકતો . હું મારા આખા ગ્રૂપને મળી નથી શકતી  કારણ કે એમાં છોકરાઓ પણ છે .

 પરંતુ હવે હું મારા ટૂંકા વાળ સાથે ખુશ છું ને ટૂંકા હ્રદય વાળા આશિષ સાથે પણ .

                    ને એક ધક્કા સાથે પાછી હું વર્તમાનમાં આવી ગઈ છું …બાજુમાં રહેતી લાંબા વાળ વાળી ..થોડી જાડી નીચી પાયલ મને પૂછે છે ..: જુઓ  ને જરા આમાં હું જાડી તો નથી લાગતી ને ..???

Hemal Maulesh Dave 

‘હાશ’


હાશ …..સાથે એક નજર ફેરવી ..બધુ જ વ્યવસ્થિત હતું .

પર્સ ઉપાડયું ને ચંપલ પગમાં નાખ્યા ત્યાં જ  અચાનક એક સ્વર અથડાયો ..

એ સાસુ હતા ! ક્યાં જવાનું છે ? મમ્મીજી , આજે કવિ સંમેલન છે .

મને બહુ ગમે છે ..કામ બધુ થઈ ગયું છે ..રસોઈ પણ …..!

મમ્મીજીનો છણકો ઊડીને છાપું વાંચતા પપ્પાજીને અથડાયો ……તે પણ બહાર આવ્યા …ક્યાં જાઓ છો ..?? એકલા જાઓ છો કે આશિષ આવે છે ? થોડા દબાતા અવાજે મેં કહ્યું એકલા ……!

ને એ અવાજ તોરવાળો થયો અરે રે !! એકલા જાઓ છો તો સમાજ શું કહેશે ? હિંમત ભેગી કરીને મેં કહ્યું કે એ..એમને તો કામ ……..ને અધૂરા વાક્યે જ એ બહાર આવ્યા . ..ત્યાં ગયા વગરના શું રહી જવાના છો ?

ને મારી ચોપાસ અંધકારનું આવરણ છવાયું …..

એ સાથે જ રૂમની અંદર મઘમઘતું મોજું આવ્યું ….એ નણંદ હતી ..બોલી, ભાભી આજે તમે ફ્રી લાગો છો આજે તો તમારી મારી સાથે શોપિંગમાં આવવું જ પડશે.

ને બે વર્ષ પહેલા એના શરીરે આ ‘ઘર’ માં વસવાટ કરેલો ત્યારથી માંડીને અત્યાર સુધીની  બધી જ ક્ષણો ફેલાઈ ..ઘૂંટાઈ ..તૂટીને અથડાઇ ને પછી તૂટ્યું છેલ્લું આવરણ….!

ક્ષણોની ગડમથલ ને જવાબ નીકળ્યો …હું જાઉં છું .. એ નીકળી …. ભુલાઈ ગયેલા સ્વને ઓળખવા  ..કાવ્યત્વને પામવા ..ને એ પાછી આ ઘરમાં પૂર્ણ સ્વરૂપે પ્રવેશ કરવા..!!.  

‘ઓળખ ‘


હાશ …..સાથે એક નજર ફેરવી ..બધુ જ વ્યવસ્થિત હતું .

પર્સ ઉપાડયું ને ચંપલ પગમાં નાખ્યા ત્યાં જ  અચાનક એક સ્વર અથડાયો ..

એ સાસુ હતા ! ક્યાં જવાનું છે ? મમ્મીજી આજે કવિ સંમેલન છે .

મને બહુ ગમે છે ..કામ બધુ થઈ ગયું છે ..રસોઈ પણ …..!

મમ્મીજીનો છણકો ઊડીને છાપું વાંચતા પપ્પાજીને અથડાયો ……તે પણ બહાર આવ્યા …ક્યાં જાઓ છો ..?? એકલા જાઓ છો કે આશિષ આવે છે ? થોડા દબાતા અવાજે મેં કહ્યું એકલા ……!

ને એ અવાજ તોરવાળો થયો અરે રે !! એકલા જાઓ છો તો સમાજ શું કહેશે ? હિંમત ભેગી કરીને કહ્યું કે એમને તો કામ ……..ને અધૂરા વાક્યે જ એ બહાર આવ્યા .ત્યાં ગયા વગરના શું રહી જવાના છો ?

ને મારી ચોપાસ અંધકારનું આવરણ છવાયું …

એ સાથે જ રૂમની અંદર મઘમઘતું મોજું આવ્યું ….એ નણંદ હતી ..બોલી ભાભી આજે તમે ફ્રી લાગો છો આજે તો તમારી મારી સાથે શોપિંગમાં આવવું જ પડશે.

ને બે વર્ષ પહેલા એના શરીરે આ ‘ઘર’ માં વસવાટ કરેલો ત્યારથી બધી જ ક્ષણો ફેલાઈ ..ઘૂંટાઈ ..તૂટીને અથડાઇ ને પછી તૂટ્યું છેલ્લું આવરણ….!

ક્ષણોની ગડમથલ ને જવાબ નીકળ્યો …હું જાઉં છું .. એ નીકળી …. ભુલાઈ ગયેલા સ્વને ઓળખવા  ..કાવ્યત્વને પામવા ..ને એ પાછી આ ઘરમાં પૂર્ણ સ્વરૂપે પ્રવેશ કરવા..!!.