‘ભગો’


  થોડા વખત પહેલા મારી ખાસ બહેનપણીના ઘેર જવાનું હતું પણ  એ પહેલા બજારના બે ચાર કામ માટે મારા પતિદેવની બેન્ક નજીક હોવાથી , બેન્કની  સામે  એક્ટિવા પાર્ક કર્યું હતું .

                    મારૂ કામ પૂરું થયું એટ્લે આપણે તો બંદા એક્ટિવા લઈને ત્યાંથી સીધા મારી ફ્રેન્ડના ઘેર . સાંજનો સમય હતો ને અંધારું થઈ રહ્યું હતું . ઘણો સમય બેઠા પછી બહાર આવીને એક્ટિવા પાસે જઈને ચાવી લગાવી તો લાગે જ નહીં ને પછી ધ્યાન ગયું કે આ મારૂ એક્ટિવા જ નથી  ….ઘર સામે જ શોપિંગ અને ફૂડની શોપ હોવાથી નક્કી કોઈ લઈ ગયું હશે એમ માનીને થોડી ચિંતા થઈ ..પતિદેવને ફોન  કર્યો ..

      મીનવાઇલ મારી ફ્રેન્ડના હસબન્ડ તેમની પાસે રહેલા એક્ટિવાની ચાવીઓ લઈ આવ્યા અને ડિકી ખોલીને જોયું તો ખરીદેલા ડ્રેસની શોપિંગ બેગ્સ અને થોડું ફંફોસતા આઈ ડી કાર્ડ મળ્યું ..એમાં ફોન નંબર હતા , સામેથી ફોન કરીને કહ્યું કે , તમે ભૂલથી મારૂ એક્ટિવા લઈ ગયા છો ………ને મજાની વાત હવે જ આવે છે ……એમને મને કહ્યું બેન , હું તમારું નહીં પણ તમે મારૂ એક્ટિવા લઈ ગયા છો …બે કલાકથી અમે એ જ જગ્યા એ બેઠા છીએ …આવો અને અમારું એક્ટિવા લાવો . ….. ટીપીકલી કાઠિયાવાડી ભાષામાં મજાનું ‘ભાષણ’ સાંભળ્યુ….જે ભાઈ રાહ જોતાં હતા એમને ફોન કર્યો કે અમે તમારું એક્ટિવા લઈને આવીએ છીએ …….!

                        એમના ભાષણ સામે મારી શિષ્ટ ભાષા અને માફી માગવાની રીત કામ લાગી ગઈ ……પાછું દેવા ગયા ત્યાં સુધીમાં એ ભાઈનું મગજ શાંત થઈ ગયું હતું ……ને હસીને સૌ સૌનું અસલી વાહન તેમાં રહેલો સામાન ચેક કરીને  છૂટા પડ્યા …….એમના એક્ટિવામાં ખરીદેલ વસ્તુ કરતાં મારા એક્ટિવામાં રહેલું મારી દીકરીનું જેકેટ વધારે કિંમતી હતું …

         હા, એ મારૂ નહીં મારી દીકરીનું એક્ટિવા હતું જે જવલ્લે જ મારા હાથમાં આવે …… આપણે ચલાવતા હોઈએ એ વાહન હાથમાં આવે ત્યાં ખબર પડી જાય ……પણ આ તો મારા હાથમાં આવતું જ નહોતું એટ્લે મને એના કે મારા એક્ટિવાનો ભેદ સમજાયો જ નહીં …….! બસ ……..આમ જ  તે દિવસે શિયાળાની સાંજે મોટો ‘ભગો’ વાળ્યો હતો . J

 

‘પ્રથમ અધ્યાય ‘


 

જીવનનો પ્રથમ અધ્યાય એટ્લે મા ની કોખમાં આપણું રોપાવું ..ધીમે ધીમે એ બીજનું ઉછેરવું …કોખમાં મળતા જીવનના એ પ્રથમ અનુભવો ,જેને આપણે જન્મજાત સંસ્કાર કહીયે છીએ ..અને આપણાં એ સંસ્કાર ડગલે ને પગલે કામમાં આવતા હોય છે પરંતુ કદાચ આપણે એનાથી અજાણ રહીને જીવ્યે જઇયે છીએ.

આજે વાત જ્યારે શિક્ષણના પાયાની ..શિક્ષણના પ્રથમ અનુભવની થાય છે ત્યારે  એ એકડો તો મા ના  ગર્ભમાંથી ઘૂંટાતો હોય છે એવું હું માનું છું ..હા એને શબ્દદેહ જ્યારે એ દેહ ની ઉમર થાય ત્યારે થાય છે.

શિક્ષક માતા-પિતાનું હું પ્રથમ સંતાન એટ્લે શિક્ષણની પરિભાષા કદાચ સાથે જ જન્મી હોય શકે એમ પહેલો એકડો મે 3 વર્ષની ઉમરે જ ઘૂંટયો અને મારા માતા પિતાના કહેવા મુજબ એ પણ મેળે મેળે જ ઘૂંટયો હતો અને પછી મંડાણ થયા શિક્ષાની પગદંડી ઉપર. ભણવાની મારી ચાનકને જોઈને મારા પપ્પા જે હમેંશા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપતા હતા તેમની સાથે બેસાડતા.

એ સમયે હોશિયાર વિદ્યાર્થી હોય તો બે ધોરણની સાથે પરીક્ષા આપી સીધા ત્રીજા ધોરણમાં જઈ શકાતું અને આમ મે 6 વર્ષની વયે પહેલા ધોરણની પરીક્ષા આપી અને બીજું તથા ત્રીજું ધોરણ સાથે કરી 7 વર્ષે તો હું ચોથા ધોરણમાં હતી..આમ નાની ઉમરે આગળના ધોરણમાં ભણતી હતી .

મારો પ્રથમ દિવસ મને યાદ છે ત્યાં સુધી બહુ જ આનંદદાયક રહ્યો અને માતા પિતા બંનેની સાથે જ મારો સ્કૂલ પ્રવેશ મજાનો રહ્યો ..ઉમરથી વધારે ધોરણમાં હોવાથી મિત્રો મને ભણવાના અંત સુધી મોટા જ લાગ્યા એ એક જુદો વિષય છે.

મારા પ્રથમ શિક્ષક બેશક મારા પપ્પા જ રહ્યા પણ સ્કૂલ પ્રવેશ નહોતો થયો ત્યારે પણ મને રમણીકસાહેબ ભણાવા આવતા અને એમની સાથેના મારા સંસ્મરણો બહુ મજાનાં રહયા. ભણતર મોજ સાથે પણ ભણી શકાય એ ખોજ તો મને સમજણી થઇ ત્યારે ખબર પડી. એમની ભણવાની શૈલી નિરાળી હતી અને મારી ઉંમર અને મૂડ બંને પારખીને ભણાવતા ત્યાં સુધી કે એક નું એક ભણવાનો મને કંટાળો આવે તો એ દિવસે વાર્તા સંભળાવતા અથવા સારું વાંચન કરાવતા. મારી યાદ શક્તિ સતેજ હોવાથી મારા આ બધા જ નખરાં ચલાવાતા એટ્લે જ કહું છુ કે મોજ સાથેનું ભણતર મારા માટે શ્રેષ્ઠ રહ્યું અને સ્કૂલના ટીચરની વાત કરું તો એમની સાથે પણ ખૂબ જ ભાવપૂર્વકના સંબંધ રહ્યા. હોશિયાર વિદ્યાર્થીની છાપ એ કયારેય ભૂસવા ન માગતા હતા અને એને માટે જેટલું થઈ શકે તેટલું એ કરતાં હતા સાથે નાની ઉંમર હોવાનો લાભ મને હમેશા મળતો રહ્યો. સ્કૂલના એ દિવસો તો હજુ ગઇકાલે જ જીવાયેલા હોય તેટલા તાજા થઈ આવ્યા છે આ લખતી વેળા એ.

 

પ્રથમ પરીક્ષા મે શાળા પ્રવેશના 3 મહિનામાં જ આપી અને એ પછી સીધી બે ધોરણ ની સાથે જ આપી. ફક્ત 4 વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા આપવામાં ડર અનુભવાયો હોય એવું મારી યાદમાં નથી કદાચ બની શકે ઉંમર  પણ ન હોય અથવા ભણવા ની લગને એ ડર જણાવા નહીં દીધો હોય.

હા રસપૂર્વક થયેલા શિક્ષણના પાયા હોય તો વિદ્યાર્થી એને અનુરૂપ વગર ટેન્શન સાથે ભણી શકે છે ,એ ભણતરના મૂલ્યને સમજવાની તાકાત એનામાં એ ઉમરે ન હોય પણ અવમૂલ્યન પણ નથી કરી શકતા અને એમ જ જ્ઞાનનો પાયો મજબૂત બને છે એ વાત તો નક્કી.

ભાર વગરના ભણતર ઉપર અત્યારે જ્યારે ભાર મુકાય છે ત્યારે એ યાદ આવ્યા વગર રહેતું નથી કે સારું થયું આપણે આ ‘ભારો’ ઉપાડવાના સમયથી પાછળ હતા. સ્કૂલમાં ખાલી ભણતર જ નહીં ગણતર અને રમતગમતને પૂરતું સ્થાન મળી રહ્યું એનો આનંદ પણ પૂરો રહ્યો અને સાથે મિત્રો સાથેની મોજમજા તો લટકામાં રહી. શાળાનો સમય પૂરો થયે રમાતી નારગોળની રમત ..કબડ્ડી કે ટેબલટેનિસની મજા તો ભૂલાય જ કેમ ? એ ધિંગામસ્તીથી ચાલીને કપાતો રસ્તો ક્યારેય લાંબો નથી લાગ્યો. સ્કૂલમાં ઉછરેલી આંબલી અને એના કાતરા પાડવામાં એક બહેનપણી એ ઉછાળાયેલા પથ્થરના નિશાન હજુ કપાળની શોભા વધારે છે અને એને જોતાં જ ફરી વળે છે એ નાજુક હસતાં ખેલતા સંસ્મરણો અને ત્યારે એ બહેનપણી નો આભાર માનવાનું મારૂ હ્રદય ચૂકતું નથી.

માતા પિતા હાઈસ્કૂલ ટીચર હોવાથી અને એમાં પણ પપ્પા  સ્કૂલના પ્રિન્સિપાલ હોવાથી અને એ જ સ્કૂલમાં  મારૂ ભણતર થતું હોવાથી એક અલગ અનુભૂતિ હતી પણ સ્કૂલમાં એ મારા માતા પિતા છે એ ભૂલી જવાનું મને સુપેરે યાદ રહેતું. શિક્ષણમાં પ્રથમ અનુભવની જ્યારે વાત થાય છે ત્યારે એક વાત જણાવું કે ક્યારેય હાઈસ્કૂલ શિક્ષણમાં મારો પ્રથમ નંબર ન આવ્યો હમેંશા બીજો નંબર જ આવતો એટલા માટે કે કોઈને પણ એવું ન લાગે કે અહિયાં માતાપિતાનો લાભ લેવાયો છે.

ખેર વાત બોર્ડની પરીક્ષાની ફક્ત 13 વર્ષની વયે અપાતી એ પરિક્ષાનો હાઉ તો ઉમર કરતાં મોટો હતો અને પ્રથમ બોર્ડની પરીક્ષાનું ગુજરાતીનું પેપર દેતા એ ડર એ જ દિવસે 3 વાગ્યે બીજા વિજ્ઞાનના પેપરમાં જતો રહ્યો અને આરામથી બોર્ડની પરીક્ષા પાર પડી..હા એ પરીક્ષા દેતી વખતનું ટેન્શન ..પેપર હાથમાં લેતી વખતે વળતાં પેટના ગૂંચળા ….હાથનું આછેરું કંપન એ બધુ હજુ યાદ છે. આજ થી 20 વર્ષ પહેલાની એ યાદ હજુ પણ યાદ છે. એ સમયે શિક્ષાનું મહત્વ કઈક અંશે જુદું હતું. બોર્ડની તૈયારી કરવાની રીત પણ જુદી હતી..ટ્યુશન કલ્ચર તો દૂર સુધી ન હતું . ન આવડતું હોય તો સ્કૂલના જ ટીચર પાસે ફરીથી ભણવા જવાતું અને તમારી જાતે કરેલી તૈયારી જ તમને કામ લાગતી  પણ એ રીતે તમારામાં જે અનુભવ અને જાત પરનો વિશ્વાસ ઊભો થાય છે તે જીવનભર મદદ કરતો રહે છે.

આજના શિક્ષણ સાથે ગઈ કાલના શિક્ષણની મુલવણી કરવી નકામી છે કે સરખામણી કરવી પણ અસંગત છે .આજનું શિક્ષણ કદાચ આજની અથવા કાલની જરૂરિયાત હશે પણ સાથે એનું મુલ્ય આપણે કેવું આંકવું એ આપણાં જ હાથમાં હોય છે .અથવા એમ કહું કે મા બાપ ના હાથમાં હોય છે. સ્થિતી કોઈ પણ હોય એની મુલવણી અને સાથે એની જાળવણી કેમ કરવી એ હમેંશ  આપણાં જ હાથમાં હોય છે. એ માટે કોઈપણ સમયની ટીકા ટિપ્પણ કર્યા વગર  એ સમય ને માન પણ મન દઈને આપવું જોઇયે અથવા એમ કહું કે એ સમયમાં કેવી રીતે વર્તવું એનું ભાન રાખીને આપણાં બાળકોને ભણાવા જોઈએ. સમયનો સ્વભાવ પરિવર્તનનો છે  એટલા માટે સ્વીકરવો જ રહ્યો પરંતુ એ સાથે આપણાં ભણતરને સમજવું જ રહ્યું.અને એટ્લે જ ભણતરને હમેશા ગણતરીથી ભણ્યે જ રાખવું પડે છે. આ જગતથી અવગત થવા માટે હમેશા આપણે આપણી જાતને અપડેટ કરવી પડે છે તો જ આપણો વારસો આપણે આગળની પેઢીને આપી શકાશે॰

ભણતરની ક્યારેય કિમત હોતી નથી, એ ભાવને ને ફક્તને ફક્ત અનુભવી શકાય છે જીવનના હર ડગર પર.

‘ દ્રોપદી’


અગ્નિમાંથી અવતરેલી સ્ત્રી નામે દ્રોપદી. મહાભારતના યુદ્ધ  સર્જનહાર મનાતું પાત્ર. પરંતુ એ પાત્રની પીડાની આરપાર કોઈ જઈ શક્યું છે ખરા ? અગ્નિ કન્યા કે જેણે પોતાનું બાળપણ પણ જીવવા મળ્યું નથી , એવી બાળકી કે જેને પતિને પ્રસન્ન કેમ રાખવા એના પાઠ જ સીધા ભણવાના ચાલુ થઈ ગયા હતા .

કૃષ્ણને મનોમન ભરથાર માનીને જુવાનીનું જીવન જીવનારી આ નારીને સ્વયં કૃષ્ણ જ સ્વયંવર કરાવીને બીજાના હાથમાં સોંપે છે .ને એ બીજાનો હાથ એટ્લે કે અર્જુન તેને બીજા ચાર સાથે વહેંચે છે . એક નારી માટે આથી વધારે પીડા હોય શકે ખરા ? ને છતાં ય સ્વર્ગારોહણ વખતે પહેલા આ દ્રોપદી જ પડે છે .. એજ પાંચ પતિઓ તેને છોડીને આગળ ધપે છે . શું કારણ ? કારણ એ કે , સ્વયંવરમાં અર્જુનને વરમાલા પહેરાવનારી પાંચાલીને અર્જુન પ્રત્યે પક્ષપાત હતો . શું કામ ન હોય ? એને વહેંચી તો માતા કુંતીએ ને છતાં આ ગૌરવશીલ નારીને ત્યજીને બધા આગળ ગયા .

આ અગ્નિપુત્રી સાચા અર્થમાં સ્ત્રી છે . સંપૂર્ણ સ્ત્રી . જીવનમૂલ્યોને સાથે લઈને જીવતી સ્ત્રી . પાંચ પતિઓ સાથે અલગ અલગ સમયે જીવતી સ્ત્રી . જેનો જન્મ વેરની સામે વેરના વિચારમાંથી થયો છે પરંતુ એનાંમાં પ્રેમની ભાવના પણ એટલી જ પ્રગટ છે . આ જગતમાં એ સીધી યજ્ઞવેદીમાંથી આવી ચડી છે . ને છતાં જીવનના એક પણ દ્રશ્યમાં તેના સ્વભાવની આભા પ્રગટ ન થઈ હોય એવું બનતું નથી .

 

આ પીડા , પાંચાલીની એકલાની ન રહેતા જ્યારે વહેંચાઈ ત્યાર મહાભારતના યુદ્ધ  પહોંચી . એ પહોંચવા સુધીના અનેક રસ્તાઓ ચારે બાજુથી નીકળતા ગયા અને પાંડવો સાથે પાંડવપત્ની પણ એનો સામનો કરતી ગઈ ..આવી ઘણી બધી વાત કાજલ ઓઝા વૈદ્યના પુસ્તક  ‘દ્રોપદી ‘માં આલેખાઈ છે .

કેટલા સંવાદો એના હ્રદયમાંથી નીકળીને આપણી આરપાર થઈ જાય છે ને વળી પાછા એક ટીસ બનીને મનના કોઈ ખૂણે સચવાઈ જાય છે . –

ઇન્દ્રપ્રસ્થ, પાંડવોની નવી રાજધાની. પાંડવોનો ગૃહસ્થાનનો ઉત્સવ  ઉજવાઈ રહ્યો છે. હજારો બ્રાહ્મણોને ભોજન, દક્ષિણા , ગાયો, નવા વસ્ત્રો દાન કરવામાં આવે છે. સ્નેહી-સ્વજનો ને પ્રીતિ ભીજન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. પૂજાનાં અંતે પાંડવો અને કૌરવો જમવા બિરાજે છે. દ્રોપદી મહેમાનોને ભોજન પીરસી રહી છે. દુર્યોધન અને દુષાશન સતત દ્રૌપદીની મશ્કરી કરી રહ્યા છે.

દુષાશન  કહે છે , “ભાભીશ્રી, હવે તો તમારા દર્શન દુર્લભ થશે. હસ્તિનાપુરમાં હતા તો એક આશા હતી કે પાંચ ભાઈઓ પછી કદાચ અમારા પીતરાઈઓનો પણ વારો જરૂર આવશે…”

 

જે પાંચાલીને સ્વયંવરમાં જીતવા માટે દુર્યોધન ગયો હતો એ જ નારી આજે તેની ભાભી બની છે પરંતુ એની હાર હજુ પચાવી શક્યો નથી .

 

દુર્યોધન અટ્ટહાસ્ય સાથે કહે છે -“ એકદમ સાચી વાત. ભાભી, સ્વયંવરમાં તમને જોઈને તમારું સૌન્દર્ય અમને વિચલિત કરી ગયું હતું. હવે તમારી આ ગૃહકુશળતા જોઈને વધુ જીવ બળે છે. અમે પણ પાંડવોનાં ભાઈઓ હોત તો….”

દુષાશન પોતાના ભાઈને  ઈશારો કરી કહે છે ,”  ભ્રાતા, સમય સમયની વાત છે. હસ્તીનાપુર આપણું થયું એમ એક દિવસ…”

દુર્યોધન અને દુષાશનના હાસ્યથી, પાંડવો અને કૃષ્ણના મૌનથી અકળાયેલી દ્રૌપદી આ બધી જ મશ્કરીઓ સાંભળી રહી હતી . આજે એ યજમાન બની હતી અને મહેમાનોનું સ્વાગત કરવામાં કોઈ કમી રાખવા માગતી નહોતી .

 

ભોજન બાદ પાંડવો આમંત્રિત મહેમાનોને મહેલની સહેલ કરવા માટે લઇ જાય છે . દ્રૌપદી અનિચ્છાએ યજમાન ધર્મ નિભાવવા પતિઓ સાથે જોડાય છે. અને આગળ નીકળી ગયેલા પરિવારજનોની જાણ બહાર, જાણી જોઈને પાછળ રહી ગયેલો દુર્યોધન દ્રૌપદીને એક ખૂણામાં હાથ પકડીને ઊભી રાખે છે .

દુર્યોધનની મજબુત પકડમાંથી છૂટવા દ્રૌપદી બોલી ઉઠે છે “માધવ, ગોવિંદ!”

ગોવિંદ – આ શબ્દ સાંભળતા જ દુર્યોધન દ્રૌપદીનો હાથ છોડી દે છે.

દ્રૌપદી આંખમાં રોષ સમાવીને  દોડીને કૃષ્ણ અને પરિવારજનોની પાછળ આવીને ઉભી રહી જાય છે.

કૃષ્ણ આંખોના ઈશારાથી જાણે દ્રૌપદીની પરિસ્થિતિ પામી જાય છે અને પૂછે છે  “કોણ ?”

ક્રોધ અને અપમાનથી આકુળવ્યાકુળ  દ્રૌપદીની નજર  દુર્યોધન તરફ વળે છે .

ને ત્યારે કૃષ્ણ તેના પાંચ પતિઓ અને પરિવારજનોની હાજરીમાં તેની પ્રિય સખીના મસ્તક પર હાથ મૂકીને .

ધીમેથી કહે છે  “ શાંત થાઓ કૃષ્ણા, આપત્તિની ક્ષણો વિતી ગઈ છે. કોઈને કશું હવે કહેશો નહિ.”

દ્રૌપદી અને કૃષ્ણ એકબીજાની સામે જોઈ રહે છે.

 

દ્રૌપદી માત્ર કૃષ્ણને જ સંભળાય એમ કહે છે  “કોઈને કશું કહેવાનું નથી. વીતી ગયું એ ભૂલી જવાનું છે. ઘર-પરિવારનાં સુખ ચેન અને શાંતિ માટે અપમાનનાં ઘુંટડા પી જવાના છે.

મારા શબ્દો યુદ્ધનું કારણ ન બને એ માટે મૂંગા મોઢે અપમાન સહન કરવાનું છે. દુર્યોધનની ફરિયાદ કરું તો કોને કરું ? એ પતિઓને કે જેઓ થોડી ક્ષણો ભોજન વખતે  મારું અપમાન નીચી નજરે જોઈ રહ્યા હતા ? અને ફરિયાદ કરું પછી પણ જો દુર્યોધન વાત પલટી દે અને મારા ચારિત્ર પર આડ મુકે તો? કદાચ સદાચારી અને ધર્મભીરુ પતિઓ મને ઘરની બહાર હાંકી કાઢવામાં સહેજ પણ વિલંબ ન કરે! .

પાંચ પતિઓ અને કૃષ્ણ જેવા મહાપુરુષ જેના સખા હતા એ દ્રોપદી પણ અપમાનના ઘૂંટડા ગટગટાવીને જ જીવતી હતી પછી એ જુગારમાં હરાયેલી સ્ત્રી તરીકે થયેલું અપમાન હોય કે પછી પાંચ પુરુષો સાથે રહેવાનુ ભાગ્ય .

મહાભારતના યુધ્ધમાં પુત્રોને ગુમાવનારી સ્ત્રી હોય કે પછી પોતાના પ્રિય પતિ અર્જુનને અન્ય નારીઓ સાથે વહેંચાયેલો જોતાં થતી પીડા ભોગવતી સ્ત્રી .

 

 એક સ્ત્રીએ ભોગવેલી બધી જ  પીડાઓનો જ્યારે સરવાળો મંડાય ત્યારે કદાચ દર વખતે ‘ મહાભારત’ સર્જાતું હશે.

 

‘ I TOO HAD A LOVE STORY ‘


‘ I TOO HAD A LOVE STORY ‘
Writer : Ravinder Singh

આજના ડિજીટલ યુગમાં ઘણી બધી લવ સ્ટોરી સાથે ઊગી નીકળેલી એક એવી ગાથા ..જે તમને પ્રેમ વિષે વિચારતા કરી મૂકી છે .. ઇન્ટરનેટ અને ફાસ્ટ જમાનાને વખોડતા લોકો માટે એક એવો સજ્જડ પુરાવો કે ..” જ્યારે નસીબમાં મળવાનું હોય ત્યારે ગમે તે રીતે મળી શકાય છે અને પ્રેમગાથાને અમર બનાવી શકાય છે .
એક સૉફ્ટવેર એંજિનિયરને દોસ્તો સાથે કોલેજ છોડ્યા બાદ ફરી વાર મુલાકાત થાય છે ..ઘણી બધી ગપશપ અને કોલેજજીવનને પાછાં જીવંત બનાવ્યા બાદ રિયલ જિંદગીમાં પાછાં ફરવાની વાત સાથે વાર્તાની શરૂઆત થાય છે .. આ લેખકની સત્યઘટના છે અને એમાં બનેલા બનાવોને કોઈ પણ બનાવટી પીંછડો ફેરવવામાં નથી આવ્યો .
એક મેટ્રોમેનિયલ સાઇટ દ્વારા મળેલા બે લોકોની પ્રેમકથા કેવી રીતે વિકસે છે એના રંગ અને ઢંગ ખૂબ સરસ રીતે વર્ણવાયા છે . પ્રેમની નાની નાની ક્ષણોને જીવંત બનાવી દેવામાં આવે ત્યારે જીવન કેવડો મોટો ઉત્સવ બની જાય છે !!! એ વાતની અનુભૂતિ થયા વગર રહેતી નથી . પ્રેમ થાય અને એની ચડતી થાય ..એમાં દરિયાના મોજા જેવી ભરતી આવે ..એમાં ઊગતો સુરજ આવે અને આથમતા સુરજની ઉદાસ સાંજ પણ આવે પણ એવું ગાંડુ તોફાન કેવી રીતે આવી શકે કે કિનારે ઊભા ઊભા કિલ્લોલ કરતાં બે જીવને તહસનહસ કરી નાખે ? પ્રેમની ક્ષણોને પલભરમાં હતી નહોતી કરી નાખે ?
આવી બધી જ ક્ષણો આ પુસ્તકમાં છે .. નાયિકાનું નામ’ ખુશી’ છે જે નામ એવા જ ગુણ ધરાવે છે …એ ખુશીની ‘ખુશી ‘ પર કોની નજર લાગે છે ને પછી આ લેખકના શું હાલ થાય છે એ બધી જ વાતોને માણવા પુસ્તક વાંચવું જ રહ્યું ………….અને હા …આ પુસ્તક વાંચીને મનમાં પ્રેમની પરાકાષ્ઠા અનુભવાય નહીં …..બે પ્રેમીની કાલીઘેલી વાતોથી છાનું હાસ્ય પ્રગટે નહીં …ને આ પુસ્તક વાંચતા જો તમારી આંખ વહે નહીં ..હ્રદયમાં પીડાની ટીસ ઊઠે નહીં …દિલમાં સહાનુભૂતિ સાથે સલામ ઉદભવે નહીં તો માનવું કે આપણાં પ્રેમ નામનું તત્વનું સત્વ ગાયબ છે .
હેમલ દવે

” અંગદનો પગ “


” અંગદનો પગ ” – લેખક : હરેશ ધોળકિયા

એક શિક્ષકમાં શું જોઇયે ? ધીરજ ? ભણાવવાની આવડત ? વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બનવાની શક્તિ ? પોતાના વિષય પ્રત્યેનો અનુરાગ ? કે પછી આ બધાથી પર રહીને ફક્ત શિક્ષકકર્મ જ કરવું ? કેટલા સવાલોનો એક જવાબ આ પુસ્તકમાં મળી રહેશે ………માનવી છે તો મહત્વકાંક્ષા રહેવાની ..માનવસહજ નબળાઈઓ બધામાં રહેવાની ..પરંતુ એનો ઉપયોગ જ્યારે બીજાની લીટી નાની કરવામાં વપરાય ત્યારે એ માણસ ભલે સમાજની નજરે આગળ વધતો જાય પણ તેના પોતાની નજરમાંથી હમેંશા નીચે ઊતરતો જાય છે …..શું આ વાતનો એને ખ્યાલ નથી હોતો ? હોય જ છે …પણ એ મહત્વકાંક્ષાનું મહત્વ એના જીવનમાં એટલું બધુ હોય છે કે આ વાતને એ જાણી અજાણી કરે છે ……પછી જ્યારે જીવનમાં ખાલીપો સર્જાય છે ત્યારે એનું આ વાવેલું સર્જન ખૂબ નડે છે ..ને જીવતર બોજ લાગે છે …..ને પછી ન લેવાનું પગલું લઈ બેસે છે ….

વિશ્વમાં બે પ્રકારના લોકો છે …પ્રતિભાશાળી અને સામાન્ય ..

વિશ્વનો કબજો હમેંશા સામાન્ય માણસો પાસે રહ્યો છે જે પોતાને મહત્વના સાબિત કરવા માટે પોતાની આખી જિંદગી ખર્ચે છે …તેઓ પ્રતિભાશાળી માણસોને હેરાન કરી શકે છે ..આગળ ધપતા અટકાવી શકે છે ….પણ એ એમના બાહ્ય પરિબળો છે ..પ્રતિભાને કોઈ પહોંચી નથી શક્યું ..એટ્લે આવા લોકો પોતાના જ પગલાંમાં ફસાઈ જાય છે ને આગળ વધવાનો પ્રયાસ વામન સાબિત થાય છે . મિથ્યા સંતોષ પ્રાપ્ત કરી શકે પરંતુ એનું આયુષ્ય ટૂંકું હોય છે .
આ પુસ્તકનો ભાષા વૈભવ કદાચ ભલે આકર્ષે નહી પરંતુ તેનો વિચાર ..માનસિક વિચારોનો વૈભવનો સ્પર્શ થયા વગર રહે નહીં .

માનવી પોતાની જ નજરમાં જ્યારે નતમસ્તક થાય છે ત્યારે તેને કોઈ જ બચાવી શકતું નથી .

આપણે , એક અદના માનવી થઈને એટલું જ ધ્યાન રાખવું ઘટે કે આપણે જાણીજોઈને કોઇની લીટી ભૂસવામાં નથી મશગુલ થયાને ?
કોઈના વિકાસમાં સહભાગી ન બનીએ પરંતુ કોઈના વિકાસના રસ્તામાં અડચણો ઊભી નથી કરીને ?

આપણને મિત્રભાવે મદદરૂપ થતાં કોઈને આપણે એ મિત્રતાનો કડવો શિરપાવ નથી આપ્યોને?

કોઈ નજીક રહેલી વ્યક્તિઓને કોઈ એવો ધક્કો નથી પહોંચાડ્યો ને કે, એ સંબંધો પર વિશ્વાસ મુક્તા અચકાય ?

કોઇની ગરિમા જ્યારે અંતકાલે અધમૂઇ થાય છે ત્યારે એ છબીને સ્વીકારવી કે પછી અત્યાર સુધીની ઊજળી છબીનું ગૌરવ અનુભવવું ?

ઇન શોર્ટ ………માણસ અને માણસોની માનસિકતા …..શિક્ષકોના માધ્યમથી સરસ વ્યક્ત થઈ છે …
ખાસ કોઈ, કોઈને શિખવાડવાનો દાવો કરતાં હોય ………જે પોતે જ શિક્ષક હોય …શાળા જેમની કર્મભૂમિ હોય એમને તો ખાસ આ પુસ્તક વાંચવું રહ્યું .

હેમલ મૌલેશ દવે

” You Can Heal Your Life “


” You Can Heal Your Life ” – Writer : Louise .L.Hay

– આપણાં દરેક અનુભવો માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ.
– આપણાં મનમાં આવતો દરેક વિચાર આપણાં ભાવિનું સર્જન કરે છે .
– વર્તમાન ક્ષણમાં જ શક્તિનું કેન્દ્રબિંદુ હોય છે .
– દરેક વ્યકિત સ્વ- ધિક્કાર અને અપરાધભાવથી પીડાતો હોય છે .
– બધુ જ વિચારોમાં સમાયેલું હોય છે …ને વિચાર બદલવા આપણાં હાથમાં હોય છે .
– જાતને ચાહવા લાગીએ તો આપણું જીવન સરળ બની જાય એવી પૂરતી તકો છે .
લેખિકા કહે છે કે , આપણે જે આપીએ છીએ એ જ પાછું મેળવતા હોઈએ છીએ અને છતાં પણ આપણી ફરિયાદ હમેંશા સામા પક્ષે જ હોય છે .
જાણે અજાણે પરિસ્થિતી આપણે ઊભી કરીયે છીએ અને પછી દોષ બીજા પર નાખી દેવામાં સમય વ્યતિત કરીયે છીએ . તેવી જ રીતે જીવન કેવી રીતે જીવવું એના વિષે પણ આપણે જડ મંતવ્ય ધરાવતા હોય છે .

આજે સમસ્યા કોને નથી ? બધા એક યા બીજી રીતે સમસ્યાઓનો શિકાર બંતા જ હોય છે . ક્યારેક આપણી નકારાત્મક લાગણી આવી સમસ્યા ઉત્પન્ન કરે છે તો ક્યારેક આપણી જાણ બહાર આવી ક્રિયાઓ થઈ જાય છે ..પરંતુ એના મૂળ તો હમેંશા આપણાં મનમાં જ છુપાયેલા હોય છે જે આવા વખતે ઠેકડો મારીને બહાર આવે છે . ભૂતકાળની કોઈ બિના આપણાં આંતરમનમાં છુપાઈને બેઠી હોય છે અને કાળક્રમે તે ઊગી નીકળે છે ….ને આપણે હમેંશા ક્યાં તો ભૂતકાળ અથવા ભવિયષ્યકાલમાં રહેવાનુ પસંદ કરતાં હોઈએ છીએ ..પણ હકીકતમાં અહી જ ભૂલ થાય છે . વર્તમાનમાં જે વિચારો સભાનપૂર્વકના હશે એ જ ભવિષ્યનું નિર્માણ કરશે અને ભૂતકાળને જેટલી જલ્દી વિદાય આપીએ એટલું જલ્દી આપણી જિંદગીમાં ખુશીનું આગમન થશે .

નાની નાની ક્રિયાઓ અને થેરાપી આ પુસ્તકમાં મળી રહે છે …જે વાંચીને એમ થાય કે , આ કાર્ય કરતી હશે ખરા ? તો હા , આ કાર્ય કરે છે . આ પુસ્તકની અમસ્તી જ ચાર કરોડ ઉપરાંતની કોપી ન વહેંચાય હોય ને !
આપણે આપણો દિવસ કેવી રીતે શરૂ કરવો ને આખા દિવસ દરમ્યાન શું કરવું ? આપણી વાક્ય રચનાઓ કેવી રાખવી ? ને આપણે વિચારો કેવી રીતે કરવા એ બધુ જ આ પુસ્તકમાં શીખવા મળે છે .

ને સાથે દરેક રોગ સાથે આપણી કેવી માનસિકતા જોડાયેલી હોય છે તે ખાસ શીખવા મળે છે ..જેથી કરીને આપણે જ આપણાં ડોક્ટર બની જઇયે અને આપણી માનસિકતા ચકાસતા થઈ જઇયે .
બદલાવ એમ રાતોરાત ન આવે પણ એ રસ્તે ચાલતા જઇયે તો દિવસ જલ્દીથી ઊગી નીકળે એ વાત નક્કી .
આપણાં મનના ઊંડાણમાં કોઈ વાત કે વલણ એટલું જડાઈ ગયું હોય છે જો એ વાતને સમજી જઇયે અથવા એના વિષે માહિતગાર થઈ શકીએ તો જલ્દીથી સાજા થવાય છે .

આવી સાજા થવાની અને જિંદગીને એક નવા જ વિચાર સાથે આવકારવાની રીત આ પુસ્તકમાંથી જરૂર મળી રહે છે .
હા ..વાત નવી છે ..ક્યારેક સ્વીકારી નહીં શકાય પણ એક વખત એની એક રીતને જો અમલમાં મૂકી જોશો તો બદલાવ જરૂર આવશે . આ જાત અનુભવની વાત છે ……તો આપ પણ અનુભવો અને જિંદગીનું એક નવું જ ગીત માણો….જે ગીતના રચિયતા આપ હો ..સંગીતકાર અને ગાયક પણ આપ જ હો .
અસ્તુ .

Hemal Maulesh Dave

‘ Friendship ‘-‘મિત્રતા’


 

             જીવનની આપાધાપીમાં કયારેક કઇંક એવુ બની જાય છે જે જીવનભરનું  સંભારણું બનીને રહી જાય છે……ના  એની યાદમાંથી છટકી શકાય કે ના છટકવું ગમે છે. ક્યારેક  એ ટીસ બનીને ઊઠે છે.. ક્યારેક તડ બનીને પ્રસરે છે…….રોમેરોમમાં વેદના બનીને પ્રગટે છે…….એ યાદોનાં તીખારા સૂતેલી  રાખમાંથી અગ્નિ પેદા કરે છે……આજે આવી જ  આગમાં લપેટવાનુ સદભાગ્યમારા ભાગે છે…..પણ ના હું  એનાથી ભાગવા માગૂ છુ ના ક્યારેય ભાગી છુ.પીડાને પણ ક્યારેક  માણવી પડે છે.આ પીડા મૃત્યુની સાથે મારા પ્રિયજનની મુલાકાતની છે …..મોતને નજરે નીરખ્યાની વાતછે..… ..અમાસનો દિવસ કોઇની કાળરાત્રી બન્યાની વાત છેત્યારે હું માંડ ૧૧ વર્ષની હોઇશ..ને આ ઉંમરે મોત સાથે પહેચાન તો ક્યાં બનાવી હોય..! છ્તાં   ૧૧ વર્ષના હાથોમાં એક જીંદગી શ્વાસ મુક્યાની  વાત છે, એક હસતી રમતી ૧૫  વર્ષની કન્યાની  વાત છે.

                                  અમારા ઘરને બીલકુલ અડીને  એનુ ઘર હતુ.. ઘરનો કલબલાટ હમેંશા કાનોને અથડાતો જ રહેતો..પછી  પછડાતા વાસણનો હોય કે ઝપટાતા બારી બારણાનો હોય.… વાતચિતનો હોય કે સતત રહેતી અવરજવરનો હોયજે હોય તે પણ એ અવાજ મારા સુનાપણાનો સાથીદાર હતો..મમ્મી પપ્પાના સ્કુલે ગયા પછીનો સથવારો હતો..તેના ઘરના કલશોરથી મન  તો મારુ  ભરાતુ હતુ.

                                આજથી લગભગ 23 વર્ષ પહેલાની વાત છે પહેલા તો કેવુ કે ટીવી તો હતા નહિ કે આજના બાળકોની જેમ ખોડાઇ ને  રહીએ.. કે ન હતા મોબાઈલ કે આખો દિવસ એમાં પસાર કરી શકીએ કે નહોતી કોઈ મોબાઈલ ગેમ્સ કે તેમાં રમી શકીએ ……અમે તો   ને મસ્ત સાતતાળી .થપ્પો .દોરડાકુદ ,ચૌખંડાને નારગોળ .ખોખો ને કબ્બડી જેવી   કેટલીયે રમતો સાથે  રમતા..ક્યારેક અમારા ગામમાં સર્કસ આવે કે જાદુગરના ખેલ આવે  ત્યારે તો જાણે અમારે ઉત્સવ આવ્યો હોય .સર્કસ આવીને જતુ રહે તો પણ અમારા સર્કસનાં દાવ તો ચાલુ  રહેતા..….એની જેમ ખેલ કરવાની અમે થોડી ઘણી કોશિશ કરતાં હતા ………દર રવિવારે ક્યાંક ને ક્યાંક જવાનું હોય ..એ પણ સાઇકલમાં ..ખૂબ મજાના દિવસો હતા....!

                                  અને આવા  મજાના દિવસોમા એક દિવસ એને એટલે કે મારી એ મિત્રને ચક્ક્રર આવ્યા ને પડી ગઇ..ડોકટરને દેખાડ્યુ.. થોડી દવા આપી ,થોડું સારું થયું પણ ફરી પાછું એજ ચક્કર આવવાનું શરૂ થયું એટ્લે અમારા ગામમાંના ડોક્ટરને કઇંક વધારે કારણ ન મળ્યું અને તેને મોટા શહેરમાં બતાવવાનું કહ્યું ત્યાં પણ ગયા પરંતુ કોઈ જ કારણ શોધી શકાયું નહીં ..મગજની  બીમારી એને વળગી ગઇ હતી અને પછી આમ   જુદાજુદા ડોકટરોની મુલાકાતોના દોર ચાલુ જ રહ્યા..  ….દોરાધાગા , માનતાબાધા  કરવાનુ પણ  શિક્ષિત માબાપ ચુક્યા નહી….ધીમે ધીમે સમય રંગ બતાવતો ગયો..કાળની કેડી જાણે એને માટે એને માટે વધુને વધુ નજીક આવતી ગઇ..પણ ક્યા માબાપ  વાતને સ્વીકારવા તૈયાર થાય  ?અને મા-બાપ જ શું કામ એ મીઠડી છોકરીને આમ સૂનમૂન સૂતેલી જોવા માટે  એને જાણતા લોકોમાં કોઈ જ તૈયાર ન હતું ….તેના મા – બાપ અને બધા સ્નેહીજનો  ગમે તે કરી છૂટવા  તૈયાર હતાહવે તો તેની યાદદાસ્ત પણ સાથ છોડવા લાગી હતી…સાથે ગમતી વસ્તુઓની અમારા બન્ને  વચ્ચે ક્યારેક  થતી જીદ તો આપોઆપ  છુટવા  લાગી હતી હમેંશા  મને જોઇને એની અઠ્યાવીસી દેખાડતી  હવે  ક્યારેક જ ધીમુ  મલકતી હતી..  અમારી ફોરેનના કાપડમાથી સિવડાવેલી એક સરખી   ફ્લાવર પ્રિન્ટ વાળી પિન્ક મેકસી હવે હું એકલી એક્લી  પહેરતી હતી..અને એને આવો બધો અણસાર નહોવા છતાં   એની મમ્મીને હું તેને પહેરાવાનો આગ્રહ રાખતી હતી.. કારણ બધાની આશા ખુટી ગઇ હતી પણ મને તો ક્યાં ખબર જ હતી કે એની પાણીદાર આંખોનુ તેજ  ધીમેધીમે  ઓલવાતુ જતુ હતુ..અને હવે   બધાને નિરુપાય થઈને જોયા કર્યા સિવાય હાથમા કઈં જ ન  હતુઆજથી અઢીત્રણ દાયકા પહેલા તો મેડીકલ સાયન્સ પણ ક્યાં એટલું  ડેવલોપ હતુ કે ઉપાય પણ શક્ય બને..!

                                   આમ બધા  ઉપચારોથી ત્રસ્ત થઇને અંતે ભગવાનની ઇચ્છાની આગળ  પરિવાર ઝુકી ગયો..રોજ થતી તેના નામની પુજાઅર્ચના એના આયુષ્યમા તો નહિ પણ એના  આયખાની પીડા ઓછી કરે એની માટે  થવા લાગી..ને એ આખા આયખાની પીડામાંથી છુટકારો અપાવે એ દિવસ પણ આવ્યો ..

                                 અમાસનો દિવસ હતો …એવરતજીવરતના વ્રતનો દિવસ હતો. .મારા મમ્મી અને તેના મમ્મીના બહેનપણા પણ અમારી જેમ  અંખંડ હતા..તેઓ બન્ને પુજાની તૈયારીમા પડ્યા અને તેની પાસે બેસવાનું કામ મારુ હતુ.. હજુ તો   ત્યાં એના માથા પાસે તેનો હાથ પકડીને બેઠી  હતી કે તેને આંચકી આવવા લાગી અને આવી રીતે એને ઘણી વાર આંચકી આવતી એટલે  મેં માસીને અવાજ દીધો..ને માસી બહારથી  મને કહે એને થોડું  પાણી પા ત્યાં હું આવું  છુ.. ત્યાં જ મારો અવાજ સાંભળીને દોડતા માસા પણ આવ્યા અને મેં તથા માસાએ  પાણી પાયુ ..એક ચમચી પાણી પીધુ ને બીજી ચમચીમા તો   મોટી મોટી આંખો મારી સામે   જોતી રહી ગઈઆંચકી બંધ અને તેની પીડા પણ બંધ.. શ્વાસ  છુટી ગયો અને અમારી અખંડ‘ મૈત્રીને તોડી ગયો..!

 

                              આજે પણ  જીવરત‘ ના દીવસે એના  ”જીવતર‘ સાથે ખેલાયેલુ મોતનુ ઉજવણું યાદ આવે છે. એની આંખો જોઈને જ માસી ખૂણામાં જઈને જે ચીસો પાડીને રડેલા એ ચીસોએ મને ઘણી રાતો જગાડી હતી .કેટલું દુખ ને કેવડી વેદના ..!!!   મને તો એ કરૂણ ક્ષણોની યાદ તો છે જ સાથે એની એ નાનકડી જીંદગીના ફુલગુલાબી પ્રસંગો પણ  યાદ છે કારણ એ અમે સાથે  જીવેલા હતા..સ્કુલનો સથવારો..રમતોમાં અડિખમ રહેનારો..તેના જીદ્દી સ્વભાવને લઈને મારી સાથે હમેંશા  જીતનારો  સાથ એની જીવનની સફરને ટુકાવીને છુટી ગયો…..

                એની   મોટી આંખો તો મને હજુ પણ નજરે ચડે છે. એનુ  તેજ હજુ પણ આકરૂ લાગે છે..મને તો  પણ     ખબર નહોતી કે તેની સફર આટલી અધુરી છે અમારી રમતો પણ હજુ તો અધુરી હતી ..અમારા  બાળપણના દિવસો ક્યાં પુરા જીવ્યા હતા.. દિવસોના દિવસો સુધી મારી સાથે એટલી વણાયને રહી...ડગલે ને પગલે એની યાદ મને આવતી રહી ….એ ઘરમાંથી એનો અવાજ આવતો તેની માંદગી દરમ્યાન જ બંધ થઈ ગયો હતો પણ  એ  સૂતી તો હતી .તેની હયાતીના પુરાવા એ પલંગ દેતો તો હતો જ …..પણ હવે તો એ પણ નહીં …..એની હાજરી એ પલંગ પર પણ નહીં ……એ ઓરડો પણ ખાલી અને મારૂ હ્રદય પણ ખાલી …..એના  મૃત્યુ   મારા બાળમાનસ પર કરેલા આઘાત મને ક્યારેય કોઇની નજીક  જવા દીધી..અને કયારેક લાગે છે  બાળમાનસ હજુ પણ મારા મનમા જીંવત છે.. કોઇની પણ એનુ સ્થાન લેવાની કોશિષ મને તેની સાદી મૈત્રીથી પણ દુર કરી દે છે. મૃત્યુ સાથે બધાએ એક વાર મુલાકાત કરવી જ પડે છે એ સત્ય તો હવે સમજાયું હતું ને આ સત્ય બહુ જ કડવું હતું ….!

અત્યારે ફ્રેન્ડશીપ દીવસ ઉજવવામાં આવે છે .મિત્રોને મળવાનું આસાન થઈ ગયું છે .મૈત્રીની પરિભાષા બદલાઈ છે

                                 ત્યારે  ફ્રેન્ડ્શીપ ડે ના સ્પેશીયલ દિવસની જરુર નહોતી અને મને તો  હજુ પણ તેને યાદ કરવાનું  કોઇ  કારણ શોધવા નથી જવુ પડતું .. બાળપણનુ જીવાયેલુ નાનકડું સખીપણું આજે પણ મને વીતેલી વાતોને યાદ કરીને હસાવી પણ શકે છે અને  લખતી વખતે મારી જાણ બહાર મારી આંખોને વહેતી પણ કરી મુકે છે..

                                        અને હા..આજે  બધા મિત્રોની વચ્ચે પણ મને એની ખોટ સાલે  છે..બધાને પોતિકી મૈત્રીનાં મુલ્યની પહેચાન હશે ને હોવી જ જોઇયે ..જ્યાં મારી પહેચાન તો ખુબ  નાની છે..ક્યાંક હજુ પણ એ આંખોનો  ચમકારો પાછો મેળવાની આશા સાથે જ.. મૈત્રી સંબંધ ધરાવતા  બધાને શુભકામના..કે તમારી મિત્રતાનો અંત ક્યારેય અમારી મિત્રતા જેવો   હોય..!!!

અસ્તુ .

 

 

‘lakhu’-‘લાખું’


આજે ફરી એ આવી લંગડાતા પગે ..માંડ માંડ ચાલી શકતી હતી ને છતાં કામ પર આવવું  એટલું જ જરૂરી ..નામ ભલે જીવી હતું પણ આ જીવીનાં જીવડાને  જીવવામાં કેટલી તકલીફ પડતી હતી એ  આડોશપાડોશમાં કોઈનાંથી અજાણ નહોતું હા ..નહોતી જાણતી તેની શેઠાણી ..!!  

                                    બસ હુકમ  આપવા સિવાયની એક પણ વાત આ  નવી શેઠાણીના પલ્લે પડતી જ નહોતી.  અલી એ  ય ક્યાં મરી ગઈ ..? જો બે ત્રણ દિવસ આ બધુ શીખી લે પછી બાબાસાહેબનું બધુ જ કામ તારે જ કરવાનું છે અને હા એમાં કોઈ જ જાતની ફરિયાદ હું નહીં ચલાવી લઉં .. અને હા હાથ ધોયા વગર મારા દીકરાને ક્યારેય અડતી નહીં હો ..!!! જા હવે આ બાબાસાહેબનું દૂધ લાવ જલ્દી ..!!!  નહાવાનું પાણી તૈયાર કર ….જો બાબાની પથારી ભીની થઈ લાગે છે જલ્દી બદલી નાખ અને પાછું બધુ ધોઈને તડકે સુકવજે ….! ઉભા થતા  કમરમાં  સટાકો તો  બોલ્યો ને માથામાં  સણકો પણ  બોલ્યો ..!! આ તે કેવી માયાજાળ મારા રામ ?? મનમાં ને મનમાં જ માંડી ફરિયાદ ..મોઢે તો ક્યાં બોલવાપણું હતું .?? શું આમ જ જીંદગી જશે ?? આગળ કઇં જ   નહિ …?? ઘરકામ કરવાની વાતે અહીં કામ કરવા રહી હતી પણ લાગે છે કે હવે તો  આ બાબાસાહેબની સેવા કરવામાં જ જન્મારો જશે ..!!!   બાબાસાહેબની સંભાળ માટે રખાયેલી કામવાળી તો શેઠાણીનાં ત્રાસે ભાગી ગઈ પણ એ ક્યાંય ભાગી શકે તેમ છે જ નહીં એને તો આખો દિવસ બસ આ શેઠાણીનો રૂવાબ જ સાંભળવાનો જ રહ્યો

                                     બસ આ ફરિયાદને દાદ મળવાની જ નથી તે યાદ આવતા જ  આ મનમાં માંડેલી ફરિયાદ પણ બંધ થઇ . મગજના દરવાજાને ફટાફટ તાળું મારી , દુખતા પગની પીડા , કમરની પીડાને રામ રામ કરીને શેઠાણીનાં આડાઊભા ફેલાયેલા શરીરની જેમ જ ફેલાયેલા એના  રાજનાં કામકાજમાં  મદદ કરવા લાગી ગઈ. એમ ને એમ જ રોજની જેમ જ  સાંજ પડી ગઈ.

     આથમતા સુરજનાં  સથવારે ઘર ભણી ચાલવાનું શરુ કર્યું રોજનાં રસ્તાએ ઓળખાણ રાખી છે ને એના પગ સાથે દોસ્તી પણ ,એટલે પગને પગનું કામ કરવા દઈને એ ઉપડી એની રોજની સફરમાં ….. એને યાદ આવી તેને ગામડે ઉગતા સુરજની !!!   એ સ્મરણના જોરે  રોજની માફક રસ્તો જલ્દી કપાવવા લાગ્યો ભૂતકાળમાં ઉગેલા  સુરજના  લીધેલા ઓવારણા યાદ આવ્યા ને  સાથે યાદ આવી વહેતી નદી ..તૂટેલો ઘાટ કપડા સાથે ઘસાઈને લીસા થયેલા છીપરા ….ધોકાનો ધબ ધબ અવાજ ..વીરડા ઉલેચતી પનીહારીઓ ને છબછબીયા બોલાવતા નાનકાઓ નદીનાં કિનારે આથમતી સાંજ ..મંદિરની ઝાલર પછી ફરી વળતાં અંધારાની સાથે જ  તેની સાથમાં રહેતું અજવાળું ….એ અજવાસનાં જોરે કપાતા સાવકી મા નાં ત્રાસ ને જીવવાનું મળતું બહાનું ….!

                                     ઓહો શું દિવસો હતા !!!  એ દિવસોની યાદ જાણે આખા શરીરમાં ફરી વળી .. ને ચાલ ઉતાવળી થઇ ગઈ , ઘર ઝડપથી આવી ગયું.  ઘર  તો એ જેમ  મૂકીને ગઈ હતી એવું ને એવું જ ઊભું રાહ જોઈ રહ્યું હતું . શંકર હજુ આવ્યો નથી લાગતો ??? સ્વગત બબડી પણ અંદરખાને  એક જાણીતો ભય ઘેરી વળ્યો ..પણ શું થાય હવે આ ફરિયાદ તો ઈશ્વર સાંભળવાનું જ ભૂલી ગયો છે ને એ થાકીને હવે ઈશ્વરને કહેવાનું પણ ભૂલી ગઈ છે  ….આગળ પાછળ પણ કોઈ ક્યાં આપ્યું છે !!!! 

                              દર વર્ષે આજુ બાજુની પાકી ઝુંપડીઓમાંથી આવતો ઉંવા ઉંવાનો અવાજ હવે એને કોઠે પડી ગયો છે. હવે ઉદરમાં કઈ ફરફરતું નથી એ વિચારે લાય નથી લાગતી , દર મહિને ધોવાતા લોહીને જોઈને એને અરેરાટી નથી થતી ….ઊલ્ટાની ટાઢક વળે છે કે, શંકરના ઘરમાં એક જ જીવને દુઃખી થવાનો અધિકાર છે અને તેનું નામ જીવી છે. કોણ જાણે શું જોઈને નામ રાખ્યું હશે મારા બાપાએ ..!!! જીવી જેના ખુદનાં જીવવાનાં ઢંગધડા નથી . વળી શંકર યાદ આવ્યો ..કોણ જાણે ક્યાં ગયો હશે આજે ..??? કોણ  એને ઘર સુધી પહોંચાડશે આજે ..?? સાવ ભાનમાં  જ ન હોય તો સારું ..અડધોપડધો ભાનમાં  હશે તો વળી કાલની જેમ મૂવો પેલા ધરાઇને રોટલા ખાશે પછી પાછો પૈસા માગશે ને નહીં આપું તો  મારશે ….મારી મારીને થાકશે ત્યારે  પગની પાનીથી લઇને સુકા હોઠ અને સુજી ગયેલી આંખ સુધી  ગંધાતા વાસ મારતા મોઢેથી  ચાટશે . તે હે ભગવાન !! એને  મારા ખારા આંસુ  કેમ ભાવતા હશે  ?? અને હું યે મૂઈ પાછી , એને જે ભાવે એ ખાવા દઉં છું ને પાછી પીવા પણ દઉં છું .

                                                 હા બે દિવસ પહેલા વિચારતી હતી ને કે રાતે જો તેને રોટલો અને મારો ખાટલો ન આપું તો થઇ થઇને શું થશે ?? એ વિચાર મારો રોયો પામી ગયો લાગે છે . કાલે રાતે તો સોથ બોલાવી દીધી  હતી પંડની એ ભોગવેલી પીડાના સણકાએ  પાછા એના રૂંવાડા ઊભા કરી દીધા …..વિચારતો મારા મનમાં ભૂલે ચુકે પણ ન આવવો જોઈએ હો ….બબડીને પાછુ મનના બારણાંને ખાલીઆગળીયો મારી દીધો ..ખાલી એટલા માટે કે વળી મધરાતે એ ખોલવો પડશે ને !!!! નહીં  તો રાત કેમ જશે ..?? ત્યાં જ  ચૂલાનાં ધુમાડાની અસર આંખ પર થઈ ને પાછી વિચારોના વમળમાંથી બહાર આવી .

                                  અરે રે !! આ ચુલાને શું થયું છે કાં સળગે નહિ ? કેરોસીનમાં બોળેલો ગાભો નાખ્યો ને એકાદ લાકડું ઠૂસ્યું ત્યારે માંડ માંડ ચૂલો સળગ્યો , હવે સાથે મારી અંદરની બુજાયેલી આગ પણ સાથે સળગશે.  ઝટ ઝટ બાજરીનો લોટ કાઢ્યો ને  ફરી પાછું યાદ આવ્યું ………રોજની જેમ રોટલાના ટપાકા પાછી મને એ લીલોતરા ખેતરમાં મોકલશે ..પાછું  એ ખેતરમાં  પાણી વાળતા વાળતા  મનુડાએ વાળેલું મારું રૂદિયું યાદ આવશે ત્રાસી આંખ કરીને ભેગી થયેલી નજર ક્યારે આંખોમાં આંખો નાખીને સીધું જ જોતી થઈ ગઈ એનું ભાન તો ક્યાં રહ્યું હતું ? વડલાની છાયામાં પકડેલો હાથ પછી ગાલે પહોંચ્યો ને પાછી ગળે ,ખેતરની કોરી માટીને  બે શરીરોનાં પરસેવાથી ભીંજવેલ ..એ સુગંધીદાર ગંધ યાદ આવશે ..આખા શરીરમાં ફરી વળેલી એ સુગંધને નવ મહિના સુધી સાચવીને મા કોણ જાણે મામાને ગામથી ક્યાં મૂકી આવી હશે ..??? બસ એક અણસાર યાદ રહ્યો છે ડાબી કમર પર રહેલું લાખું બસ એ જ ….!

                           ફરી ભૂતકાળની ભૂતાવળ નાચવા લાગી એક વાર પરસેવાથી ભીંજાયેલી માટી વારેઘડીએ ભીંજાવાનું વેન કરવા લાગી એ ભીંજાયેલી માટીમાં કોટા ફૂટયા અને એ મનુડાએ ધારિયું લઈને ત્યાં જ વાઢી નાખવાનું નક્કી કર્યું પણ એ આડી ઉતરી એ કૂંપળને વઢાવા ન દીધી .મનુડો તો ધારિયું અને કૂંપળને ત્યાં જ મૂકીને ભાગ્યો ક્યાં ગયો એ કોઈને ખબર ન રહી ….!

                           અરે રે ! જો આજે  ફરી એક વાર મનના દરવાજા એવા ખુલ્યા કે બંધ થવાનું નામ નથી લેતા                   આજે શંકર આવ્યો ને પડ્યા ભેગો પડ્યો જ રહ્યો ને જો   રાત મનુડા ની સાથે ગુજારવી પડશે તો …??  એના ઘા  તો પાછા શંકરીઆથી પણ આકરા ….. ક્યાં સુધી આ તાપને જીરવ્યા કરવાનો છે ? ક્યાં સુધી તનની તોડને મનની જોડ સાથેની  ઝીંક જીલવાની છે ….!!!  કોઈ રાતે  હાડચામનાં દેહને શંકરને સોંપવો તો કોઈ રાતે આ મનનાં દેહ ઉપર મનુડાંનો કબ્જો હોય છે …!!! આવા વિચારો સાથે આમ જ સવાર પડી .

         એ રાતે શંકર અડધોભાનમાં હતો ને સવારે એને ઉઠાડીને એની  સરભરા કરીને માંડ માંડ પહોંચી શેઠાણીને ઘેર .. દર બે ત્રણ મહિને છૂટતા કામને એ પોતાની નીતિથી બાંધી રાખવા શક્તિમાન ન હતી કારણ કે …..એ શંકરની પાર્વતીનહીં જીવી હતી જીવી …..અપમાન સહન કરીને પણ ભીખની જેમ કામ માંગવુ પડતું ને ભાઈસાબ બાપા કરવા પડતાં તો  ક્યાંક પગારમાં બાંધછોડ કરવી પડતી  ને ક્યારેક કેટલીયે લોલુપ નજરોનો સામનો કરવો પડતો શંકરે મારેલા મારનાં નિશાન છુપાવવા એને સાડીનો આખો પાલવ વીંટી રાખવાની ટેવ પડી ગઈ હતી ને આ  પાલવ વીંટવાની ટેવે ,  તેને કેટલીયે વખત  બચાવી હતી .

                             બસ આ એક જ બાબતે જીવી , શંકરનો આભાર માનતી હતી ………સઘળા વિચારોનો ઘા કરીને  ભાંગેલા પગે ઘરના દરવાજે જ્યાં પહોંચે છે ત્યાં જ સામે બે વર્ષના બાબાસાહેબ દેખાય છે . જેની સરભરા હવેથી એના ભાગે આવવાની છે . .. ..શેઠાણી બેઠા બેઠા  એના  ઉઘાડા ડીલને  માલીશ કરે છે જીવી જઈને તેની સેવામાં  ઊભી રહી જાય છે  …..શેઠાણી , જ્યાં બાબાસાહેબને ઉંધા ફેરવે છે ને ત્યાં જ  ડાબી કમર પર રહેલું એ લાખું દેખાય છે ને બસ , હવે જીવીમાં  જોમભેર જીવવાની તાકાત આવી જાય છે.

 

“ I can’t wait any more “


 

       ને આજે પણ એ વાવાઝોડાની જેમ દોડતી મારી પાસે આવી હતી ને પૂછતી હતી ..” જુઓ ને જરા હું આમાં જાડી તો  નથી લાગતી ને ? મને આ વનપીસ બરાબર તો લાગે છે ને કે નહીં ?  હું બહુ નીચી તો નથી લાગતી ને ? બ્લેક કલર હું પહેરી શકું ને ? આ કલર મારા સ્કીન કલર સાથે ભળી નહીં જાય ને ? પ્લીઝ ..જલ્દી બોલો ને …!!! 

“ I can’t wait  any more please “ !!!

             ને એના આ એક  વાક્યે મને ઝંઝોડીને રાખી દીધી ..શું હતું એ એક આવા સાદા વાક્યમાં કે જે વાક્યથી મારા જીવનના અર્થ બદલાઇ ગયા .. ? મારૂ જીવન બદલાઈ ગયું ..? મારા જીવનની દિશા ફંટાઈ ગઈ ને હું હતી નહોતી થઈ ગઈ .? મારા જીવવાના માયના બદલાઈ ગયા ??

              ને આ એક વાક્ય સાથે મારૂ ફ્લેશ બેક શરૂ થાય છે , મનના પટારાનાં એક ખૂણામાં સાચવીને રાખેલા ભૂતકાળના સંભારણા આળસ મરડીને બેઠા થાય છે ને એ સંભારણાની આગેવાની કરે છે કોલેજના દિવસો.

               કોલેજની કેન્ટીનનાં જુદા જુદા  ટેબલ પર બેસીને પહેલી વાર જોયા પછી ક્યારે એ સામસામે બેસતા થઈ ગયા તે ક્યાં ખબર રહી ..! હા ..એના ભાગે ભલે પહેલાં એ દોસ્તી જ રહી પણ મારા ભાગે તો એ હતો “my first love.”  એનું પહોળું કપાળ , વાંકડિયા વાળ અને મજબૂત બાંધો , થોડો ઘઉંવર્ણો રંગ ..તેની કપડાં પહેરવાની સ્ટાઈલ ..મળતાવડો સ્વભાવ , બોલવાની આવડત અને ઊંચું કદ ..તેને ભીડમાંથી તારવી દેવા પૂરતા હતા. ને મારા ભાગે હતા મારા લાંબા વાળ. મારો લહેરાતો ચોટલો  કોઈને પાછળ ફરીને જોવા મજબૂર કરતાં હતા ..એ સિવાય શું હતું ? કોઈ ઓળખ ? ન  કોઈ નામ જાણતું હતું ના એવું કોઈ કામ કોલેજમાં હતું . બસ લાંબા વાળવાળી છોકરી …આટલી જ ઓળખ મને કોઈના દિલમાં ઘર કેમ બનાવવા દે ?  ન જ દે ને…??  છતાં ય હું આશુતોષની તોષા બની ગઈ હતી .. કોણ જાણે કેમ કોલેજની બધી જ છોકરીઓને પાછળ છોડીને હું તેની નજીક આવી ગઈ એના પહોળા કપાળની સાથે તેનું હ્રદય પણ પહોળું હતું ને એ હ્રદયમાં મારૂ પણ નામ હતું ..એ જ મારે માટે બસ હતું. મારી હયાતીના પુરાવા માટે એ જ પૂરતું હતું . આગળ પાછળ જોયા વગર જ ..બીજું કઇં જ વિચાર્યા વગર હું એની બની હતી.

                 ને  એટલે જ આંખના પલકારામાં કોલેજ પૂરી થઈ ગઈ હતી..એ પલકારામાં કોલેજની કેન્ટીન હતી .. ને હતો કોલેજની પાછળના ભાગે આવેલો બગીચો કે જે લવગાર્ડન તરીકે જ ઓળખાતો.. ..વરસાદી મોસમમાં મારા લાંબા વાળને ખુલ્લા કરીને  સાથે પલળવાની આશુની ખ્વાઈશ હતી તો બાઇક પર એકબીજાને હુંફને જીવંત કરતી  લોંગ ડ્રાઈવ હતી ..ક્યારેક મારા સાદા પંજાબી ડ્રેસ કે ચૂડીદારનો પહેરવેશ બદલીને વેસ્ટર્ન કપડાં ટ્રાય કરવાની  શીખ હતી … ક્યારેક કોલેજમાંથી બંક મારીને સિનેમા હૉલ પર  ફ્લોપ  ફિલ્મો જ જોવા જવાની આશુતોષની જીદ હતી ..પરંતુ હા …હાઇવેની હોટલ વાળા  આશુતોષનાં વિચારને મેં ક્યારેય મચક ન આપીને તેની નારાજગી વ્હોરી લીધી હતી આ એક જીદને મેં ક્યારેય  પૂરી કરી જ ન  હતી . આ સમયે તે ગુસ્સે ભરાતો પણ  મને એને મનાવતા આવડતું હોવાનું મને અભિમાન  હતું .  

                             પણ  હવે એ  જ ત્રણ વર્ષ લાંબા પલકારાનો સમય ખેંચાતો  જતો હતો. ન  ક્યાંય મળવાનું ..ન લાંબી વાત… ન કોઈ લોંગ ડ્રાઈવ કે ન કેન્ટીન .. ઘરમાં વાત કેમ કરવી મારે ? એની સમજ મને નહોતી પડતી .દિવસો લાંબા લાગતાં અને રાતો  તો એનીથી પણ લાંબી ..આશુતોષની ઉતાવળ વધતી જતી હતી અને હું નિરુપાય બનીને રહી ગઈ હતી .કડક સ્વભાવના પપ્પાને મનાવવાની કોઈ રીત મને દેખાતી  ન હતી આવા અસમંજસવાળા  દિવસોમાં  કોઈ સાથે સંદેશો મોકલાવીને આશુતોષે એમાં લખ્યું હતું કે   “ I can’t wait any more “  ગુડ બાય .

                  ને  એ ઊડી ગયો એના પહોળા હ્રદયમાં કોઈ બીજીને સમાવી ને ..!!  પછી મને સમજાયું કે હું લાંબા વાળવાળી છોકરી જ છું મને કોઈ પ્રેમ કરવાનો અધિકાર નથી કારણ કે લાંબા વાળ સાથે મારૂ  સુખદ નસીબ બહુ ટૂંકું છે મારા કદ જેટલું જ .

               ને હવે મેં મારા લાંબા વાળ કાપી નાખ્યા છે ..થોડી ઇમેજ ચેઈંજ કરી છે . હવે હું મારા ટૂંકા વાળ સાથે મેચ થાય એવા જ કપડાં પહેરું છું . જીન્સ જોડે ફાવી ગયું છે ને કુર્તાઓ માંગે એટલા મળે મારી પાસે ..હા હાઇ હિલ તો હું સ્લીપરમાં પણ વાપરતી થઈ ગઈ છું. મને કપડાં પહેરવાની સેન્સ આવી ગઈ છે . ક્યારેક હું બોલ્ડ ને બ્યુટીફૂલ બનવાની કોશિષમાં મારી જાત આગળ ફૂલ/fool દેખાવ છું પણ વાંધો નહીં.

બીજા આગળ સ્માર્ટ બનતા આવડી ગયું છે.

            ને હવે આજે આશિષ સાથે લોંગ ટર્મ રિલેશનશીપ ચાલી રહી છે બહુ જ જલ્દી એના પર લગ્નની મહોર લાગશે. હા આશિષ નું કપાળ ટૂંકું છે ને વાળ ક્રુ કટ છે..હ્રદય સાંકડું છે એ મને બીજાની સાથે વાત કરતાં પણ જોઈ નથી શકતો . હું મારા આખા ગ્રૂપને મળી નથી શકતી  કારણ કે એમાં છોકરાઓ પણ છે .

 પરંતુ હવે હું મારા ટૂંકા વાળ સાથે ખુશ છું ને ટૂંકા હ્રદય વાળા આશિષ સાથે પણ .

                    ને એક ધક્કા સાથે પાછી હું વર્તમાનમાં આવી ગઈ છું …બાજુમાં રહેતી લાંબા વાળ વાળી ..થોડી જાડી નીચી પાયલ મને પૂછે છે ..: જુઓ  ને જરા આમાં હું જાડી તો નથી લાગતી ને ..???

Hemal Maulesh Dave