સંબંધ નામે દરિયો


સાચવી બેઠાં’ તા સંબંધો જાણ્યું કે જળ હશે,
પણ નહોતી ખબર કે,
તળીયા નીચે રણ ને સામે મૃગજળ હશે.

‘મને તો આ દીઠા ગમતાં નથી પણ શું થાય ? આ જલમમાં( જન્મમાં) તો લેખ જોડાઈ ગયા છે હવે મારાં વાલીડાને(ભગવાનને) કહું છું કે આવતાં ભવે એ ભટકાય નહિ.’

આ ગામઠી ભાષામાં સગા કાને સાંભળેલો એવો સંવાદ છે કે જે એક કાનથી સાંભળીને બીજા કાનેથી નીકળવાની બદલે હૈયા સોંસરવો ઉતરી ગયો છે.આ એવો કોમન સંવાદ છે કે જે ક્યારેક ને ક્યારેક બધાનાં હૈયે ને હિંમતવાળા હોય એની મોઢે આવી જ ચડ્યો હશે.


છે શું આ સંવાદમાં ? કોની રાવ કરે છે ? કોની ફરિયાદ કરે છે ?એવું તે શું છે એમાં કે આટલી ફરિયાદ છતાં આ જન્મે છૂટી શકાતું નથી કે પછી એની સાથે જીવવું છતાં જીવી શકાતું નથી?? એની સાથે રહી શકાય છે પણ સહી શકાતા નથી??


જે સંબંધના જોરે એ માણસ જીવતું હોય એના જ કારનામા ભારે પડ્યાં હોય ત્યારે બોલાય છે. જીવન જોડાયેલું હોય પણ એ જોડાયેલું જીવન તૂટી તૂટીને જિવાતું હોય ત્યારે કે પછી જે ચહેરાઓ જોઈને એક વખત પાનખરમાં પણ જીવનની વસંત ખીલી જતી એ જ ચહેરાઓ પર હવે પાનખરી વાયરો કાયમને માટે ફરફરતો હોય ત્યારે બોલાય છે..

લોહીનાં સંબંધમાં સચવાયેલો લાલ રંગ કાળો પડતો જાય ત્યારે અને એક વખત જે સંબંધ મીઠી નોકઝોંકનો મહોતાજ હતો ત્યાં હવે નજરમાં જ નહિ નાક પર પણ ગુસ્સો દેખા દે ત્યારે બોલાય છે. ક્યાંક સાથે જીવાયેલું બાળપણ હોય તો ક્યાંક સાથે ઊછરેલી યુવાની હોય, ક્યારેક કરૂણતા એવી બને કે લોહીમાંસમાંથી સિંચાયેલો ટૂકડો પણ મોટો થઈને પાંખ ફેલાવે અને એ પાંખમાં સંસ્કારનું જોમ નહિ પણ સ્વાર્થના કાંટા જોડાયેલાં હોય ત્યારે પણ આ સંવાદ બોલાય છે.


કહેવાય છે લોહીનાં સંબંધ નિર્ધારિત હોય છે પણ લાગણીનાં સંબંધ આપણે જાતે પસંદ કરીએ છીએ..પરંતુ લાગે કે આ પસંદગી કે નાપસંદગી જેવો કોઈ ભાગ આપણાં જીવનમાં છે જ નહિ.. કર્તા બનવાની હોડમાં નીકળેલા આપણે, જાત પર એટલાં મુસ્તાક થઈ જઈએ છીએ કે આપણે કરેલાં કર્મોનો હિસાબ ચૂકતે કરવાનો હોય એ વાત સદંતર ભૂલી જઈએ છીએ.

મોટાભાગે આ સંવાદ સીધી લીટીના સંબંધમાં થાય છે.
આ સંબંધ પતિપત્નીનો હોય શકે, ભાઈ બહેનનો હોય શકે, ભાઈભાઈનો હોય શકે, માતાપુત્ર કે પિતા પુત્રનો હોય શકે કે પછી માતા પુત્રીનો પણ હોય શકે. બીજાં બધાં સંબંધો પણ આવું ને આટલું જ દુઃખ પહોંચાડી શકે પણ એની અસર લાંબો સમય રહી નહિ શકે જ્યારે લોહીનાં સંબંધમાં ઉણપ આવે છે તેની ચુભન એ દુભાયેલી વ્યક્તિના સમગ્ર અસ્તિત્વ પર અસર કરે છે.
આમાં લોહીનો સંબંધ ન હોવાં છતાં પતિપત્ની ને એટલાં માટે જોડવા પડે કારણ કે એ સંબંઘ જો સમજદાર હોય તો આવાં કેટલાંય સંબંધોને તૂટતાં બિખરતા બચાવી શકે. એ સમયને સુધારી શકે.

કેમ એક વખતનો ફૂલગુલાબી સમય જાણે કાંટા રહી ગયાં અને આંકડારૂપી ગુલાબ ખરી ગયાં જેવો અહેસાસ પળપળ આપે છે..? જાતે જોડાયેલો કેમ કોઈ સંબંધ સમયનાં બે કાંટાની જેમ સ્થિર નથી રહી શકતો ?
આ પ્રશ્નોના જવાબો આપણી આસપાસ અને આપણી અંદર જ મળી રહે છે.

સ્વસ્થ સંબંધ સ્વસ્થ જીવનનો પ્રયાય છે..આજના ટેન્શનવાળા યુગમાં કોઈ એક બે સંબંધ પર એટેંશન રાખીએ તો જીવન જીવવા જેવું તો જરૂર લાગે.

#hemal_maulesh

#હેમલ_ઉવાચ #writing

#હેમનુ_હલકું_ફૂલકું

પ્રતિભાવ..