“સત્યમેવ જયતે “


આમિર ખાનનો સત્યમેવ જયતેનો એપિસોડ જે વિકલાંગતાની સમસ્યાને ઉજાગર કરી ..એ જોતા ભલે એની અગંતતાને ધ્યાનમાં લઈને તેના પર માછ્લા ધોવાતા હોય પણ તેની આ કાર્યશક્તિ અને શૈલી માટે એટ્લુ જ અગંત માન થઈ જાય એવુ છે…..

મે પણ માનસિક વિકલાંગ વ્યક્તિઓ( જેમા બાળકોનો સમાવેશ પણ થાય છે) કામ કર્યુ છે..તેમની માનસિકતા તેમના ઉછેર પર જ આધારિત હોય છે કારણ કે જન્મજાત બુદ્ધિ લગભગ શુન્ય જ હોય છે…તેમને જેમ કેળવણી આપીએ તેમ તેમની સુઝ સમજ મુજબ કામ કરી શકે છે અને એક ને જે રીતે શિખવાડ્યુ હોય તો જરુરી નથી કે બીજુ બાળક પણ એજ રીતથી શિખશે..વિચાર કરો કે કેવડુ કામ..?

કેવી સમજથી ..ધીરજથી કામ લેવુ પડે અને આ કામ શીખવાડ્યા પછી પણ સમાજમાં સ્વીક્રુતિ નહિ જેવી મળે ત્યારે કોઇ નાસિપાસ ન થાય તો જ નવાઈ…

પરદેશમાં ફરવાનુ ઘણુ થયુ..ભલે હુ અંગત રીતે “ મેરા ભારત મહાન” માનુ છુ પણ ત્યાની ચોખ્ખાઈ,ટ્રાફિક સેન્સ, અને આવા ખાસ વ્યકિતોને માટેની વ્યવસ્થા ..પછી એ શોપિંગ મોલ હોય…રેલ્વે સ્ટેશન હોય..જાહેર જ્ગ્યા હોય કે પછી શૌચાલયો હોય….. વાત માટે બહારના દેશો જરુર ગમે છે.

         એક પ્રાઇવેટ રેડિયો  ચેનલ રેડિયો મીર્ચી પર સાંભળેલ જાહેરાત…..ન સાંભળી હોય તો જરુર સાંભળવી…..કે આટઆટ્લા લોકો આપણા દેશમાં વસે છે..કેટ્લા લોકો ને તમે જાહેર સ્થળોએ જોઇ શકો છો..? લગભગ નહિ..કારણ એમના પરિવારજનોની સ્થિતી….આઠ્મી અજાયબી હોય તેમ સતત તાકતી નજરો..લોકોનુ દયાભાવ કે ક્યારેક ધ્રુણાસ્પદ વર્તન …સુગભરી નજર.. આ બધુ એ નોર્મલ માણસને સહન કરવુ અઘરુ બને છે….    

આવી અઘરી સમસ્યાઓ સામે ઝઝુમતા પરિવાર જનો માટે એમને ઉછેરવાની જ મોટી જવાબદારી હોય છે કે બાકીની લડ્તનો સમય કયાંથી કાઢે..?

આ અસામાન્ય( હુ આ લોકોને અસામાન્ય કહુ છુ) લોકોમા ખુદદારીનુ પ્રમાણ..પ્રામણિકતાનુ પ્રમાણ..લગન ને મહેનતનુ પ્રમાણ..તેમનુ હાસ્ય ..સામાન્ય માણસો કરતા હજારો ગણુ હોય છે.જરુર છે તેમના પાસેથી આ શીખવાની…..તમે થોડોક જ ટેકો આપશો તો આજ લોકો આખો રસ્તો સર કરીને બતાવશે.

 

“મહાયાત્રા ” એક સ્ત્રી ની


જિંદગીને માણવાના દિવસો ક્યાં કહેવાય ? ખાસ કરીને એક સ્ત્રીના જીવનમાં..

યૌવનના ડગલે પગલા મંડાય અને શોધખોળ થવા લાગે એક જીવન સાથીની ..અને એમાં પણ પરિપૂર્ણતા લાવવાની જ કોશિશોમાં માબાપ અડધા પડધા થઇ જાય.. ઘર અને વર મળી જાય તો જાણે અડધો જંગ જીતી ગયા..પછી શરુ થાય સુખી લગ્નજીવન દિવસો. બધી સ્ત્રીઓની માફક નમ્રતાની જિંદગી પણ આમ જ શરુ થઇ હતી. ડાહી તથા સુશીલ યુવતિ. ઝડપથી બધાજ સાથે હળી મળી જાય તેવો મળતાવડો સ્વભાવ. તેનો વર પ્રયાગ પણ સારો, અને ખુબ ઉમદા વિચારો વાળો અને સમજદાર. બેનબા ને તો લીલાલહેર હતા અને બાકી હતું તો ભગવાને મજાનો દીકરો આપી દીધો અને જાણે બધુ સુખ બેઉ હાથમાં.

 

એક સવારે નમ્રતાને સહેજ ચકર જેવું લાગ્યું.”.થયું હશે..દીકરો ત્યારે ૪ વર્ષનો થઇ ગયો હતો..ઘર વર અને દીકરા પાછળ જાત ભૂલી ગઈ છું..ચાલો થોડું ધ્યાન રાખીશ” ..એમ મન ને મનાવી ફરી કામે વળગી ગઈ.બીજા દિવસે પણ એજ તબીયત. આ વાતની ખબર થતા તેના પતિદેવ પ્રયાગ તેને ડોક્ટર પાસે સીધો લઈ ગયો. સામાન્ય નિદાનમાં ચક્કરનુ કારણ ના પક્ડાતા ઘણા રીપોર્ટ કરાવ્યા…….આખરે નિદાન જાહેર થયુ કેંન્સર…..

 

રોગ સાથે તક્લીફોનો પણ દોર શરુ થઈ ગયો. એલોપથી,નેચરોપથી,આયુર્વેદિક. અને પ્રકાર પ્રકારની માનતા .. પણ પીડાનો અંત નહોતો આવતો.

હવે તો બધાની બસ એક જ પ્રાર્થના હતી કે નમ્રતાની પીડા ઓછી કેમ કરીને થાય. પરિવારની હવે તો બધાની બસ એક જ પ્રાર્થના હતી કે નમ્રતાની પીડા ઓછી કેમ કરીને થાય. પરિવારની એક્તા આવા સમયે જ કામ આવે છે.નમ્રતાને પણ પિયરમાં લાવવામાં આવી હતી..મમ્મી પપ્પા..ભાઇ ભાભી..એને દુઃખ ભુલાવામા થોડી રાહત આપવામાં કોઇ કસર ન છોડ્તા. બધાને ખ્યાલ આવી ગયો હતો કે હવે એની અનંત યાત્રા શરુ થવાનો સમય નજીકમાં જ છે. બધા આસ પાસ જ રહેતા ને નમ્રતા પણ ખુબ જ સ્વસ્થ હતી આટલી પીડામાં પણ હસતું કેમ રહેવું એજ એનો પ્રયાસ રહેતો.

              એક સવારે ૫ વાગ્યાથી તેની તબિયત લથડવા લાગી. અંત સમય ની વેળા આવી.ઓશોની વિચારધારા ધરાવતા પ્રયાગે નમ્રતાના મહાપ્રયાણની વેળાએ સ્વસ્થ રહીને તેનો હાથ પકડીને બેસી રહ્યો.આસપાસ બધા જ લોકો બેઠા પણ સ્મિત સાથે. ને પ્રયાગે બોલવાનું શરુ કર્યું..”નમ્રતા તું શાંતિથી…… ના દીકરાની ફિકર કરીશ, ના મારી, આપનો સાથ આટલો જ રહ્યો એને હું અધુરો નહી મધુરો માનું છું . જિંદગીભર નું સુખદ સપનું જ નહી પણ સાકાર થયેલું સપનું. એના શિરપાવ રૂપે તને રડતા કકળતા વિદાય કેમ આપું? તે મારા જીવન ને ભરી દીધું. ! “અને માથે હાથ ફેરવતા બોલતો રહ્યો ..જા અને આ પીડામાંથી મુક્ત થા એ દુનિયામાં મારી રાહ જોજે. આવતા જન્મે આપણે મળીશું અને આ પ્રેમને આગળ ધપાવશુ. ના રોક્કળ ..ન કોઈ ડુંસકાઓ પરંતુ હાસ્ય અને પ્રેમના શબ્દો વચે નમ્રતા અંતિમ પળો ને માણતી રહી. પ્રયાગના હાથની હુંફ અને માથા પર ફરતા એના સ્પર્શને માણતી સ્મિત સાથે એની આંખોને વરસાવતી રહી. અને એ હસતા આંસુ અટકી પડ્યા,મોત તેની ભાષા સમજાવી ગયું અને એને સ્મિત સાથે આવકારી ને નમ્રતા મહાયાત્રાની તરફ……… હેમલ દવે ૯/૬/૧૧

“જીન્સનું પર્સ “


આ વાત છે 1997 ની સાલની..મારી નાની સવા મહિનાની ઢીંગલીને લઈને હું અને મારા સાસુ સસરા અને મારી મોટી દીકરી ઉજ્જૈન જવા નીકળ્યા..કારણ મારા પતિદેવનુ પોસ્ટીંગ ઉજ્જેન હતુ. મે મહિનો યાને કાળઝાળ ગરમીની મૌસમ. બપોરે ૨ વાગ્યે ઉપડતી ટ્રૈન બીજા દિવસે સવારે ૪ વાગ્યે ત્યાં પહોચાડે. આખી સફર દરમ્યાન મારા ચિંતાળુ પપ્પાજીએ સામાનનું ધ્યાન રાખ્યા કર્યું. સવારે ૪ વાગ્યે મારા પતિદેવ અમને તેડવા આવ્યા હતા..તેમની સાથે ઓટો રીક્ષામાં અમે ઘરે પહોંચ્યા. રીક્ષામાં પણ મારા સસરા સામાન ગણતા રહ્યા, કારણ કે ૨ દીકરીઓ સાથેનો સામાન પણ થોડો વધારે હતો. ઘરે પહોંચ્યા…. ..વાતો કરતા કરતા અમને ૭ વાગ્યે ખબર પડી કે મારું જિન્સનુ પર્સ તો છે જ નહિ. માર્યા ઠાર..કારણ કે એમાં જ ‘બધું’ હતું. પછી શું બિચારા મારા મમ્મી પપ્પા અફસોસ કરવા લાગ્યા કે અમે સાથે હતા તો પણ આમ કેમ થયું?…હું અને મારા વરજી દોડ્યા રેલ્વે સ્ટેશને ..કારણકે રીક્ષામાં બેઠા ત્યાં સુધી તો એ હતું જ. ત્યાં ગયા કેટલાય રિક્ષાવાળાને પૂછ્યું. વળી, સવારે ૪ વાગ્યે એવું આપણુ પણ કેમ ધ્યાન રહે કે રીક્ષાવાળો કેવો દેખાતો હતો. 

એક જ વાત અમારે માટે સારી હતી કે ત્યાં જેટલી રીક્ષા બહાર તી તેની નોંધ કરાવી પડતી હતી.અને અમે ભૂલ પણ કરી કે આ નોંધ પેલા એ કરી છે કે નહિ? તે ચેક પણ ન કર્યું. હવે શું? પોલીસમાં ફરીયાદ કરીએ. અને અમે બંને ત્યાં ગયા .. પોલીસને જયારે જાણ કરી એટલે તુરત જ પોલીસકર્મી રીક્ષાવાળાને બોલાવી પૂછપરછ કરવા લાગ્યા. હું અને મારા પતિદેવ ત્યાં ઉભા જ હતા. એવામાં, નાનકડી તૂટેલી બારીમાંથી મારું ધ્યાન એક માણસ પર પડ્યું કે જેને ડાબા કાનમાં બુટ્ટી પહેરી હતી. તેને જોતા જ હું બોલી ઉઠી આ એજ માણસ છે ?.”..પણ મનમાં એમ થયુ કે કોઈ પર પર આમ આરોપ કેમ મૂકી દેવો? પણ પોલીસકર્મી બાહોશ સાથે સજ્જન હતા કે તેને કહ્યુ કે આપણે તેને બોલાવીને પુછીજ લઈએ. એમાં તમે કઈ જ ખોટું નથી કરતા. અને એ માણસ પેપર લઈને આવતો હતો તેવામાં તેને બોલાવ્યો અને પૂછ્યું તો તે કહે આ રહી મારી રીક્ષા, જોઈ લો, આટલુ સાંભળતા જ અમે છેક રીક્ષા સુધી દોડ્યા. જોયુ તેના ચોળાયેલ યુનિફોર્મ નીચે મારું પર્સ પડયુ હતું. તે લઈને પોલીસ સમક્ષ ચેક કર્યું. એ રીક્ષાવાળો એક જ મુદ્રામાં જ ઉભો હતો ને ઉભો રહ્યો . તેમાં રોકડા ૧૮૦૦૦ રૂપિયા અને સાતેક તોલા ના દાગીના બીજું નાનું મોટું એ અલગ. મને હાશ વળી અને મારા પતિએ ખુશી રૂપે એમના ખિસ્સામાં જે ૫૦૦ રૂપિયા હતા તે પેલા રીક્ષાવાળાને આપી દીધા. હકીકત જુઓ તો તેને અમને ઘરે ઉતારયા બાદ બીજી એક બે સવારી મળી એ અમારા નસીબ હતા કે પેલા રીક્ષાવાળાના????? જેને ૫૦૦ રૂની બક્ષિસ મળવાની લખાયેલ હશે !!!!!! અચરજ સાથે પ્રશ્ન અનુતર રહ્યો કે એ પર્સ માં શું છે એ જોવાનો ટાઈમ જ તેને ન મળ્યો?! કદાચ એમ પણ બને કે તેને થયું હશે કે આ જીન્સના પર્સમાં હોય પણ શું? કદાચ……, જે હોય તે અમે હસતા હસતા પાછા વળ્યા. પેલા ૫૦૦ રૂપિયા તેને આપ્યા જ કેમ? મારા પતિને મારી આ ફરીયાદ રહી અને હાં, આજે પણ …..

—-હેમલ દવે

૦૬-૦૬-૨૦૧૧

 

“ટુકડાભેર આકાશ “


બારીનું પોતીકું ફક્ત ટુકડાભર આકાશ

ત્યાથી છલકાતી જતી કેટકેટલીએ આશ

 

ઉમટતો ક્યાક ક્યારેક પંખીઓનો કલશોર

છવાતા એ ટુકડામાં પણ વાદળો ઘનઘોર

 

નરી આંખે દેખાતું ખુલ્લુ સાફસૂથરું આંગણું

થતી ઝાંખી નજર સાથે અટકી રહેતું તાતણું

 

ક્યારેક આવતી મીઠી હવાની સમુદ્રી લહેરો

ના રહેતો મારો ત્યારે મારી યાદો પર પહેરો

 

ખૂલી જતો ભૂતકાળની યાદોનો મસ્ત પટારો

બારી કહે ટુકડામાં સમાયો હવે તારો જન્મારો

 

hemal dave

“મારી નાદાની “


ગયા મંગળવારની વાત છે .હમેશની મુજબ મારી એનાઉન્સરની ફરજ બજાવવા સવારના સાડાપાંચે નીકળી …એક ખૂબ ભીડ વાળા ચાર રસ્તે(રાજકોટનું રૈયા સર્કલ) જ્યાં હંમેશા ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી થતી હતી ત્યાં મસ્ત મજાની ટ્રાફિક લાઇટ જોઈ હું તો ખુશ ખુશ થઈ ગઈ કે હાશ હવે ટ્રાફિક થી બચવા શેરી ગલીઑમાં થઈને જવું નહીં પડે.
હરખાતી હરખાતી હું તો મારી કાર લઈને સાંજે પાછી એજ રસ્તે ગઈ કે આજે તો આજુબાજુ એલર્ટ રહ્યા વગર પણ બિન્દાસ ગાડી ચલાવી શકાશે… દૂર થી જોયું તું કેટલાય ટ્રાફિક ઈન્સ્પેકટરો(?) હતા.હજુ હું એ ચાર રસ્તે પહોચું ત્યાં જ લાલ લાઇટ જબુકી અને આપણે બંદા ઊભા રહી ગયા હો ..ટ્રાફિક ના નિયમો નું પાલન તો કરવું જોઇયે ને …!
થોડી વાર થઈ ત્યાતો મારી આજુબાજુ વાળા બિન્દાસ્ત જવા લાગ્યા લાલ લાઇટ જોઈને પણ ….મને નવાઈ લાગી હું તો આજુબાજુ જોતી રહી ..સિટીઓ સાંભળતી રહી કે કેવા સેન્સ વગરના લોકો છે પેલા સિટી મારે છે તો પણ રોકાતા નથી ..અને હું કેવી સમજદાર નાગરિક છું કે નિયમોનું પાલન કરું છું …ત્યાં તો સામેથી એ સિટી વાળા ભાઈ હાથ હલાવી ને કઈક કહેતા હતા તો હું પણ પાછળ જોવા લાગી કે આટલું કોણ નાદાન છે કે સાંભળતું જ નથી …અંતે “લાલ લાઇટ “ નો ટાઈમ પૂરો થતાં મે પણ મારી રૂપકડી ( i-20 નું નામ પાડ્યું છે હો )ને ચાલુ કરી આગળ ગઇ તો મને રોકી ..મને થયું કે ચાલો બે વેણ સારા બોલશે કે આટલા બધામાં તમે જ લાલ લાઇટ ચાલુ હતી તો પણ ન આવ્યા …………………
પણ રે કિસ્મત મને જોઈ કહે કે મેડમ ગાડી બંધ પડી ગઈ હતી કે શું ? નવા નવા ચલાવતા હોય તો એકલા ન નીકળાય આવા ભરચક રોડ પરથી …………………………………..અને ત્યારે મારુ મોઢું તો મે કારના મીરર માં ના જોયું નહિતર એનું પણ વર્ણન કરી શકત ..મે કહ્યું કે ભાઈ ( સર તો કેમ કહેવાય ) મારુ લાઇસન્સ મે હમણાં જ રિન્યૂ કરાવ્યુ …
અને સામે પ્રતીભાવની પણ રાહ જોયા વગર મારી મૂકી કાર …..મારી મૂક્યું મગજ અને આગળ જઈને છૂટું મૂક્યું મારુ અટ્ટહાસ્ય……………!

હેમલ દવે 
21/7/2012

 —

“સન્યાસ “


જુલાઇ 1989 ની વાત છે ….પૂર્વ ભૂમિકા બાંધવા થોડું ફ્લેશબૅક ..મારા પપ્પા 1969થી મારા જન્મ પહેલાથી ઓશોના સન્યાસી રહ્યા છે ..તેમના પ્રવચનો તેમની વાણી તેમની શિબિર ઘરમાં થતી રોજ ધ્યાનની ક્રિયાઓ ..રોજનો પ્રાણાયામ આ મારા થતાં ઉછેરનો ભાગ બની રહ્યું હતું…..જાણે અજાણે મારા વ્યક્તિત્વનો પણ …માધવપુર આશ્રમ માં થતી બાળશિબિરો ક્યારેય ચૂકાતી નહીં અને આવી જ રીતે જ્યારે એક વખત બધા સન્યાસી મિત્રો સાથે પૂના આશ્રમમાં જવાનું થયું …અમારામાં ના ઘણા બધા ત્યારે ત્યાં સન્યાસ લેવાના હતા ….હું આટલા વખતથી જોડાયેલી રહી ઓશો સાથે પણ મને ક્યારેય સન્યાસ લેવાના ભાવ કે કોડ ન જાગ્યા અને ત્યાં જઈને શું થયું કે બસ મારે સન્યાસ લેવો જ છે તેની માટેના જરૂરી ડોક્યુમેંટ્સ પણ નહીં …ફોટા પણ નહીં છ્તા ય ભાવ એટલો જબરદસ્ત કે બધુ પાર પડી ગયું …

                       19 જુલાઇ ના રોજ સવારથી આ સન્યાસની પ્રક્રિયા સ્ટાર્ટ થી બુધ્ધા હૉલમાં (ઓશો ત્યારે મૌનમાં હતા )અને સાથે મારા ભાવજગતમાં હલચલની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી …..જ્યારે મારો વારો આવ્યો અને શક્તિપાત માં જરીનના હાથે લીધા પછી આપણે બંદા ચાલ્યા ધ્યાનની દુનિયામાં ..એ દરમ્યાન હું સતત આંસુઓ વહાવતી રહી ( આ મારી સાથે આવેલા લોકોની વાતો પર થી કહું છું ) અને ઘણું બધુ લગભગ 3 કલાક ચાલ્યું એને આગલે વર્ષે જ કોઈ રશિયન સન્યાસીનું આવીજ રીતે ધ્યાનમાં જતાં રહીને હ્રદય બંધ પડી ગયેલું આવું કઈક સાંભળીને મારી સાથે આવેલા મારા પપ્પાના મિત્રો આંટી બધા ગભરાયા ( જી હા મારા પેરેન્ટ્સ મારી સાથે ન હતા ) કે કઈક થઈ જશે તો ? અને મને મેડિકલ સેન્ટર પર લઈ જવામાં આવી અને ભાનમાં લાવવામાં આવી ..સાથે ઓશો કે જે આ સન્યાસ પ્રક્રિયા તેમના રૂમમાં બેસી ને જોતાં હતા તેમણે મને ગુલાબનું ફૂલ મોકલાવ્યું અને લખી ને આપ્યું કે ઇસ કા નામ મૈંને માં અંતર યાત્રી ઇસી લિયે લીખા હે ત્યાર પછી મને ક્યારેય એકલા ધ્યાન કરવાની અને અમુક ધ્યાન ન કરવાની ત્યાંથી  જ સલાહ આપવામાં આવી …..નાનપણથી ધ્યાન કરતી હોવા છતા ય આ અનુભવને ન મારા થી વાચા અપાય છે ના શબ્દોથી લખી શકાય છે …….આ અંગત લાગણી હજુ પણ અકબંધ છે ….

 

 

” ? “


                                             આજે સવારે મારી ટેણકી સ્કૂલે જવાની ઉતાવળમાં ટિફિન ઘેર ભૂલીને ગઈ ….એના ડેડી દેવા ગયા તો સિક્યોરિટીવાળા કહે કે રિસેસના ટાઈમે જ આવશો અમને પરવાનગી નથી આપવામાં આવી કે આવી રીતે ટિફિન લઈએ મારા ઇ કહે આ ભગવાનની મુર્તિ રાખીને પુજા કરો છો (મધર મેરીની મુર્તિ, જેમાં બાળક ગોદમાં છે ) અને કોઈ એક બાળક ભૂખ્યું રહે એની સામે કઈ જ નહીં …!!!  કેવો નિયમ છે પણ આ સિવાય બીજું કોઈ શું કરી શકે પાછા ઘેર આવ્યા ..ધક્કો થયો પાછી હું ગઈ તો હજુ વાર હોવાથી પાછા મને કહે હજુ બધા બાળકો બહાર આવે પછી જ આવશો ..મે કહ્યું ઓકે ..મને ખબર હતી મારી દિકરી સામેના જ મ્યુજિક રૂમમાં ટીચર સાથે ઓડિશન લેતી હશે …ક્લાસમાં નહીં જ હોય પણ મને પણ નિયમ વિરુદ્ધ જવું ન ગમે તેથી કઈ બોલ્યા વગર ટાઈમ પાસ કરવા નજીકના મંદિરમાં ગઈ ..પાણીની તંગીમાં ડોલૉની ડોલો મહાદેવજી પર નખાતી  હતી  ભગવાન સામે ધરાતા પ્રસાદો ત્યાજ છોડાતા હતા અને બહાર બેઠેલા ભિખારી બાળકો માંગે તો ”હટ” ,’જા અહીથી” એવા શબ્દો બોલાતા હતા ને સવાર સવારમાં બનેલા આ બે બનાવે મને કેટલુય વિચારતી કરી મૂકી

                                                હું નાસ્તિક નથી પણ મને મંદિરે જવા જેટલી આસક્તિ પણ નથી જ્યાં ફૂલો કચડાતા હોય ..દૂધની રેલમછેલ થતી હોય …ગંદકી ત્યાં સામ્રાજય કરીને બિરાજતી હોય આવા મંદિરમાં જવું મારા માટે એક પડકાર હોય છે ..મંદિરનું આગવું મહત્વ હું ખૂબ સમજુ છું ઇસ્કોન મંદિર ,બિરલા મંદિર ,રામકૃષ્ણ આશ્રમ એવા ઘણા બધા મંદિરો જ્યાં શાંતિ અને સુઘડતા સાથે મલતી હોય ..મને એટ્લે જ જવું ગમે છે કે ત્યાં ભગવાન પર જુલમ નથી થતો…અને ચોખ્ખાઈ તમને ત્યાં  બેસવા મજબૂર કરે છે .આ બધુ જ નજરે જોયા પછી ખટકે છે સુધારાની શકયતા પણ નહિવત છે …આંખ આડા કાન કરીને જીવવાનું કે શું? આ પ્રશ્ન તમને પણ રસ્તે અટવાય છે ખરો..?

“કુરુક્ષેત્ર “


લે તખ્તને તાજ લઈ લે

રાજ પાટના ભાર લઈ લે

અંધારે ઉઠે ચીખો દર્દનાક

ભાથે ભરેલા બાણ લઈ લે

લોહીની નદી તાણે, વ્હાલાના માંસને

ગીધડા ફોલે ,મારા દવલાની આંખને

ટકરાયો  રસ્તે હાથ ,માથે જે ફરતો

છૂટ્યા મોહના ગાડા મ્હારા રે હવે

રહ્યું સહયું આ ભાન લઈ લે

લે તખ્તના તાજ લઈ લે

 

ક્યાંક હણાયો પ્રિય ઘોડો કે હાથી

કે પછી અસવાર કે મહાવત

કે ક્યાંક હણાયો મારા વીર્યે બાંધેલો  દેહનો ટુકડો

ડૂસકાં  હ્રદયે ભરાણા થાય ફાટફાટ હવે

વીરગતિથી ફારગતી લઈ લે

રહ્યું સહયું આ ભાન લઈ લે

લે તખ્તના તાજ લઈ લે 

 

ક્યાંક દૂર થતો ધર્મનો ઉલ્લેખ

બનશે કોણ જાણે કેવો શિલાલેખ

લેખ બધાના સાથે રોળાયા

દેવ દુશ્મનના લોહી રેલાયા

પહેલા નદી પછી સાગર

પછી ઠેર ઠેર ફેલાયા

કાંપતી જિહવા ને પછી કાંપતી ધરા

અને પછી આંખે નીર વહાવ્યા

કોરા હ્રદયના ભાર લઈ લે

રહ્યું સહયું આ ભાન લઈ લે

લે તખ્તને તાજ લઈ લે 

“કાટ”


કલમને લાગ્યો કાટ બાલમા

લાગણી વાળે દાટ બાલમા

ઊભી રહીને  ભિજાવું રસ્તે

ભાવો જુવે ત્યાં વાટ બાલમા

મનડુ મુંજાય કરતું  ધખારા

કોણ સમજે સીધું સાટ બાલમા

દઈને બેઠા એને દિલના દાન

હવે કહેતું’કે  પડો પાટ બાલમા

કેમ રે કરવું ને કેમ રહેવું મારે

વાંછું પ્રેમની એક છાંટ બાલમા

હેમલ દવે

“શોધ “


જીવન જ્યારે અંધકાર બને છે..ત્યારે એ અંધકારને આપણી આસપાસ વહેચવો જરુરી બને ખરા..? અને કદા્ચ ગમે તેટ્લી હોશિયારી મારીયે સામેવાળા પણ ગાફિલ હોય છે ખરા..? અમુકતમુક રોષ આપણા જીવનમા જાણ બહાર વણાતા જાય છે અને ક્યારેક અંદરોંદર ખદબદતો શાંત લાવા જ્વાળામુખી થઇને બહાર આવે ત્યારે એની પાસે જવા કેમ કોઇ તૈયાર નથી હોતુ..? અને આવા જ એનર્જી ભર્યા જગતમા એ નેગેટીવ એનર્જી થઈને ફેલાયા કરે છે….એ ઉકળતો લાવા તેના એ “અમીછાંટણા” મુકતો જાય છે અને એ ભુતકાળના ભવ્ય ખડ્કો સર્જાયા જ કરે છે..અને તેમા લીલોતરીની આશા રાખવી નકામી બને છે….સાચુ કે જીવનમાં મનચાહ્યુ કઇ જ નથી મળતુ એથી શુ એની પા્છળની દોટ કોઇ છોડી શક્યુ છે..! એનાથી પર રહીને કોઇ એ પાર જઈ શક્યુ છે..?
અમુક બંધારણમાં જીવ્યા પછી તો વિચારો પણ એ જ આચારવાળા “અચાર” જેવા ખાટા થઇ ગયા હોય છે..અને ત્યારે નવપલ્લ્વની આશા રાખી શકાય છે ખરી..? વરસતા વાદળાને જોઇને પણ તરસતી રહેતી તરસને શુ કહેવુ?
સાચુ કે હોય છે બધા સવાલોના જવાબો ..પણ એવી જવાબદાર વ્યક્તિ હોય છે ખરા..?અને કદાચ હોય પણ ખરા તો અણીના ટાકણે એ મળી રહે છે ખરા..?