‘યાદે’


                                  મિલના બીછડના ખેલ હૈ દુનિયા કા ……હજુ બે વર્ષ પહેલા જ જર્નાલિઝ્મમાં પા પા પગલી કરી હતી અને આજે તો ચાલતા પણ આવડી ગયું .! ક્યાં આ સમય ગયો ખબર ન રહી . ઘરનું કામ અને બહારનાં કામ સાથે ભણવાનું કામ માથે લેતા તો લઈ લીધું પણ નિયમિત કોલેજ જવું સમયસર પહોંચવું એ મારા માટે ક્યારેક  એક કસોટી જેવુ બનીને રહેતું . ને ત્યાં જઈને પણ ડાહ્યા ડમરા સ્ટુડન્ટની જેમ જુદી જુદી ફેકલ્ટી જે ભણાવે એ ભણવું ..અમુક વખતે  તો મારા અધૂરા જ્ઞાનનાં પૂરા દરવાજા બંધ કરી દઈને ભણવું ..શરૂઆતમાં થોડું અઘરું રહ્યું પણ પછી એક સારી અભિનેત્રીની જેમ મારા વિદ્યાર્થીનાં પાત્રમાં ઓતપ્રોત રહી . ત્યાં સુધી કે એન્કર કે ડ્રામામાં સ્ટેજ પર બિન્દાસ બોલતી હું , મારા ક્લાસની સામે બોલવામાં ફાંફા પડતાં હતા . પહેલા દિવસે બધાને જોઈને હું કેમ સેટ થઈ શકીશ ? એ પ્રશ્ન હવામાં ક્યારે ઊડી ગયો એ ખબર જ ન રહી .ને બપોરે કોલેજ જવાનું એક વ્યસન થઈ ગયું જાણે .. એ ક્લાસનાં મારા સહાધ્યાયીઑની થતી ચડતી જોઈને ખરેખર મનમાં આનંદ થયો છે . એમાં બે ત્રણ જણા ખૂબ આગળ નામ કાઢશે એવી અંતરની પ્રાર્થના અને વિશ્વાસ છે . અમુક બનેલા નાનકડા બનાવે વાસ્તવિકતાનું ભાન કરાવ્યુ .જ્ઞાન કેટલું પણ હોય પરંતુ માણસનું મન કેવું છે એના પર એ આધાર રાખે છે કે એ જ્ઞાન કામમાં આવશે કે નહીં !

 

 

       આ બે વર્ષ દરમિયાન ઘણા લોકો મળ્યા .મને હમેંશા માણસોને મળીને આનંદ જ આવે છે , ને એનામાં રહેલી સારપને જ યાદ રાખી શકું છું એ બદલ  હું કુદરતની આભારી છું . મારા અમુક  લેક્ચરરોએ ખૂબ ઊંડી છાપ છોડી છે પણ એ એક જ આંગળીનાં વેઢે ગણાય એટલા છે એટ્લે બાકીનાની નારાજગી વહોરવા જેવી મૂર્ખામી હું નહીં કરું . J

        જ્યારે ભણતી હતી ત્યારે હમેંશા બે કે ત્રણ માર્ક માટે રહી જઈને બીજો જ નંબર મળ્યો છે અને એ વાતનો થોડો રંજ રહ્યો હશે એ રંજની રજેરજ ઉડાડવા માટે જ જાણે પહેલા જ સેમેસ્ટરમાં પહેલો નંબર આવ્યો એ મારા માટે ખુશીની ક્ષણો હતી ..ત્યારપછી હું બિલકુલ આદર્શ સ્ટુડન્ટ થઈને મારા ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓએની સાથે રહેવા માટેના પ્રયત્નો રહયા …જે મને એક બે કે ત્રણ પાયરી નીચે ઉતારી પણ અંગત રીતે મારામાં રહેલી સારપને ખૂબ ઊંચે પહોંચાડી છે . કેમ  અને કેવી રીતે એનો ખુલાસો નહીં કરું .

       મારા સિનીયર સ્ટુડન્ટ્સ અને જુનિયર સ્ટુડન્ટ્સ ..આજની જનરેશન ..તેમને રિસેસમાં જોવા એ આનંદદાયક બની રહેતું  . ઘણા માત્ર મોજમજા કરવા આવે તો ઘણા અહી આવીને લાઈફનાં કાટખૂણા વાળા  ગોલને ગોળ કરવામાં માને છે . પણ એક વાત નક્કી નવી જનરેશનને અત્યારની  જિંદગી કેમ જીવવી એ ખબર પડે છે પણ આગળની જિંદગીમાં શું કરવું એની જાણ નથી થતી કે પછી એના પ્રયત્નો દેખાતા નથી એ એક પ્રશ્ન છે .

       18 વર્ષે જોયેલા સપનાને પૂરા કરવામાં બીજા 3 દાયકા નીકળી ગયા પણ પૂરું તો થયું જ . એ માટે હું મારા ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ એવા મારા પતિદેવનો આભાર માનવાની તક ચુકીશ નહીં જ્યારે મારી બન્ને દીકરીઓએ મને કોલેજની ફી ભરી આવવાથી માંડીને એસાઇંમેંટનાં કવર ચડાવી દેવા સુધીના કામ કર્યા છે . ને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ  મને આ કોર્સમાં જોઇન કરવાની પ્રેરણા આપનાર નાનકડા મિત્ર ભવ્ય અને આદરણીય યશવંત સરનો ખૂબ આભાર . જ્યારે જ્યારે બે ત્રણ વખત પણ કોર્સ છોડવાના વિચાર આવ્યા છે ત્યારે સર બહુ સાહજિકતાથી સમજાવી છે .હજુ એ શબ્દ યાદ છે “ થઈ જશે મેડમ ચિંતા ન કરો “

યસ સર ફાઇનલી હવે ચિંતા ગઈ છે .

સાથે ડિપાર્ટમેંટ હેડ નીતા મેડમ , તુષાર સર અને રાજુભાઇ તથા આરતીબેનને કેમ ભૂલાય ! બધા પાસેથી કૈંક ને કૈંક શીખવાનું મળે છે જો આપણામાં લેવાની આદત હોય તો . એક  આડવાત વાત કહીશ કે ,આવા કોર્ષમાં ભણતરનો  બહુ ભાર  આપવાને બદલે જો ગણતરને ધ્યાનમાં લેવામાં આવે  એટ્લે કે પ્રેક્ટિકલ પર વધારે ધ્યાન દેવામાં આવે તો ખૂબ સારા પત્રકાર બનવાની શકયતાઑ વધી જાય છે ..તે ઉપરાંત જ્વલંતભાઈ છાયા જેવા વિષય નિષ્ણાત પાસેથી અઢળક જ્ઞાન ને માહિતી મેળવી શકાય કે જેની કોઈ પુસ્તકોમાં નોંધ નથી હોતી .

 

‘ ફેરવેલ ‘ આ શબ્દ મને ગમતો નથી ..એક વખત તમે કોઈના ટચમાં આવ્યા પછી ભૂલવું એ અશક્ય છે ..હા એની યાદને કેમ સાચવવી એ એક અંગત બાબત છે . છતાં હું સદનસીબ છું કે , મારા કોલેજકાળમાં મે ક્યારેય આવી ‘ફેરવેલ પાર્ટી ‘ અનુભવ નહોતો કર્યો .ક્યારેય આવી રીતે કોલેજ મસ્તીનો અનુભવ નહોતો કર્યો .એ મેળવવા હું સદ્દ્ભાગી બની છું ..મારી ઉંમરની સ્ત્રીઓ જ્યારે કેટલાય દુખાવાથી પીડાતી રહીને, કુટુંબની જવાબદારી કે તેના પ્રશ્નોમાં ઉલઝીને પોતાની જાતને સંભાળવાને બદલે જાતને ઉલઝાવી પોતાની જિંદગી પસાર કરે છે ત્યારે હું મારા બધા જ નાનકડા મિત્રોની સાથે આ બે વર્ષ ભણીને, ભણતરનાં  ભવસાગર તરવામાં અવલ્લ આવી છું . એનો મને આનંદ પણ છે અને ગૌરવ પણ .

‘ભગો’


  થોડા વખત પહેલા મારી ખાસ બહેનપણીના ઘેર જવાનું હતું પણ  એ પહેલા બજારના બે ચાર કામ માટે મારા પતિદેવની બેન્ક નજીક હોવાથી , બેન્કની  સામે  એક્ટિવા પાર્ક કર્યું હતું .

                    મારૂ કામ પૂરું થયું એટ્લે આપણે તો બંદા એક્ટિવા લઈને ત્યાંથી સીધા મારી ફ્રેન્ડના ઘેર . સાંજનો સમય હતો ને અંધારું થઈ રહ્યું હતું . ઘણો સમય બેઠા પછી બહાર આવીને એક્ટિવા પાસે જઈને ચાવી લગાવી તો લાગે જ નહીં ને પછી ધ્યાન ગયું કે આ મારૂ એક્ટિવા જ નથી  ….ઘર સામે જ શોપિંગ અને ફૂડની શોપ હોવાથી નક્કી કોઈ લઈ ગયું હશે એમ માનીને થોડી ચિંતા થઈ ..પતિદેવને ફોન  કર્યો ..

      મીનવાઇલ મારી ફ્રેન્ડના હસબન્ડ તેમની પાસે રહેલા એક્ટિવાની ચાવીઓ લઈ આવ્યા અને ડિકી ખોલીને જોયું તો ખરીદેલા ડ્રેસની શોપિંગ બેગ્સ અને થોડું ફંફોસતા આઈ ડી કાર્ડ મળ્યું ..એમાં ફોન નંબર હતા , સામેથી ફોન કરીને કહ્યું કે , તમે ભૂલથી મારૂ એક્ટિવા લઈ ગયા છો ………ને મજાની વાત હવે જ આવે છે ……એમને મને કહ્યું બેન , હું તમારું નહીં પણ તમે મારૂ એક્ટિવા લઈ ગયા છો …બે કલાકથી અમે એ જ જગ્યા એ બેઠા છીએ …આવો અને અમારું એક્ટિવા લાવો . ….. ટીપીકલી કાઠિયાવાડી ભાષામાં મજાનું ‘ભાષણ’ સાંભળ્યુ….જે ભાઈ રાહ જોતાં હતા એમને ફોન કર્યો કે અમે તમારું એક્ટિવા લઈને આવીએ છીએ …….!

                        એમના ભાષણ સામે મારી શિષ્ટ ભાષા અને માફી માગવાની રીત કામ લાગી ગઈ ……પાછું દેવા ગયા ત્યાં સુધીમાં એ ભાઈનું મગજ શાંત થઈ ગયું હતું ……ને હસીને સૌ સૌનું અસલી વાહન તેમાં રહેલો સામાન ચેક કરીને  છૂટા પડ્યા …….એમના એક્ટિવામાં ખરીદેલ વસ્તુ કરતાં મારા એક્ટિવામાં રહેલું મારી દીકરીનું જેકેટ વધારે કિંમતી હતું …

         હા, એ મારૂ નહીં મારી દીકરીનું એક્ટિવા હતું જે જવલ્લે જ મારા હાથમાં આવે …… આપણે ચલાવતા હોઈએ એ વાહન હાથમાં આવે ત્યાં ખબર પડી જાય ……પણ આ તો મારા હાથમાં આવતું જ નહોતું એટ્લે મને એના કે મારા એક્ટિવાનો ભેદ સમજાયો જ નહીં …….! બસ ……..આમ જ  તે દિવસે શિયાળાની સાંજે મોટો ‘ભગો’ વાળ્યો હતો . J

 

‘પ્રથમ અધ્યાય ‘


 

જીવનનો પ્રથમ અધ્યાય એટ્લે મા ની કોખમાં આપણું રોપાવું ..ધીમે ધીમે એ બીજનું ઉછેરવું …કોખમાં મળતા જીવનના એ પ્રથમ અનુભવો ,જેને આપણે જન્મજાત સંસ્કાર કહીયે છીએ ..અને આપણાં એ સંસ્કાર ડગલે ને પગલે કામમાં આવતા હોય છે પરંતુ કદાચ આપણે એનાથી અજાણ રહીને જીવ્યે જઇયે છીએ.

આજે વાત જ્યારે શિક્ષણના પાયાની ..શિક્ષણના પ્રથમ અનુભવની થાય છે ત્યારે  એ એકડો તો મા ના  ગર્ભમાંથી ઘૂંટાતો હોય છે એવું હું માનું છું ..હા એને શબ્દદેહ જ્યારે એ દેહ ની ઉમર થાય ત્યારે થાય છે.

શિક્ષક માતા-પિતાનું હું પ્રથમ સંતાન એટ્લે શિક્ષણની પરિભાષા કદાચ સાથે જ જન્મી હોય શકે એમ પહેલો એકડો મે 3 વર્ષની ઉમરે જ ઘૂંટયો અને મારા માતા પિતાના કહેવા મુજબ એ પણ મેળે મેળે જ ઘૂંટયો હતો અને પછી મંડાણ થયા શિક્ષાની પગદંડી ઉપર. ભણવાની મારી ચાનકને જોઈને મારા પપ્પા જે હમેંશા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપતા હતા તેમની સાથે બેસાડતા.

એ સમયે હોશિયાર વિદ્યાર્થી હોય તો બે ધોરણની સાથે પરીક્ષા આપી સીધા ત્રીજા ધોરણમાં જઈ શકાતું અને આમ મે 6 વર્ષની વયે પહેલા ધોરણની પરીક્ષા આપી અને બીજું તથા ત્રીજું ધોરણ સાથે કરી 7 વર્ષે તો હું ચોથા ધોરણમાં હતી..આમ નાની ઉમરે આગળના ધોરણમાં ભણતી હતી .

મારો પ્રથમ દિવસ મને યાદ છે ત્યાં સુધી બહુ જ આનંદદાયક રહ્યો અને માતા પિતા બંનેની સાથે જ મારો સ્કૂલ પ્રવેશ મજાનો રહ્યો ..ઉમરથી વધારે ધોરણમાં હોવાથી મિત્રો મને ભણવાના અંત સુધી મોટા જ લાગ્યા એ એક જુદો વિષય છે.

મારા પ્રથમ શિક્ષક બેશક મારા પપ્પા જ રહ્યા પણ સ્કૂલ પ્રવેશ નહોતો થયો ત્યારે પણ મને રમણીકસાહેબ ભણાવા આવતા અને એમની સાથેના મારા સંસ્મરણો બહુ મજાનાં રહયા. ભણતર મોજ સાથે પણ ભણી શકાય એ ખોજ તો મને સમજણી થઇ ત્યારે ખબર પડી. એમની ભણવાની શૈલી નિરાળી હતી અને મારી ઉંમર અને મૂડ બંને પારખીને ભણાવતા ત્યાં સુધી કે એક નું એક ભણવાનો મને કંટાળો આવે તો એ દિવસે વાર્તા સંભળાવતા અથવા સારું વાંચન કરાવતા. મારી યાદ શક્તિ સતેજ હોવાથી મારા આ બધા જ નખરાં ચલાવાતા એટ્લે જ કહું છુ કે મોજ સાથેનું ભણતર મારા માટે શ્રેષ્ઠ રહ્યું અને સ્કૂલના ટીચરની વાત કરું તો એમની સાથે પણ ખૂબ જ ભાવપૂર્વકના સંબંધ રહ્યા. હોશિયાર વિદ્યાર્થીની છાપ એ કયારેય ભૂસવા ન માગતા હતા અને એને માટે જેટલું થઈ શકે તેટલું એ કરતાં હતા સાથે નાની ઉંમર હોવાનો લાભ મને હમેશા મળતો રહ્યો. સ્કૂલના એ દિવસો તો હજુ ગઇકાલે જ જીવાયેલા હોય તેટલા તાજા થઈ આવ્યા છે આ લખતી વેળા એ.

 

પ્રથમ પરીક્ષા મે શાળા પ્રવેશના 3 મહિનામાં જ આપી અને એ પછી સીધી બે ધોરણ ની સાથે જ આપી. ફક્ત 4 વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા આપવામાં ડર અનુભવાયો હોય એવું મારી યાદમાં નથી કદાચ બની શકે ઉંમર  પણ ન હોય અથવા ભણવા ની લગને એ ડર જણાવા નહીં દીધો હોય.

હા રસપૂર્વક થયેલા શિક્ષણના પાયા હોય તો વિદ્યાર્થી એને અનુરૂપ વગર ટેન્શન સાથે ભણી શકે છે ,એ ભણતરના મૂલ્યને સમજવાની તાકાત એનામાં એ ઉમરે ન હોય પણ અવમૂલ્યન પણ નથી કરી શકતા અને એમ જ જ્ઞાનનો પાયો મજબૂત બને છે એ વાત તો નક્કી.

ભાર વગરના ભણતર ઉપર અત્યારે જ્યારે ભાર મુકાય છે ત્યારે એ યાદ આવ્યા વગર રહેતું નથી કે સારું થયું આપણે આ ‘ભારો’ ઉપાડવાના સમયથી પાછળ હતા. સ્કૂલમાં ખાલી ભણતર જ નહીં ગણતર અને રમતગમતને પૂરતું સ્થાન મળી રહ્યું એનો આનંદ પણ પૂરો રહ્યો અને સાથે મિત્રો સાથેની મોજમજા તો લટકામાં રહી. શાળાનો સમય પૂરો થયે રમાતી નારગોળની રમત ..કબડ્ડી કે ટેબલટેનિસની મજા તો ભૂલાય જ કેમ ? એ ધિંગામસ્તીથી ચાલીને કપાતો રસ્તો ક્યારેય લાંબો નથી લાગ્યો. સ્કૂલમાં ઉછરેલી આંબલી અને એના કાતરા પાડવામાં એક બહેનપણી એ ઉછાળાયેલા પથ્થરના નિશાન હજુ કપાળની શોભા વધારે છે અને એને જોતાં જ ફરી વળે છે એ નાજુક હસતાં ખેલતા સંસ્મરણો અને ત્યારે એ બહેનપણી નો આભાર માનવાનું મારૂ હ્રદય ચૂકતું નથી.

માતા પિતા હાઈસ્કૂલ ટીચર હોવાથી અને એમાં પણ પપ્પા  સ્કૂલના પ્રિન્સિપાલ હોવાથી અને એ જ સ્કૂલમાં  મારૂ ભણતર થતું હોવાથી એક અલગ અનુભૂતિ હતી પણ સ્કૂલમાં એ મારા માતા પિતા છે એ ભૂલી જવાનું મને સુપેરે યાદ રહેતું. શિક્ષણમાં પ્રથમ અનુભવની જ્યારે વાત થાય છે ત્યારે એક વાત જણાવું કે ક્યારેય હાઈસ્કૂલ શિક્ષણમાં મારો પ્રથમ નંબર ન આવ્યો હમેંશા બીજો નંબર જ આવતો એટલા માટે કે કોઈને પણ એવું ન લાગે કે અહિયાં માતાપિતાનો લાભ લેવાયો છે.

ખેર વાત બોર્ડની પરીક્ષાની ફક્ત 13 વર્ષની વયે અપાતી એ પરિક્ષાનો હાઉ તો ઉમર કરતાં મોટો હતો અને પ્રથમ બોર્ડની પરીક્ષાનું ગુજરાતીનું પેપર દેતા એ ડર એ જ દિવસે 3 વાગ્યે બીજા વિજ્ઞાનના પેપરમાં જતો રહ્યો અને આરામથી બોર્ડની પરીક્ષા પાર પડી..હા એ પરીક્ષા દેતી વખતનું ટેન્શન ..પેપર હાથમાં લેતી વખતે વળતાં પેટના ગૂંચળા ….હાથનું આછેરું કંપન એ બધુ હજુ યાદ છે. આજ થી 20 વર્ષ પહેલાની એ યાદ હજુ પણ યાદ છે. એ સમયે શિક્ષાનું મહત્વ કઈક અંશે જુદું હતું. બોર્ડની તૈયારી કરવાની રીત પણ જુદી હતી..ટ્યુશન કલ્ચર તો દૂર સુધી ન હતું . ન આવડતું હોય તો સ્કૂલના જ ટીચર પાસે ફરીથી ભણવા જવાતું અને તમારી જાતે કરેલી તૈયારી જ તમને કામ લાગતી  પણ એ રીતે તમારામાં જે અનુભવ અને જાત પરનો વિશ્વાસ ઊભો થાય છે તે જીવનભર મદદ કરતો રહે છે.

આજના શિક્ષણ સાથે ગઈ કાલના શિક્ષણની મુલવણી કરવી નકામી છે કે સરખામણી કરવી પણ અસંગત છે .આજનું શિક્ષણ કદાચ આજની અથવા કાલની જરૂરિયાત હશે પણ સાથે એનું મુલ્ય આપણે કેવું આંકવું એ આપણાં જ હાથમાં હોય છે .અથવા એમ કહું કે મા બાપ ના હાથમાં હોય છે. સ્થિતી કોઈ પણ હોય એની મુલવણી અને સાથે એની જાળવણી કેમ કરવી એ હમેંશ  આપણાં જ હાથમાં હોય છે. એ માટે કોઈપણ સમયની ટીકા ટિપ્પણ કર્યા વગર  એ સમય ને માન પણ મન દઈને આપવું જોઇયે અથવા એમ કહું કે એ સમયમાં કેવી રીતે વર્તવું એનું ભાન રાખીને આપણાં બાળકોને ભણાવા જોઈએ. સમયનો સ્વભાવ પરિવર્તનનો છે  એટલા માટે સ્વીકરવો જ રહ્યો પરંતુ એ સાથે આપણાં ભણતરને સમજવું જ રહ્યું.અને એટ્લે જ ભણતરને હમેશા ગણતરીથી ભણ્યે જ રાખવું પડે છે. આ જગતથી અવગત થવા માટે હમેશા આપણે આપણી જાતને અપડેટ કરવી પડે છે તો જ આપણો વારસો આપણે આગળની પેઢીને આપી શકાશે॰

ભણતરની ક્યારેય કિમત હોતી નથી, એ ભાવને ને ફક્તને ફક્ત અનુભવી શકાય છે જીવનના હર ડગર પર.

‘ Friendship ‘-‘મિત્રતા’


 

             જીવનની આપાધાપીમાં કયારેક કઇંક એવુ બની જાય છે જે જીવનભરનું  સંભારણું બનીને રહી જાય છે……ના  એની યાદમાંથી છટકી શકાય કે ના છટકવું ગમે છે. ક્યારેક  એ ટીસ બનીને ઊઠે છે.. ક્યારેક તડ બનીને પ્રસરે છે…….રોમેરોમમાં વેદના બનીને પ્રગટે છે…….એ યાદોનાં તીખારા સૂતેલી  રાખમાંથી અગ્નિ પેદા કરે છે……આજે આવી જ  આગમાં લપેટવાનુ સદભાગ્યમારા ભાગે છે…..પણ ના હું  એનાથી ભાગવા માગૂ છુ ના ક્યારેય ભાગી છુ.પીડાને પણ ક્યારેક  માણવી પડે છે.આ પીડા મૃત્યુની સાથે મારા પ્રિયજનની મુલાકાતની છે …..મોતને નજરે નીરખ્યાની વાતછે..… ..અમાસનો દિવસ કોઇની કાળરાત્રી બન્યાની વાત છેત્યારે હું માંડ ૧૧ વર્ષની હોઇશ..ને આ ઉંમરે મોત સાથે પહેચાન તો ક્યાં બનાવી હોય..! છ્તાં   ૧૧ વર્ષના હાથોમાં એક જીંદગી શ્વાસ મુક્યાની  વાત છે, એક હસતી રમતી ૧૫  વર્ષની કન્યાની  વાત છે.

                                  અમારા ઘરને બીલકુલ અડીને  એનુ ઘર હતુ.. ઘરનો કલબલાટ હમેંશા કાનોને અથડાતો જ રહેતો..પછી  પછડાતા વાસણનો હોય કે ઝપટાતા બારી બારણાનો હોય.… વાતચિતનો હોય કે સતત રહેતી અવરજવરનો હોયજે હોય તે પણ એ અવાજ મારા સુનાપણાનો સાથીદાર હતો..મમ્મી પપ્પાના સ્કુલે ગયા પછીનો સથવારો હતો..તેના ઘરના કલશોરથી મન  તો મારુ  ભરાતુ હતુ.

                                આજથી લગભગ 23 વર્ષ પહેલાની વાત છે પહેલા તો કેવુ કે ટીવી તો હતા નહિ કે આજના બાળકોની જેમ ખોડાઇ ને  રહીએ.. કે ન હતા મોબાઈલ કે આખો દિવસ એમાં પસાર કરી શકીએ કે નહોતી કોઈ મોબાઈલ ગેમ્સ કે તેમાં રમી શકીએ ……અમે તો   ને મસ્ત સાતતાળી .થપ્પો .દોરડાકુદ ,ચૌખંડાને નારગોળ .ખોખો ને કબ્બડી જેવી   કેટલીયે રમતો સાથે  રમતા..ક્યારેક અમારા ગામમાં સર્કસ આવે કે જાદુગરના ખેલ આવે  ત્યારે તો જાણે અમારે ઉત્સવ આવ્યો હોય .સર્કસ આવીને જતુ રહે તો પણ અમારા સર્કસનાં દાવ તો ચાલુ  રહેતા..….એની જેમ ખેલ કરવાની અમે થોડી ઘણી કોશિશ કરતાં હતા ………દર રવિવારે ક્યાંક ને ક્યાંક જવાનું હોય ..એ પણ સાઇકલમાં ..ખૂબ મજાના દિવસો હતા....!

                                  અને આવા  મજાના દિવસોમા એક દિવસ એને એટલે કે મારી એ મિત્રને ચક્ક્રર આવ્યા ને પડી ગઇ..ડોકટરને દેખાડ્યુ.. થોડી દવા આપી ,થોડું સારું થયું પણ ફરી પાછું એજ ચક્કર આવવાનું શરૂ થયું એટ્લે અમારા ગામમાંના ડોક્ટરને કઇંક વધારે કારણ ન મળ્યું અને તેને મોટા શહેરમાં બતાવવાનું કહ્યું ત્યાં પણ ગયા પરંતુ કોઈ જ કારણ શોધી શકાયું નહીં ..મગજની  બીમારી એને વળગી ગઇ હતી અને પછી આમ   જુદાજુદા ડોકટરોની મુલાકાતોના દોર ચાલુ જ રહ્યા..  ….દોરાધાગા , માનતાબાધા  કરવાનુ પણ  શિક્ષિત માબાપ ચુક્યા નહી….ધીમે ધીમે સમય રંગ બતાવતો ગયો..કાળની કેડી જાણે એને માટે એને માટે વધુને વધુ નજીક આવતી ગઇ..પણ ક્યા માબાપ  વાતને સ્વીકારવા તૈયાર થાય  ?અને મા-બાપ જ શું કામ એ મીઠડી છોકરીને આમ સૂનમૂન સૂતેલી જોવા માટે  એને જાણતા લોકોમાં કોઈ જ તૈયાર ન હતું ….તેના મા – બાપ અને બધા સ્નેહીજનો  ગમે તે કરી છૂટવા  તૈયાર હતાહવે તો તેની યાદદાસ્ત પણ સાથ છોડવા લાગી હતી…સાથે ગમતી વસ્તુઓની અમારા બન્ને  વચ્ચે ક્યારેક  થતી જીદ તો આપોઆપ  છુટવા  લાગી હતી હમેંશા  મને જોઇને એની અઠ્યાવીસી દેખાડતી  હવે  ક્યારેક જ ધીમુ  મલકતી હતી..  અમારી ફોરેનના કાપડમાથી સિવડાવેલી એક સરખી   ફ્લાવર પ્રિન્ટ વાળી પિન્ક મેકસી હવે હું એકલી એક્લી  પહેરતી હતી..અને એને આવો બધો અણસાર નહોવા છતાં   એની મમ્મીને હું તેને પહેરાવાનો આગ્રહ રાખતી હતી.. કારણ બધાની આશા ખુટી ગઇ હતી પણ મને તો ક્યાં ખબર જ હતી કે એની પાણીદાર આંખોનુ તેજ  ધીમેધીમે  ઓલવાતુ જતુ હતુ..અને હવે   બધાને નિરુપાય થઈને જોયા કર્યા સિવાય હાથમા કઈં જ ન  હતુઆજથી અઢીત્રણ દાયકા પહેલા તો મેડીકલ સાયન્સ પણ ક્યાં એટલું  ડેવલોપ હતુ કે ઉપાય પણ શક્ય બને..!

                                   આમ બધા  ઉપચારોથી ત્રસ્ત થઇને અંતે ભગવાનની ઇચ્છાની આગળ  પરિવાર ઝુકી ગયો..રોજ થતી તેના નામની પુજાઅર્ચના એના આયુષ્યમા તો નહિ પણ એના  આયખાની પીડા ઓછી કરે એની માટે  થવા લાગી..ને એ આખા આયખાની પીડામાંથી છુટકારો અપાવે એ દિવસ પણ આવ્યો ..

                                 અમાસનો દિવસ હતો …એવરતજીવરતના વ્રતનો દિવસ હતો. .મારા મમ્મી અને તેના મમ્મીના બહેનપણા પણ અમારી જેમ  અંખંડ હતા..તેઓ બન્ને પુજાની તૈયારીમા પડ્યા અને તેની પાસે બેસવાનું કામ મારુ હતુ.. હજુ તો   ત્યાં એના માથા પાસે તેનો હાથ પકડીને બેઠી  હતી કે તેને આંચકી આવવા લાગી અને આવી રીતે એને ઘણી વાર આંચકી આવતી એટલે  મેં માસીને અવાજ દીધો..ને માસી બહારથી  મને કહે એને થોડું  પાણી પા ત્યાં હું આવું  છુ.. ત્યાં જ મારો અવાજ સાંભળીને દોડતા માસા પણ આવ્યા અને મેં તથા માસાએ  પાણી પાયુ ..એક ચમચી પાણી પીધુ ને બીજી ચમચીમા તો   મોટી મોટી આંખો મારી સામે   જોતી રહી ગઈઆંચકી બંધ અને તેની પીડા પણ બંધ.. શ્વાસ  છુટી ગયો અને અમારી અખંડ‘ મૈત્રીને તોડી ગયો..!

 

                              આજે પણ  જીવરત‘ ના દીવસે એના  ”જીવતર‘ સાથે ખેલાયેલુ મોતનુ ઉજવણું યાદ આવે છે. એની આંખો જોઈને જ માસી ખૂણામાં જઈને જે ચીસો પાડીને રડેલા એ ચીસોએ મને ઘણી રાતો જગાડી હતી .કેટલું દુખ ને કેવડી વેદના ..!!!   મને તો એ કરૂણ ક્ષણોની યાદ તો છે જ સાથે એની એ નાનકડી જીંદગીના ફુલગુલાબી પ્રસંગો પણ  યાદ છે કારણ એ અમે સાથે  જીવેલા હતા..સ્કુલનો સથવારો..રમતોમાં અડિખમ રહેનારો..તેના જીદ્દી સ્વભાવને લઈને મારી સાથે હમેંશા  જીતનારો  સાથ એની જીવનની સફરને ટુકાવીને છુટી ગયો…..

                એની   મોટી આંખો તો મને હજુ પણ નજરે ચડે છે. એનુ  તેજ હજુ પણ આકરૂ લાગે છે..મને તો  પણ     ખબર નહોતી કે તેની સફર આટલી અધુરી છે અમારી રમતો પણ હજુ તો અધુરી હતી ..અમારા  બાળપણના દિવસો ક્યાં પુરા જીવ્યા હતા.. દિવસોના દિવસો સુધી મારી સાથે એટલી વણાયને રહી...ડગલે ને પગલે એની યાદ મને આવતી રહી ….એ ઘરમાંથી એનો અવાજ આવતો તેની માંદગી દરમ્યાન જ બંધ થઈ ગયો હતો પણ  એ  સૂતી તો હતી .તેની હયાતીના પુરાવા એ પલંગ દેતો તો હતો જ …..પણ હવે તો એ પણ નહીં …..એની હાજરી એ પલંગ પર પણ નહીં ……એ ઓરડો પણ ખાલી અને મારૂ હ્રદય પણ ખાલી …..એના  મૃત્યુ   મારા બાળમાનસ પર કરેલા આઘાત મને ક્યારેય કોઇની નજીક  જવા દીધી..અને કયારેક લાગે છે  બાળમાનસ હજુ પણ મારા મનમા જીંવત છે.. કોઇની પણ એનુ સ્થાન લેવાની કોશિષ મને તેની સાદી મૈત્રીથી પણ દુર કરી દે છે. મૃત્યુ સાથે બધાએ એક વાર મુલાકાત કરવી જ પડે છે એ સત્ય તો હવે સમજાયું હતું ને આ સત્ય બહુ જ કડવું હતું ….!

અત્યારે ફ્રેન્ડશીપ દીવસ ઉજવવામાં આવે છે .મિત્રોને મળવાનું આસાન થઈ ગયું છે .મૈત્રીની પરિભાષા બદલાઈ છે

                                 ત્યારે  ફ્રેન્ડ્શીપ ડે ના સ્પેશીયલ દિવસની જરુર નહોતી અને મને તો  હજુ પણ તેને યાદ કરવાનું  કોઇ  કારણ શોધવા નથી જવુ પડતું .. બાળપણનુ જીવાયેલુ નાનકડું સખીપણું આજે પણ મને વીતેલી વાતોને યાદ કરીને હસાવી પણ શકે છે અને  લખતી વખતે મારી જાણ બહાર મારી આંખોને વહેતી પણ કરી મુકે છે..

                                        અને હા..આજે  બધા મિત્રોની વચ્ચે પણ મને એની ખોટ સાલે  છે..બધાને પોતિકી મૈત્રીનાં મુલ્યની પહેચાન હશે ને હોવી જ જોઇયે ..જ્યાં મારી પહેચાન તો ખુબ  નાની છે..ક્યાંક હજુ પણ એ આંખોનો  ચમકારો પાછો મેળવાની આશા સાથે જ.. મૈત્રી સંબંધ ધરાવતા  બધાને શુભકામના..કે તમારી મિત્રતાનો અંત ક્યારેય અમારી મિત્રતા જેવો   હોય..!!!

અસ્તુ .

 

 

“ભગવાનનો ટેગ”


મારી નાની હીરની વાત કરુ…

                             અમે ઉજૈનમા રહેતા હતા..અને એને ખબર નહિ કેમ પણ બધા ભગવાનની પાછ્ળ કઇને કઈ ટેગ લગાવીને વાત કરવાની આદત..જેમ કે શંકરદાદા.હનુમાનકાકા,ગણેશમામા,ક્રીષ્નાભાઇ.એટ્લુ સારુ હતુકે કોઇ માતાજીના નામ પાછ્ળ માસી ન્હોતી લગાડ્તી..અને આ બધા સાથે મારા મકાનમાલિકણને -વૈષ્ણવધર્મના ચુસ્ત પાલન કરનારાને વાંધો હતો અને એમાય જ્યારે કાનાની નાની મુર્તિને લઇને રમકડાની જેમ હાથમાં લઈને ફરતી,સાથે જમાડ્તી.ઓશિકા પર રાખીને સુવડાવતી ત્યારે તો જોવા જેવી થતી..અને ડાયરેક્ટ મારી દિકરીઓને ના પાડે..આવુ ન બોલાય..આનાથી ન રમાય..ત્યાં સુધી કે તે ઉપર રહેતા હતા અને નીચે ઉતરવાનો અવાજ પણ મારી દિકરીઓ સાંભળે કે ફ્ટ દઈને બધુ મુકી દે..કારણ કે તેમના ઘેર કામ કરતી કામવાળીના દિકરાને આઘો કાઢ્નારી સ્ત્રી ભગવાનને બધી ઋતુ પ્રમાણે સાચવતી હતી..ધર્મનુ આચરણ વિના વિચારે કરવુ એના જેવી મુર્ખાઇ તો બીજી કોઇ નથી.

                                      ખેર કોઇના વ્યક્તિગત વિચાર અને આચરણ સાથે કોઇ વાંધો હોય શકે પણ જ્યારે વિચારોનુ થોપણ આપણા પર થતુ લાગે ત્યાં …..અને સવાલ સામે તો મારી દિકરીઓ મને પુછે..” હે મમ્મા ભગવાન કૈ થોડા એકલાના હોય…એના ઘેર એમના આપણા ઘેર આપણા….ત્યારે મારી મીત્સુ વર્ષની અને હીર વર્ષની હતી અને દિકરીઓ એના ડેડી પાસેથી રોજ રાત્રે અવનવી વાર્તાઓ સાંભળવા ટેવાયેલી હતી..જેમાં ચકાચકીની વાર્તાથી માંડીને કાનુડાના પરાક્ર્મ સુધીની વાર્તાઓ આવી જાયભગવાનોને હંમેશા પોતાની પરિકલ્પનાઓમાં સાચવનારી અને સપનાઓમાં રોજ મળનારી હતીસ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવનાર બધા હોય છે જ્ન્મજાત..પણ ઉંમર વધતા સાથે વ્યક્તિત્વ માબાપના વિચારોમાં દબાતુ જાય છે..જમાનાની વિરુદ્ધ જઈને અથવા એમ કહો કે થોડુ આગળ જઇને અમારા સંતાનોને ઉછેરવાનુ રુપાળુ ફળ અમને જ્યારે આજે દેખાય છે ત્યારે એમ થાય છે કે આવી અભિવ્યક્તિઓને રોકવા ટોકવાનુ કામ આપણે છોડી દઇએ તો એમનુ વ્યકતિત્વ એમનુ બનીને નીરખે છે..અને મજાનુ હોય છે..અર્થસભર..લાગણીથી ભરપુર હોય છે.

                             ત્યારે અમને મારી દિકરીઓને કાનાની મુર્તિ સાથે રમવામાં કે એમનાથી થતા સંબોધનોમાં ક્યાંય અજુગતુ નહોતુ લાગ્યુ કે અમે રોક્યુ હતુ..કદાચ એથી ભગવાનની પુજા નથી કરતી પણ એના પ્રત્યેનો અહોભાવ ભારોભર ભરીને બેઠી છે..તેઓને ખબર છે..ભગવાન બધાના હ્ર્દયમાં વાસ કરે છે અને બધાની પાસે હોય છે..પણ હા, તેની મહેમાનગતિ કેમ કરવી એની રીતના જાણકાર બહુ ઓછા હોય છે…..

 

[ અને આવા સવાલોના જવાબ સાચા દેવાની ટેવ હોવાને કારણે અમે મકાન વ્હેલી તકે છોડી દીધુ હતુ કારણ કે અમને અમારી દિકરીઓની સ્વતંત્રતા પૈસા કરતા વધારે વ્હાલી હતી ]

 

 

 

હેમલ દવે

૧૬/૧૨/૧૧

.૩૫ સવાર

” જન્મ દીકરી નો ? “


જીવનની ઘટમાળમાં ક્યાંક એવા ખોવાઇ જવાય છે કે ઘણી વાર ખુબ સારી અનુભુતિઓને વિસરી જવાય છે.આવા જ અનુભવોની  અનુભુતિ આજકાલ યાદ આવ્યા કરે છે ,થાય છે કોઇ સાથે આ વાગોળી શકાય ખરુ? અનેક મનોમંથન બાદ લાગ્યુ કે આપણું છે અને આપણા લોકો સાથે જ વાત કરવાની છે..

  હમણા જ એક બનાવ યાદ આવ્યા કરે છે..ખાસ કરીને જયારે જ્યારે દિકરી ઓ વિશે વાંચુ ત્યારે ખાસ.હુ પણ બે સુન્દર મજાની દિકરી ઓની મા છુ..મારી બીજી દિકરીના જન્મસમયની આ વાત છે..ઓપરેશનથી રામનવમી ના આવેલી મારી ઢિન્ગલીને લઇને ચોથા દિવસે જયારે ઘેર જવાની તૈયારી કરતા હતા અને રૂમમા એક મા ને લાવવામા આવી..ખુબ જ રોતી કકળતી એ તાજી તાજી મા..એની પાછ્ળ વિલખતુ કુટુંબ..ને અમે તો બધા સ્તબ્ધ થઈ ગયા કે આ શુ..નક્કી  કઈક અણબનાવ બન્યો લાગે છે..રૂમમાંથી સામાન સમેટતા મારા મમ્મી એ મને જલ્દીથી બહાર જવાનુ કહ્યુ જેથી મારા પર કઈ જ ખરાબ અસર ના થાય..પણ મારા ભાઇ થી ના રહેવાયુ ..એણે કહ્યુ  થોડી વાર તમે બહાર રહો..મારી બહેનને લઈ જઇએ પછી બધા આવી જાઓ..કારણ કે એટ્લા બધા લોકો હતા કે..અને વાતાવરણ પૂરું ગમગીન.આખરે થયું શું હતું ?

                    પૂછ્યું ….. જવાબ શુ મલ્યો કહુ ?  તો દિકરી જન્મી છે…. અમે તો જોઇ જ રહ્યા..આ તે કેવુ?  આટલી રોકક્ક્ળ?  એક ફુલનુ આવુ સ્વાગત?  એની ભુલ શી ? અને મારો એ ભાઇ ત્યારે ૨૧ વર્ષનો હતો એ  ઉભો થયો..પેંડાનુ બોક્ષ લીધુ..અને પહેલા એ  તાજી મા પાસે ગયો  અને ખવડાવ્યો..પછી બીજા બધાને ખવડાવતો ગયો..’કે લો આ મારી બેનની  બીજી દિકરીના પેંડા ખાવ..ને બધા ચુપ..અને હવે બોલવાનો વારો મારો હતો. મારે તો મારી મા કહે છે તેમ કપાળે કુવો છે..મે પુછ્યુ આમ કેમ ? દિકરી ની સામુ તો જુવો…એક બાળકના જન્મ પર એનું ભાવભીનું સ્વાગત તો દૂર રહ્યું એની સામે પણ જોવાતું નથી ..બિચારી માં પણ કદાચ આ બધાના રીએકશનને કારણે એની સામે જોવા નહીં માગતી હોય , હા તાજ્જુબની વાત તો એ હતી કે એક બેન જેની પાસે એ નાનકી હતી એ સિવાય કોઇએ એને જોઇ પણ ન હતી..ઓહ..હજુ પણ એ યાદ કરી ને રુવાંડા ઉભા થઈ જાય છે.

      અને બીજી ખાસ વાત એ  હતી કે એ દિકરી એ બેનના લગ્નના ૧૨ વર્ષ પછી આવી હતી..અને એ સૌરાષ્ટ્રનો બહુ જ મોટા સમાજમાથી આવતી હ્તી કે એ સમાજમા દિકરીઓ કરતા દિકરાઓનુ સ્થાન વધારે ગણવામા આવે છે.. એટ્લે તે દિકરી નુ મોઢુ ન્હોતી જોતી કે ભગવાને આટ્લા વર્ષે આપી આપીને દિકરી આપી…..!!!  આ વાતને ૧5 વર્ષ થયા ,પરીસ્થિતી સુધરી જરુર છે પણ બદ્લી છે ખરા….?

આ વાત કદાચ બધાને લાગુ પડે છે.આ જાતિભેદ આપણો જ ઊભો કરેલો છે.હા હવે  લોકો પરિસ્થિતીનું મૂલ્યાંકન કરતાં જરૂર થયા છે પણ સંપૂર્ણ બદલાવ હજુ જોજનો દૂર છે

              અને મા ની કોખમાથી બહાર જ ન આવતી દિકરીઓ કહે છે

                                                 કેવો હતો આ સુખાંત

                                                               મા ની કોખમાં જ આરંભ

                                                                                 અને અંત 

 

 

હેમલ દવે                                                   

 5-4-2011 

“મારી મીઠડીને સપ્રેમ “


મે મારી મીઠડીને(મીત્સુ) તેના ૧૮ માં જન્મદિવસે રાત્રે ૧૨ વાગ્યે આપેલી ભેટ..!

એક વાર

જિંદગી  આવીને કહે મને,

ચાલ હવે બહુ થયું…!!!

 હવે હું તને મળું છું સીધું

દિવસો ગયા……મહિનાઓ ગયા….

એક સવારે ૭ અને ૧૦ મીનીટે

એક ફૂલડાને મારા પડખામાં દેખું..

ખીલખીલતું પણ મીચેલી આંખે સુતેલું

એની આંખડીઓ ઉઘડવાની રાહ જોતી 

હું તો એને ને એને જ નીરખું..

ઉઘડી એ આંખો અને હું તો જાણે 

આખી સૃષ્ટિને નાચતી દેખું…

દિલના ઉમંગ ને આંખોના નીરને  

આઘાપાછા કરીને

બસ વારંવાર એને જ દેખું..

એ આહલાદક અનુભવ..માતૃત્વની અનુભૂતિ..

હૈયામાં ઉઠતા તરંગ..આસપાસ ઉઠતી ખુશીઓની છોળ..

મારે ને સ્વર્ગને જાણે જરા પણ નાં છેટું..

હવે તો મારી દુનિયાને બસ

તારી આસપાસ જ વિખેરું

પા પા પગલી કરતી

તા તા થૈયા કરતી થઇ ગઈ 

પાણીમાં છબછબીયા  કરતી

ભલભલાના પાણી ઉડાડતી થઇ ગઈ

મોટીમોટી આંખોને ચમકાવી માં બોલતી તું..

અહા હા…..!!!!

મારી જાતને જાણે

એવેરેસ્ટની ટોચમાં બેઠેલી દેખું….

દિવસો  ગયા… મહિનાઓ ગયા… વર્ષો થયા.. .

ટીન ટીન કરતી સાઈકલ ચલાવતી મારી ટેણકી

ટીન એજ માં આવી ગઈ..

તા તા થૈયા કરતી ..કમર મટ્કાવતી થઇ ગઈ..

તેલ સીચી સીચીને કમરે પહોચાડેલા વાળ ને

કપાવતી થઇ ગઈ

સાઈકલ ચલાવતી મારી અંગુઠી

સ્કુટી ચલાવીને ગાડીને ચલાવવાની જીદ કરતી થઇ ગઈ

અને હવે જાણે અજાણે મારા મનડાને

તારી આગળ પાછળ જ ફરતું દેખું..

સંસ્કારોના પીંછડા  ફેરવતી હું..

લાંબાલચક લેકચરો આપતી હું..

તારા સાથના સથવારે તારા વિશ્વાસના જોરે

બેફીકર ફરતી થઇ ગઈ

પ્રથમ ભૂલને સ્વીકારતી તારી વહેતી આંખોને

પહેલા ગુસ્સાનો ચમકારો આપીને

પછી  ઉમટી આવેલા વ્હાલના દરિયાને માણતી થઇ ગઈ …

તારા દુખે દુખી અને સુખે સુખી..

ક્યારેક તારા રીસામણાને ખીજાતી ને ખીજાઇને મનાવતી..

મનાવીને તને

રોમેરોમ પ્રેમથી ભીંજવતી થઇ ગઈ..

આજ મારી દીકરી ૧૮ વર્ષ ની થઇ ગઈ..

મારા શમણાઓની કિમંત આંકતી થઇ ગઈ ..

વાતોચીતોમાં ..જીવનની ઘટમાળોમાં..

મારા સુખને કેન્દ્રસ્થાને રાખતી થઇ ગઈ…

ક્યારેક ઉમટતા એકલતાના સૂરને

સથવારો આપતી થઇ ગઈ.

મે આપેલા સંસ્કારોને સાદ આપતી ગઇ….

અને હવે હું મારા વિશ્વાસને ..

મારા તેની પરના પ્રેમને

ઠરીઠામ થયેલો  દેખું…

 લખ્યા તા.૪/૪/૨૦૧૧

હેમલ દવે.

 

“અનુભૂતિ “


જીવનની ઘટમાળમાં ક્યાંક એવા ખોવાઇ જવાય છે કે ઘણી વાર ખુબ સારી અનુભુતિઓને વિસરી જવાય છે.આવા જ અનુભવોનિ અનુભુતિ આજકાલ યાદ આવ્યા કરે છે ,થાય છે કોઇ સાથે આ વાગોળી શકાય ખરુ? અનેક મનોમન્થનને બાદ લાગ્યુ કે આપણૂ છે અને આપણા લોકો સાથે જ વાત કરવાની છે..

  હમણા જ એક બનાવ યાદ આવ્યા કરે છે..ખાસ કરીને જયારે જ્યારે દિકરી ઓ વિશે વાંચુ ત્યારે ખાસ.હુ પણ બે સુન્દર મજાની દિકરી ઓની મા છુ..મારી બીજી દિકરીના જન્મસમયની આ વાત છે..ઓપરેશનથી રામનવમી ના આવેલી મારી ઢિન્ગલીને લઇને ચોથા દિવસે જયારે ઘેર જવાની તૈયારી કરતા હતા અને રૂમમા એક મા ને લાવવામા આવી..ખુબ જ રોતી કકળતી એ તાજી તાજી મા..એની પાછ્ળ વિલખતુ કુટુંબ..ને અમે તો બધા સ્તબ્ધ થઈ ગયા કે આ શુ..નક્કિ કૈક અણબનાવ બન્યો લાગે છે..રૂમમાંથી સામાન સમેટતા મારા મમ્મી એ મને જલ્દીથી બહાર જવાનુ કહ્યુ જેથી મારા પર કૈ જ ખરાબ અસર ના થાય..પણ મારા ભાઇ થી ના રહેવાયુ ..એણે કહ્યુ  થોડી વાર તમે બહાર રહો..મારી બહેનને લઈ જઇએ પછિ બધા આવી જાઓ..કારણ કે એટ્લા બધા લોકો હતા કે..અને થયુ છે શુ?

                    અને જવાબ શુ મલ્યો કહુ?  તો દિકરી જન્મી છે..અને અમે તો જોઇ જ રહ્યા..આ તે કેવુ?  આટલી રોકક્ક્ળ?  એક ફુલનુ આવુ સ્વાગત?  એની ભુલ શી ?અને મારો એ ભાઇ ત્યારે ૨૧ વર્ષનો હતો એ  ઉભો થયો..પેંડાનુ બોક્ષ લીધુ..અને પહેલા એ મા પાસે ગયો  અને ખવડાવ્યો..પછી બીજા બધાને ખવડાવતો ગયો..’કે લો આ મારી બેનની  બીજી દિકરીના પેંડા ખાવ..ને બધા ચુપ..અને હવે બોલવાનો વારો મારો હતો મારે તો મારી મા કહે છે તેમ કપાળે કુવો છે..મે પુછ્યુ આમ કેમ? દિકરી ની સામુ તો જુવો  !અને હા તાજુબની વાત તો એ હતી કે એક બેન જેની પાસે એ નાનકી હતી એ સિવાય કોઇએ એને જોઇ પણ ન હતી..ઓહ..હજુ પણ એ યાદ કરી ને રુવાંડા ઉભા થઈ જાય છે.

      અને બી જી ખાસ વાત ઍ હતી કે એ દિકરી એ બેનના લગ્નના ૧૨ વર્ષ પછી આવી હતી..અને એ સૌરાષ્ટ્રનો બહુ જ મોટો સમાજમાથી આવતી હ્તી કે એ સમાજમા દિકરી ઓ કરતા દિકરાઓનુ સ્થાન વધારે ગણવામા આવે છે.. એટ્લે તે દિકરી નુ મોઢુ ન્હોતી જોતી કે ભગવાને

આટ્લા વર્ષે આપી આપીને દિકરી આપી…..આ વાતને ૧૩ વર્ષ થયા ,પરીસ્થિતી સુધરી જરુર છે પણ બદ્લી છે ખરા…

              અને મા ની કોખમાથી બહાર જ ન આવતી દિકરી ઓ કહે છે

                                                 કેવો હતો આ સુખાંત

                                                               મા ની કોખમાં જ આરંભ

                                                                                 અને અંત 

 

 

હેમલ દવે                                                                                                                                              

 

“ઘડતર “


આજે જ ક્લાસની મેથ્સની ટેસ્ટ સારી ન જતાં મારી દીકરી ઉદાસ હતી …અને  અમે એને સમજાવતા હતા ,  કે બેટા તું   તારાથી થાય એટલી મહેનત કર ..બસ બાકી ટકાની ચિંતામાં ના પડ. આરામથી ભણ .કોઈ પણ ચિંતા વગર.મજાથી ભણ. (ત્યારે મારી એ મિત્ર સાથે હતી)..

અને આજે એ  મિત્રએ સવાલ કર્યો તારી દીકરી પણ દસમા બોર્ડમાં છે ને ..! તો તો કેટલું ટેન્શન ..રહેતું હશે નહીં ? તારી માર્કેટિંગની જોબ , ઘર , ફેમિલી . આ બધુ જાળવીને કામ કરવું … અને એના વિપરીત મારો જવાબ હતો ના રે ના ટેન્શન શેનું ..? એની મેળે ભણે છે હા ..એના ખાવા પીવાના ,ક્લાસીસના ટાઈમિંગ જાળવીએ .બસ  એને નવાઈ લાગી અને એને લાગેલી આટલી બ………ધી નવાઈની મને નવાઈ લાગી.

 

શું બાળક માત્ર ટકાવારી માટે જ ભણે છે ? કે આપના સર્કલમાં નામ રાખવા માટે ભણે છે ? એના મનથી ભણતું હોય એ બાળકની વાત નથી ..જેને પરાણે ભણાવાતું હોય ..મા-બાપ એની ચિંતામાં અડધા થઈ જતાં હોય એવા બાળકના માનસિક વિકાસ યોગ્ય દિશામાં થતો હોય છે ખરા ? સંતાન બોર્ડમાં હોય ત્યારે તો બસ એ જ વાત ..કોઈ પણ કામ હોય, ક્યાંય જવાનું હોય તો પણ એ બોર્ડની વાત પહેલા .

આ વિષય મનન અને મનોમંથન માગી લે તેવો છે…ગાડરિયા પ્રવાહમાં તણાવુ એ આપણા લોહીમાં છે …અને કેટ્લાક લોહી ઉકાળા કરવા વાળા લોકો પણ છે..જેના પુરતા પ્રયત્નો રહે છે સામા પ્રવાહમાં તરવાનાં…..પણ ઘરેડ્માં જીવવાવાળા લોકોને આવા પ્રશ્નોની  આદત પડી હોય છે.. આ  વિષયમાં શિક્ષણ પધ્ધતિ તો  જવાબદાર છે જ  પણ આપણું બાળક તો  આપણુ જ છે ને..? તેના પર કેટ્લો અને કેવો બોજો નાખવો એ આપણા હાથમાં છે..સ્પર્ધાત્મક જમાનો છે એ વાત સાચી પણ બાળકને કેમ અને ક્યા ,ક્યારે દોડાવવા એ આપણા હાથમાં  છે..

દુનિયા આખી દોડે છે ત્યારે તમારો વિસામો તમને મોંઘો પડ્શે એવુ જેને લાગતુ હોય એને બાળક્ને જન્મ જ ન આપવો જોઇયે…મારી બન્ને દીકરીઓ ને મે આ સ્પર્ધાત્મક જગતમાંથી બાકાત રાખીને ઉછેરવાનું  સુંદર પરિણામ મને મળ્યુ છે..ભાર ન રાખવાથી એ તેમના જીવનને માણે છે એ મારે મન અગત્યનુ છે….બાકી ભણતરના ભાર હેઠળ બાળકો આપઘાતના પગલાં ભરતા હોય છે અને આવા આપઘાત થાય એની પાછ્ળ નબળી માનસિકતા જ હોય છે…અને જ્યાં જઇએ ત્યાં સામનો તો છે જ…પણ ઘડ્તર જો સબળુ હશે તો ભણતરનું મહત્વ પણ હશે અને સાથે જીવતરનું ગણતર પણ હશે॰

6/1/2013

“મહાયાત્રા ” એક સ્ત્રી ની


જિંદગીને માણવાના દિવસો ક્યાં કહેવાય ? ખાસ કરીને એક સ્ત્રીના જીવનમાં..

યૌવનના ડગલે પગલા મંડાય અને શોધખોળ થવા લાગે એક જીવન સાથીની ..અને એમાં પણ પરિપૂર્ણતા લાવવાની જ કોશિશોમાં માબાપ અડધા પડધા થઇ જાય.. ઘર અને વર મળી જાય તો જાણે અડધો જંગ જીતી ગયા..પછી શરુ થાય સુખી લગ્નજીવન દિવસો. બધી સ્ત્રીઓની માફક નમ્રતાની જિંદગી પણ આમ જ શરુ થઇ હતી. ડાહી તથા સુશીલ યુવતિ. ઝડપથી બધાજ સાથે હળી મળી જાય તેવો મળતાવડો સ્વભાવ. તેનો વર પ્રયાગ પણ સારો, અને ખુબ ઉમદા વિચારો વાળો અને સમજદાર. બેનબા ને તો લીલાલહેર હતા અને બાકી હતું તો ભગવાને મજાનો દીકરો આપી દીધો અને જાણે બધુ સુખ બેઉ હાથમાં.

 

એક સવારે નમ્રતાને સહેજ ચકર જેવું લાગ્યું.”.થયું હશે..દીકરો ત્યારે ૪ વર્ષનો થઇ ગયો હતો..ઘર વર અને દીકરા પાછળ જાત ભૂલી ગઈ છું..ચાલો થોડું ધ્યાન રાખીશ” ..એમ મન ને મનાવી ફરી કામે વળગી ગઈ.બીજા દિવસે પણ એજ તબીયત. આ વાતની ખબર થતા તેના પતિદેવ પ્રયાગ તેને ડોક્ટર પાસે સીધો લઈ ગયો. સામાન્ય નિદાનમાં ચક્કરનુ કારણ ના પક્ડાતા ઘણા રીપોર્ટ કરાવ્યા…….આખરે નિદાન જાહેર થયુ કેંન્સર…..

 

રોગ સાથે તક્લીફોનો પણ દોર શરુ થઈ ગયો. એલોપથી,નેચરોપથી,આયુર્વેદિક. અને પ્રકાર પ્રકારની માનતા .. પણ પીડાનો અંત નહોતો આવતો.

હવે તો બધાની બસ એક જ પ્રાર્થના હતી કે નમ્રતાની પીડા ઓછી કેમ કરીને થાય. પરિવારની હવે તો બધાની બસ એક જ પ્રાર્થના હતી કે નમ્રતાની પીડા ઓછી કેમ કરીને થાય. પરિવારની એક્તા આવા સમયે જ કામ આવે છે.નમ્રતાને પણ પિયરમાં લાવવામાં આવી હતી..મમ્મી પપ્પા..ભાઇ ભાભી..એને દુઃખ ભુલાવામા થોડી રાહત આપવામાં કોઇ કસર ન છોડ્તા. બધાને ખ્યાલ આવી ગયો હતો કે હવે એની અનંત યાત્રા શરુ થવાનો સમય નજીકમાં જ છે. બધા આસ પાસ જ રહેતા ને નમ્રતા પણ ખુબ જ સ્વસ્થ હતી આટલી પીડામાં પણ હસતું કેમ રહેવું એજ એનો પ્રયાસ રહેતો.

              એક સવારે ૫ વાગ્યાથી તેની તબિયત લથડવા લાગી. અંત સમય ની વેળા આવી.ઓશોની વિચારધારા ધરાવતા પ્રયાગે નમ્રતાના મહાપ્રયાણની વેળાએ સ્વસ્થ રહીને તેનો હાથ પકડીને બેસી રહ્યો.આસપાસ બધા જ લોકો બેઠા પણ સ્મિત સાથે. ને પ્રયાગે બોલવાનું શરુ કર્યું..”નમ્રતા તું શાંતિથી…… ના દીકરાની ફિકર કરીશ, ના મારી, આપનો સાથ આટલો જ રહ્યો એને હું અધુરો નહી મધુરો માનું છું . જિંદગીભર નું સુખદ સપનું જ નહી પણ સાકાર થયેલું સપનું. એના શિરપાવ રૂપે તને રડતા કકળતા વિદાય કેમ આપું? તે મારા જીવન ને ભરી દીધું. ! “અને માથે હાથ ફેરવતા બોલતો રહ્યો ..જા અને આ પીડામાંથી મુક્ત થા એ દુનિયામાં મારી રાહ જોજે. આવતા જન્મે આપણે મળીશું અને આ પ્રેમને આગળ ધપાવશુ. ના રોક્કળ ..ન કોઈ ડુંસકાઓ પરંતુ હાસ્ય અને પ્રેમના શબ્દો વચે નમ્રતા અંતિમ પળો ને માણતી રહી. પ્રયાગના હાથની હુંફ અને માથા પર ફરતા એના સ્પર્શને માણતી સ્મિત સાથે એની આંખોને વરસાવતી રહી. અને એ હસતા આંસુ અટકી પડ્યા,મોત તેની ભાષા સમજાવી ગયું અને એને સ્મિત સાથે આવકારી ને નમ્રતા મહાયાત્રાની તરફ……… હેમલ દવે ૯/૬/૧૧