‘યાદે’


                                  મિલના બીછડના ખેલ હૈ દુનિયા કા ……હજુ બે વર્ષ પહેલા જ જર્નાલિઝ્મમાં પા પા પગલી કરી હતી અને આજે તો ચાલતા પણ આવડી ગયું .! ક્યાં આ સમય ગયો ખબર ન રહી . ઘરનું કામ અને બહારનાં કામ સાથે ભણવાનું કામ માથે લેતા તો લઈ લીધું પણ નિયમિત કોલેજ જવું સમયસર પહોંચવું એ મારા માટે ક્યારેક  એક કસોટી જેવુ બનીને રહેતું . ને ત્યાં જઈને પણ ડાહ્યા ડમરા સ્ટુડન્ટની જેમ જુદી જુદી ફેકલ્ટી જે ભણાવે એ ભણવું ..અમુક વખતે  તો મારા અધૂરા જ્ઞાનનાં પૂરા દરવાજા બંધ કરી દઈને ભણવું ..શરૂઆતમાં થોડું અઘરું રહ્યું પણ પછી એક સારી અભિનેત્રીની જેમ મારા વિદ્યાર્થીનાં પાત્રમાં ઓતપ્રોત રહી . ત્યાં સુધી કે એન્કર કે ડ્રામામાં સ્ટેજ પર બિન્દાસ બોલતી હું , મારા ક્લાસની સામે બોલવામાં ફાંફા પડતાં હતા . પહેલા દિવસે બધાને જોઈને હું કેમ સેટ થઈ શકીશ ? એ પ્રશ્ન હવામાં ક્યારે ઊડી ગયો એ ખબર જ ન રહી .ને બપોરે કોલેજ જવાનું એક વ્યસન થઈ ગયું જાણે .. એ ક્લાસનાં મારા સહાધ્યાયીઑની થતી ચડતી જોઈને ખરેખર મનમાં આનંદ થયો છે . એમાં બે ત્રણ જણા ખૂબ આગળ નામ કાઢશે એવી અંતરની પ્રાર્થના અને વિશ્વાસ છે . અમુક બનેલા નાનકડા બનાવે વાસ્તવિકતાનું ભાન કરાવ્યુ .જ્ઞાન કેટલું પણ હોય પરંતુ માણસનું મન કેવું છે એના પર એ આધાર રાખે છે કે એ જ્ઞાન કામમાં આવશે કે નહીં !

 

 

       આ બે વર્ષ દરમિયાન ઘણા લોકો મળ્યા .મને હમેંશા માણસોને મળીને આનંદ જ આવે છે , ને એનામાં રહેલી સારપને જ યાદ રાખી શકું છું એ બદલ  હું કુદરતની આભારી છું . મારા અમુક  લેક્ચરરોએ ખૂબ ઊંડી છાપ છોડી છે પણ એ એક જ આંગળીનાં વેઢે ગણાય એટલા છે એટ્લે બાકીનાની નારાજગી વહોરવા જેવી મૂર્ખામી હું નહીં કરું . J

        જ્યારે ભણતી હતી ત્યારે હમેંશા બે કે ત્રણ માર્ક માટે રહી જઈને બીજો જ નંબર મળ્યો છે અને એ વાતનો થોડો રંજ રહ્યો હશે એ રંજની રજેરજ ઉડાડવા માટે જ જાણે પહેલા જ સેમેસ્ટરમાં પહેલો નંબર આવ્યો એ મારા માટે ખુશીની ક્ષણો હતી ..ત્યારપછી હું બિલકુલ આદર્શ સ્ટુડન્ટ થઈને મારા ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓએની સાથે રહેવા માટેના પ્રયત્નો રહયા …જે મને એક બે કે ત્રણ પાયરી નીચે ઉતારી પણ અંગત રીતે મારામાં રહેલી સારપને ખૂબ ઊંચે પહોંચાડી છે . કેમ  અને કેવી રીતે એનો ખુલાસો નહીં કરું .

       મારા સિનીયર સ્ટુડન્ટ્સ અને જુનિયર સ્ટુડન્ટ્સ ..આજની જનરેશન ..તેમને રિસેસમાં જોવા એ આનંદદાયક બની રહેતું  . ઘણા માત્ર મોજમજા કરવા આવે તો ઘણા અહી આવીને લાઈફનાં કાટખૂણા વાળા  ગોલને ગોળ કરવામાં માને છે . પણ એક વાત નક્કી નવી જનરેશનને અત્યારની  જિંદગી કેમ જીવવી એ ખબર પડે છે પણ આગળની જિંદગીમાં શું કરવું એની જાણ નથી થતી કે પછી એના પ્રયત્નો દેખાતા નથી એ એક પ્રશ્ન છે .

       18 વર્ષે જોયેલા સપનાને પૂરા કરવામાં બીજા 3 દાયકા નીકળી ગયા પણ પૂરું તો થયું જ . એ માટે હું મારા ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ એવા મારા પતિદેવનો આભાર માનવાની તક ચુકીશ નહીં જ્યારે મારી બન્ને દીકરીઓએ મને કોલેજની ફી ભરી આવવાથી માંડીને એસાઇંમેંટનાં કવર ચડાવી દેવા સુધીના કામ કર્યા છે . ને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ  મને આ કોર્સમાં જોઇન કરવાની પ્રેરણા આપનાર નાનકડા મિત્ર ભવ્ય અને આદરણીય યશવંત સરનો ખૂબ આભાર . જ્યારે જ્યારે બે ત્રણ વખત પણ કોર્સ છોડવાના વિચાર આવ્યા છે ત્યારે સર બહુ સાહજિકતાથી સમજાવી છે .હજુ એ શબ્દ યાદ છે “ થઈ જશે મેડમ ચિંતા ન કરો “

યસ સર ફાઇનલી હવે ચિંતા ગઈ છે .

સાથે ડિપાર્ટમેંટ હેડ નીતા મેડમ , તુષાર સર અને રાજુભાઇ તથા આરતીબેનને કેમ ભૂલાય ! બધા પાસેથી કૈંક ને કૈંક શીખવાનું મળે છે જો આપણામાં લેવાની આદત હોય તો . એક  આડવાત વાત કહીશ કે ,આવા કોર્ષમાં ભણતરનો  બહુ ભાર  આપવાને બદલે જો ગણતરને ધ્યાનમાં લેવામાં આવે  એટ્લે કે પ્રેક્ટિકલ પર વધારે ધ્યાન દેવામાં આવે તો ખૂબ સારા પત્રકાર બનવાની શકયતાઑ વધી જાય છે ..તે ઉપરાંત જ્વલંતભાઈ છાયા જેવા વિષય નિષ્ણાત પાસેથી અઢળક જ્ઞાન ને માહિતી મેળવી શકાય કે જેની કોઈ પુસ્તકોમાં નોંધ નથી હોતી .

 

‘ ફેરવેલ ‘ આ શબ્દ મને ગમતો નથી ..એક વખત તમે કોઈના ટચમાં આવ્યા પછી ભૂલવું એ અશક્ય છે ..હા એની યાદને કેમ સાચવવી એ એક અંગત બાબત છે . છતાં હું સદનસીબ છું કે , મારા કોલેજકાળમાં મે ક્યારેય આવી ‘ફેરવેલ પાર્ટી ‘ અનુભવ નહોતો કર્યો .ક્યારેય આવી રીતે કોલેજ મસ્તીનો અનુભવ નહોતો કર્યો .એ મેળવવા હું સદ્દ્ભાગી બની છું ..મારી ઉંમરની સ્ત્રીઓ જ્યારે કેટલાય દુખાવાથી પીડાતી રહીને, કુટુંબની જવાબદારી કે તેના પ્રશ્નોમાં ઉલઝીને પોતાની જાતને સંભાળવાને બદલે જાતને ઉલઝાવી પોતાની જિંદગી પસાર કરે છે ત્યારે હું મારા બધા જ નાનકડા મિત્રોની સાથે આ બે વર્ષ ભણીને, ભણતરનાં  ભવસાગર તરવામાં અવલ્લ આવી છું . એનો મને આનંદ પણ છે અને ગૌરવ પણ .

પ્રતિભાવ..